
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ પાર્ટી પર સવાલ ઉઠાવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારે સવારે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે ગોવા અને કાશ્મીરને જોયા બાદ મને લાગે છે કે જો આપણે એક જ પાર્ટીના સ્વરૂપમાં ભાજપની સાથે રહી ગયા તો દેશની લોકશાહી કમજોર બની જશે.

કોંગ્રેસ, ટીએમસી અને એનસીપીને સલાહ આપતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે વિપક્ષ ઈટાલિયન્સ અને સંતાનોને પાર્ટીમાંથી હટવા માટે કહે. મમતા બેનર્જી તેના પછી એકજૂટ કોંગ્રેસના અધ્યક્ષ બને. એનસીપીનો પણ કોંગ્રેસમાં વિલય કરવો જોઈએ.
After witnessing Goa and Kashmir, I feel that nation's democracy will weaken if we are left with BJP as a single party. Solution? Ask Italians & progeny to leav. Mamata can then be President of united Congi thereafter. NCP should also follow and merge.
— Subramanian Swamy (@Swamy39) July 12, 2019
સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના નિવેદનથી નવી ચર્ચા અને વિવાદ શરૂ કર્યો છે. તેમનું આ ટ્વિટ એવા સમયે આવ્યું છે કે જ્યારે ગોવા અને કર્ણાટકના રાજકીય ઘટનાક્રમને લઈને વિપક્ષ ભાજપ પર હુમલાખોર છે. હકીકતમાં ગોવા વિધાનસભામાં કોંગ્રેસના 15 ધારાસભ્યો હતા. 10 ધારાસભ્યોના ભાજપમાં સામેલ થવાથી કોંગ્રેસના પાંચ ધારાસભ્યો બાકી બચ્યા છે. કર્ણાટકમાં કેટલાક ધારાસભ્યોના બળવાખોર વલણ અખત્યાર કરાયા બાદ કોંગ્રેસ-જેડીએસ સરકાર પર સંકટ ઘેરાઈ ગયું છે.
કર્ણાટક અને ગોવાના ઘટનાક્રમને લઈને કોંગ્રેસ, ભાજપને કટઘરામાં ઉભા કરી રહી છે. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે ભાજપ અને તેના નેતાઓ પર બંધારણની પરવાહ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે.
આઝાદે કહ્યુ છે કે એવું લાગે છે કે ભાજપની સરકાર માત્ર ધર્મનિરપેક્ષતા, લોકશાહી અને વિપક્ષને સમાપ્ત કરવા માટે જ સત્તામાં આવી છે. આઝાદે ક્હ્યુ છે કે ભાજપનું એકમાત્ર લક્ષ્ય એક રાજકીય પાર્ટી છે. આ ક્યાંયથી પણ લોકશાહી અને બંધારણને અનુરૂપ નથી.