1. Home
  2. #revoihero
  3. મદદ કરો અને ભૂલી જાવ, તમારું ક્યારેય ખરાબ નહીં થાય: નિલેશ ધોળકિયા
મદદ કરો અને ભૂલી જાવ, તમારું ક્યારેય ખરાબ નહીં થાય: નિલેશ ધોળકિયા

મદદ કરો અને ભૂલી જાવ, તમારું ક્યારેય ખરાબ નહીં થાય: નિલેશ ધોળકિયા

0

જ્યારે કોઈ અનુભવી અને જ્ઞાની વ્યક્તિ કાંઈ બોલે તો તેની પાછળ ખુબ મોટો સંદેશ હોય છે. પદ્મ શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડના મુખેથી સાંભળ્યું છે કે “ગંભીરતા વગરનું હાસ્ય નકામું અને હાસ્ય વગરની ગંભીરતા નકામી”, આ સરસ વાત સાથે બંધ બેસતું જીવતું જાગતું ઉદાહરણ એટલે નિલેશ ધોળકિયા. શ્રી શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે અને તેઓ તેમની આગવી શૈલી માટે જાણીતા છે.

આ વાત છે નિલેશ ધોળકિયાની – આ નામ કાંઈ એટલું ‘મોટું’ નથી પરંતુ જો કોઈ તેમનું કામ અને સ્વભાવ જાણી લે તો તે વ્યક્તિ જીવનના ઘણા પાસાઓ પર કેવી રીતે ચાલવું તે શીખી જાય.

દરેક વ્યક્તિના જીભ પર સરસ્વતી

નિલેશ ધોળકિયા સ્વભાવગત કરે તો કોઈનું સારું કરે, ખરાબ ન કરે ! હસવું, હસાવવું ને હસી કાઢવા જેવું સકારાત્મક વ્યક્તિત્વ જે પોતાના કે અન્ય વિશે પણ કોઈ દિવસ ખરાબ ન વિચારે ! એવી તેમની વિચારધારા. તેઓ માને છે કે, દરેક માણસના જીભ પર સરસ્વતિનો વાસ છે જેનો ચમકારો તેમને મુંબઈમાં થયો.

નિલેશ ધોળકિયા ગ્રેજ્યુએટ થઈને મુંબઈમાં સેટલ થવા ગયેલા. રેલવેમાં લટકતા લટકતા જીવાતી મુંબઈની લાઈફમાં તેમને પણ “ઓટલો” મળે તેવી મહેચ્છા હતી. એકવાર એમની નજર મુંબઈના વિલેપાર્લેના એક ફ્લેટ પર પડી અને વિચાર્યું કે, આ ફ્લેટ મારો હોય તો કેવું સારુ ? નસીબજોગે થોડા વર્ષ પછી તેમને તે જ ફ્લેટનું માલિકીપણું મળ્યું. આ ઘટના પછી તેમને લાગ્યું કે જીવનમાં ક્યારેય પણ જે બોલો તે સારું બોલો તથા કોઈનું ખરાબ તો ન જ બોલો !

જીવનમાં પરિવાર વિના નહીં ઉધ્ધાર !

વિશ્વમાં કોઈપણ વ્યક્તિની સફળતા કે ખુશી પાછળ સૌથી વધારે હાથ હોય તો તેમના પરિવારનો જ હોય ! નિલેશ ધોળકિયાના કેસમાં પણ આવું જ કાંઈક છે. તેમણે કહ્યું કે તેઓ જ્યારે મુંબઈ આવ્યા કે મુંબઈ આવવાનું વિચાર્યું ત્યારે તેમના પરિવારમાં તેમના માથે કોઈ જવાબદારી ન હોવાથી મુંબઈમાં કારકિર્દી ખાતર અમુક અખતરા કરી શક્યા. તેમના મનહરમામા & પરીવારે મદદ ન કરી હોત તો તેઓ ભાવનગરની બહાર નીકળી શક્યા ન હોત. મુંબઈ આવીને ખાનગી પેઢીમાં નોકરી શરૂ કરી. 1992-93માં ઝી  ટીવીમાં “ચક્રવ્યુહ” જેવી સીરીયલમાં એટલે કે વિનોદ દુઆ જેવા વ્યક્તિ સાથે કામ કરવાની તક મળી. આકાશવાણી મુંબઈમાં ઉદ્દઘોષક / ન્યુઝ રીડર તરીકે ગુજરાતી, મરાઠી, હીન્દી અને અંગ્રેજીમાં કામ કર્યું. નવિન સાંધ્ય દૈનિક “સમાંતર”ને વાંચકો સમક્ષ મૂકનાર ટીમના સભ્ય બનવાનું સદ્દભાગ્ય સાંપડ્યું.

...આખરે મુંબઈ છોડવાની ફરજ પડી :

કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન ન હોય આ વાત લગભગ બધા માનતા હશે.. તમે વાચક વિચારતા હશો કે આ વાતનો મતલબ શું હશે ? નિલેશ ધોળકિયાને તો મુંબઈમાં જ રહેવું હતુ અને મુંબઈ છોડવાની કોઈ વાત કરે તો તેને ધ્યાને લેતા જ નહી. પણ કહેવત છે કે જે ક્યાંય ના તૂટે તે પ્રેમ અને લાગણીમાં તૂટી જાય..નિલેશ ધોળકિયાનું જીવન મુંબઈમાં વેલસેટ હતું અને લગ્ન થયા બાદ તેમના ઘરે પુત્રનો જન્મ થયો. જે માણસ મુંબઈ છોડવા બાબતે સાસુ-સસરા, માતા-પિતાની, કોઈની વાત ન માનતા. તેમના દીકરાને ભેજવાળી આબોહવા માફક ન આવતા આખરે મુંબઈ મુકીને અમદાવાદ આવ્યા.

જો કે અમદાવાદમાં પણ તેમને કોઈ મુશ્કેલી ન પડી કારણ કે મુંબઈ મક્યા બાદ અમદાવાદ “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગૃપ” સાથે જોડાયા. ત્યાર બાદ ઈન્ડિયન એક્સપ્રેસમાં ગુજરાત સ્ટેટ હેડ થવાની તક મળી. પછી હીંદુસ્તાન ટાઈમ્સનું “મીન્ટ” પેપર લોંચ કર્યું. આ સિવાય પણ સ્ટેજ, શોર્ટ ફિલ્મ, એંકરીંગ, TV વિજ્ઞાપન મોડેલિંગ સાથે પાંચ ફિલ્મોમાં ય કામ કર્યું છે અને તેમાંની એક છે વિવેક ઓબોરોયની “PM નરેન્દ્ર મોદી”.

મદદને લઈને અનોખો વિચાર : “મદદ” એવો શબ્દ છે કે જો તેને સારી, સાચી રીતે ન સમજવામાં આવે તો મદદ કરનારમાં અભિમાન આવે અને મદદ લેનારો પોતાને વિવશ કે લાચાર સમજે.  પણ નિલેશ ધોળકિયાનો તો અંદાજ જ અલગ છે. “નેકી કર ઔર દરિયેમેં ડાલ !” આ વાત તેમના પર શોભે છે. નિલેશ ધોળકિયા ક્યારેક ક્યારેક રસ્તા પર વસ્તુઓ વેચનારા પાસેથી ભાવતાલ કર્યા વિના પોતાની અનુકુળતા હોય તો ખરીદી કરી લે છે જેથી સામે વાળાને મદદ થઈ જાય અને ખબર પણ ન પડે. તેઓ પોતાના વાહનમાં પેટ્રોલની બોટલ રાખે છે જેથી ક્યારેક કોઈ રસ્તા પર અટકી પડેલા વાહન ચાલકને મદદ કરી શકાય . ભારે માલ-સામાન લઈને પેડલ રીક્ષા ચાલકો જો તેમની નજરમાં આવે તો તેમની રીક્ષાને એક પગથી ધક્કો મારીને થોડે સુધી મૂકી આવવા કે બ્રીજ ચડાવવામાં સહાય પણ કરે છે જેથી કોઈકની મજૂરો ઓછી થઈ જાય ને કામમાં થોડા અંશે પણ કોઈને રાહત થાય. આ બધુ તેઓ એટલા માટે કરે છે કારણ કે તેમને આ રીતે મદદ કરવાથી ખુશી મળે છે. તે કોઈને દેખાડો કરવા માટે આવું નથી કરતા. લોકોને આછી પાતળી મદદ કરવા જો કોઈ ખર્ચ થાય તો તેને તેઓ પોતાનો અંગત ખર્ચ સમજે છે જે તેમની ઉદારતા છે.

“પ્રેરણાનું ઝરણું” ને નિલેશ ધોળકિયા !

નિલેશ ધોળકિયા મેગેઝીન, સમાચારપત્રો અને સોશ્યલ મીડિયાના માધ્યમથી નિજાનંદ ખાતર વિવિધ વિષયો પર લખે છે તેમજ ચોક્કસ સંદેશ દ્વારા સૌમાં સદ્દવિચાર કાજે રોજ બપોરે અઢી વાગે પ્રેરણાનું ઝરણું VDO વહાવે છે. વોટસ એપ દ્વારા સવાર-સવારમાં તોફાની, નટખટ, પ્રેરક ને પ્યારા નાના બાળકોના હસતા-રમતા ફોટોઝ લોકોને મોકલે છે. નાના ભૂલકાં સૌ ધર્મ, વર્ણ, જ્ઞાતિ, જાતિ કે સ્વાર્થની ભેદરેખા કે સીમાઓથી જોજનો દૂર હોવાથી દિવસની શરૂઆતમાં નવું જોમ તથા સત્કર્મ માટે પ્રોત્સાહક બને તેવું તેમનું માનવું છે.

પ્રસંગોની નવતર ઢબે ઉજવણી :

દરેક શુભાશુભ પ્રસંગે પર દરેક ઘરના બધા લોકો ભેગા થતા હોય છે અને ઉજવણી કરતા હોય છે પણ એવા લોકોનું શું જેમની સાથે કોઈ નથી કે જેમનું કોઈ જ નથી !? નિલેશ ધોળકિયા એવા વોટ્સએપ ગૃપ સાથે સંકળાયેલા છે જેમાં ૧૦૦ જેટલા, સમાજના દરેક સ્તર – માન – મોભા – મરતબો – ધંધો – વ્યવસાય ધરાવતા હસમુખા, ટીખળી, મજાકિયા, આનંદી, સેવાભાવી સ્ત્રી પુરુષો છે જેઓ સદાય સમાજના અંઘ, અપંગ, નિ:સહાય કે લાચાર, મજબૂર તેમજ કુદરતી આપત્તિનો ભોગ બન્યા હોય તેમના માટે આર્થિક, શારીરિક, માનસિક, સામાજિક કે વ્યવસાયિક પ્રવૃત્તિઓના માધ્યમે કશુંક સદ્દકાર્ય કરતા રહે છે જે અન્વયે દર વર્ષે “ફ્રેંડશીપ ડે”ની ઉજવણી અંતર્ગત ૧૦૦+ લોહીની બોટલ Blood Donation Camp નું આયોજન કરી મેળવી લ્યે છે – જરૂરતમંદ દર્દીઓ માટે.

માણસ એક એવું પ્રાણી છે જેને જેટલું મળે એટલું ઓછુ અને ભગવાન પાસે કાંઈકને કાંઈક માંગતું જ રહે છે.. પણ આપણી જોડે શું છે તેની ખબર લોકડાઉનમાં પડી.

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते।

पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥

નિલેશ ધોળકિયાએ કહ્યું કે એપ્રિલ મહીનામાં જ્યારે સમગ્ર વિશ્વમાં કડક લોકડાઉન હતું ત્યારે આપણી પાસે બધું હોવા છત્તા આપણે ઘરમાં કંટાળી ગયા હતા, તો એ લોકોનું શું જે લોકો મજબૂરીથી ઘરમાં છે કે બહાર આપણી જેમ હરી ફરી નથી શકતા.. આપણે થોડો સમય ઘરમાં છે અને બહાર ફરવા માટે લાયક છે તો તે છે ભગવાનની દયા અને શક્ય હોય તો એવા લોકોને લઈને બહારની દુનિયા બતાવો જે એકલા ક્યાંય જઈ નથી શકતા. આ મદદ કરો તો આત્મા, પરમાત્મા, ભગવાન બધા ખુશ થાય.

નિલેશ ધોળકિયાએ કહ્યું કે જીવનમાં જો તમારા કામથી કે મદદથી કોઈને મુખ પર ખુશી હોય તો તમારા માટે આનાથી વધારે ખુશીની વાત કોઈ હોઈ જ શકે.

દરેક લોકોના મનમાં કોઈના કોઈ વ્યક્તિ માટે ધ્રૃણા હોય પણ જો કોઈના વિશે ખરાબ કે ખોટું વિચારતા પહેલા પોતાનામાં નજર કરી લો તો સામે વાળું વ્યક્તિ ક્યારેય ખોટું નહીં કરે. તેઓ પણ દૂધના ધોયેલા નથી તેવું માને છે !

પૈસો પ્રભુ તો નથી પણ પ્રભુથી ઓછો પણ નથી  

રૂપિયા એક એવી વસ્તું છે કે જેની બધાને જ જરૂર છે અને આ વાતને નિલેશ ધોળકિયાએ એવી રીતે સમજાવી કે જ્યારે તેઓ મુંબઈમાં રહેતા હતા અને જોબ કરતા હતા ત્યારે તેઓ તેમના મિત્રના ઘરમાં ઝુપડપટ્ટીમાં રહ્યા છે. તેમના મિત્રનો પ્રેમ એવો કે કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર તેમના મિત્રએ તેમને રાખ્યા અને સાથે રાખ્યા. નિલેશ ધોળકિયા ભગવાન પાસે એવી જ આશા રાખે છે કે ભગવાન તેમને એટલા સક્ષમ બનાવે કે મિત્ર કે સંબંધી જો મદદ માટે આવે તો નિરાશ થઈને પાછો ન જાય અને શક્ય એટલી મદદ કરી શકે.

જીવનનો સંદેશ અને સિદ્ધાંત વિશે પૂછતાં નિલેશ ધોળકિયાએ કહ્યું કે કોઈને સલાહ આપવા માટે તેઓ ખુબ નાના છે. પણ તેમની ઈચ્છા છે કે લોકો કોઈને મદદરૂપ ન થઈ શકે તો કાંઈ નહીં પણ કોઈના જીવનમાં નડતરરૂપ તો ન જ બનવું. જીવનનો સિદ્ધાંત એવો છે કે કોઈ ખોટી વસ્તુની આદત + કુટેવ રાખવી નહીં. નિલેશ ધોળકિયાના દાદા, પિતા, તે પોતે અને તેમના પુત્રને કોઈ પણ પ્રકારનું વ્યસન કે નોન-વેજ કે તેવું ખાવાના વિરોધી છે. આ વાત આગળની સાત પેઢી પણ પાલન કરે તેવું ઈચ્છે છે.

 

તેમણે વિવાદાસ્પદ, પણ ખુબ સરસ વાત કહી કે કોઈ પણ ધર્મને વ્યક્તિ ધર્મ સ્થાન પર પૈસાનું દાન કરે છે તેના કરતા જે લોકો માગી નથી શકતા તેવા જરૂરીયાતમંદને મદદ કરવી જોઈએ. ઉપરવાળો આપણને પૈસા આપે છે તો ઉપરવાળા પૈસા આપવાવાળા આપણે કોણ ? જો મદદ કરવી જ હોય તો સ્વાસ્થ્ય તેમજ રોજગાર સર્જક કાર્યો કરવા અથવા વિધવા સહાય, અભ્યાસ સહાય કરવી. જેથી કોઈનું કલ્યાણ થાય કોઈનું જીવન સુખમય બને. નિલેશ ધોળકિયાના કહેવા પર તેમના મિત્રોએ પણ આ પ્રકારના પગલા લીધા છે અને કોઈના જીવનમાં ખુશી લાવવા તેમના સહકર્મી, દોસ્તો તથા તેમના પુત્રએ પણ જરૂરીયાતમંદ માણસોને રાશનકીટ આપીને માણસાઈનું કામ કર્યું છે.

નિલેશ ધોળકિયા જેવી વિચારધારા તે સમાજમાં અઢળક લોકો માટે જાણવા અને સમજવા જેવી છે, જીવનમાં જરૂરી શું છે જો તે વાતને સમજતા કોઈ શીખી જાય તો તેના જીવનની લગભગ બધી સમસ્યા દુર થઈ જાય. જીવનમાં બદલાની ભાવના પણ ક્યારેય ન રાખવી કારણ કે નિલેશ ધોળકિયા માને છે કે જો માણસને ઓળખવા હોય તે તેને સત્તા આપી દો અને પછી તેનું વર્તન જ બધું કહી દેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.