1. Home
  2. revoinews
  3. પેટાચૂંટણીમાં ભવ્ય જીત બાદ CM રૂપાણીએ કહ્યું: ભાજપનો વિજય એ જનતાનો વિજય, જનતાની આશાને પરિપૂર્ણ કરવા ભાજપ સરકાર કટિબદ્વ
પેટાચૂંટણીમાં ભવ્ય જીત બાદ CM રૂપાણીએ કહ્યું: ભાજપનો વિજય એ જનતાનો વિજય, જનતાની આશાને પરિપૂર્ણ કરવા ભાજપ સરકાર કટિબદ્વ

પેટાચૂંટણીમાં ભવ્ય જીત બાદ CM રૂપાણીએ કહ્યું: ભાજપનો વિજય એ જનતાનો વિજય, જનતાની આશાને પરિપૂર્ણ કરવા ભાજપ સરકાર કટિબદ્વ

0
Social Share
  • વિધાનસભા પેટાચૂંટણીની તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત
  • ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે વિજયની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
  • આજનું પરિણામ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2022ની વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર: CM રૂપાણી
  • જનતાનો ભાજપા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કરું છું: સી.આર.પાટીલ

ગાંધીનગર: વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો દરેક બેઠક પર ભવ્ય વિજય થયો છે ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ગાંધીનગર ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ભારે હર્ષોલ્લાસ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. ઢોલ, નગારા, ત્રાંસા વગાડી ભાજપના વિજયને કાર્યકર્તાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલે એકબીજાને મોં મીઠું કરાવી ભાજપના વિજયને આવકાર્યો હતો. આ તકે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા,રાજ્ય સરકારના મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમાં,  પ્રદીપસિંહ જાડેજા,  કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ મહામંત્રીઓ  કે.સી.પટેલ,  શબ્દશરણભાઈ ભ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષો આઈ.કે.જાડેજા,  ભાર્ગવભાઈ ભટ્ટ સહિતના આગેવાનો અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે,  “ગુજરાતમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોરોના મહામારીકાળના સમયમાં પણ જનતાએ ઉત્સાહપૂર્વક ભાજપા તરફી મતદાન કરી આઠેય વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવ્યો છે, ત્યારે હું ગુજરાતના મતદાર ભાઈઓ અને બહેનોનો સહૃદય આભાર વ્યક્ત કરું છું. કોરોના મહામારી વચ્ચે પણ ભાજપાના કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી ભાજપનો વિજય નિશ્ચિત બનાવ્યો, આજના આ ભવ્ય વિજયનો શ્રેય ભાજપના પ્રત્યેક કાર્યકર્તાના શિરે જાય છે.”

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપનો વિજય એ જનતાનો વિજય છે. આજનું પરિણામ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2022ની વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે, આગામી સમયમાં આવનારા ચૂંટણી પરિણામોનું દિશાદર્શન છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્યની ભાજપા સરકાર સંપૂર્ણ સમર્પણ સાથે જનહિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરી રહી છે, જનતાનો ભાજપા ઉપરનો વિશ્વાસ અંકબંધ છે. જનતાએ આ ચૂંટણીમાં અપાવેલા ભવ્ય વિજયથી ભાજપાની વિધાનસભામાં સંખ્યાબળ વધીને 111 થયું છે, રાજ્યના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી પર મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરી જનતાની આશા, આકાંશા, અપેક્ષા અને સપનાઓને પરિપૂર્ણ કરવા માટે રાજ્યની ભાજપ સરકાર કટિબદ્ધ છે.”

શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે, “કચ્છથી લઈ કપરાડા સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આવેલી આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં તમામ ધર્મ, જ્ઞાતિ, સમાજના નાગરિકોએ ભાજપા પર વિશ્વાસ મૂક્યો છે જેનાથી સ્પષ્ટ છે કે, ભાજપની વિકાસલક્ષી, રાષ્ટ્રવાદી, પ્રજાભિમુખ વિચારધારાને જનતાનો સંપૂર્ણ ટેકો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે, પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે, જનતાએ કોંગ્રેસને નકારી કાઢી છે, કોંગ્રેસના તમામ ષડયંત્રો નિષ્ફળ નીવડ્યા છે. ગુજરાત ભાજપાનો ગઢ હતો, આજે પણ છે આગળ પણ ભાજપાનો જ ગઢ રહેશે, ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપા સાથે છે.”  શ્રી રૂપાણીએ ઉત્તરાખંડમાં માર્ગ અકસ્માતમાં દિવંગત થયેલ ભાજપા કાર્યકર્તાઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે જણાવ્યું હતું કે, “રાજ્યના નાગરીકોના ભાજપા પરના અતૂટ વિશ્વાસ અને ભાજપા સંગઠન અને કાર્યકર્તાઓની બુથ સુધીની અસરકારક ચૂંટણીલક્ષી વ્યવસ્થાના કારણે ભાજપાને આઠેય બેઠકો પર ભવ્ય વિજય હાંસલ કરવામાં સફળતા મળી છે. જનતાનો ભાજપા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કરું છું. કાર્યકર્તાઓએ અથાક પરિશ્રમ કરીને આ સફળતામાં મહ્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. જનતાને ગેરમાર્ગે દોરનારા ટ્વિટ કરનારી કોંગ્રેસની નકારાત્મક ટ્વીટી જમાતને જનતાએ ચૂંટણીમાં જવાબ આપી દીધો છે.”

શ્રી પાટીલે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં જનહિતમાં કાર્યરત વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીને સરળતાથી મળે તે પ્રકારની વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકાર દ્વારા કરાયેલ લોકોપયોગી કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓના કારણે જનતાનો ભાજપા પરનો વિશ્વાસ વધુ સૃદઢ બન્યો છે. જનતાને ચૂંટણીમાં ગેરમાર્ગે દોરી જૂઠો અને ભ્રામક અપપ્રચાર કરનારી કોંગ્રેસને જનતાએ કોરોના સંક્રમણના સમયમાં પણ ઊંચું મતદાન કરીને સાફ કરી દીધી છે.”

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code