નાથુરામ ગોડસેને પહેલો હિંદુ આતંકી ગણાવવા બદલ કમલ હાસનની વિવેક ઓબેરોયે કાઢી ઝાટકણી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા બોલીવુડ એક્ટર વિવેક ઓબરોયે અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસનની નાથુરામ ગોડસે પર કરવામાં આવેલી ટીપ્પણીની આકરી ઝાટકણી કાઢી છે.

વિવેક ઓબરોયે સોશયલ મીડિયા પર લખ્યું છે કે વ્હાલા કમલ હાસન સાહેબ, તમે મહાન કલાકાર છો. જેવી રીતે કળાનો કોઈ ધર્મ નથી, તેમ આતંકવાદનો પણ ધર્મ હોતો નથી. તમે કહી શકો કે ગોડસે આતંકવાદી હતો, પરંતુ શેના કારણે તેના હિંદુ હોવાની બાબતને સ્પષ્ટ કરી? શું તે એટલા માટે કરવામાં આવ્યું, કારણ કે તમે વોટ માંગવા માટે મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારમાં હતા?
અન્ય એખ ટ્વિટમાં વિવેક ઓબરોયે મેગાસ્ટાર કમલ હાસનને દેશને ધર્મના આધારે વિભાજીત નહીં કરવાની વિનંતી કરી છે. વિવેક ઓબરોયે લખ્યું છે કે મહેરબાની કરો સાહેબ, એક નાનકડા કલાકાર દ્વારા મહાન કલાકારને, આપણે દેશને વિભાજીત કરીએ નહીં, આપણે એક છીએ, જયહિંદ.
અખિલ ભારતીય અખડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ પણ વિવેક ઓબેરોયના સૂરમાં સૂર મિલાવતા કમલ હસનને સારવાર કરાવવાનું સૂચન કરીને તેમની ટીપ્પણીને વખોડી હતી. તેમણે કહ્યુ હતુ કે ગોડસેને આતંકવાદી ગણાવી શકાય નહીં.
મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યુ છે કે કમલ હાસનને કોણ કહેશે કે હિંદુ ક્યારેય આતંકવાદી બની શકે નહીં. હિંદુની કોઈને વ્યથા પહોંચાડવાની અથવા મારી નાખવાની માનસિકતા અથવા સંસ્કૃતિ નથી. કેટલાક લોકો પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે, પરંતુ કોઈ હિંદુ આતંકવાદ માટે ક્યારેય એરેસ્ટ થયો નથી. નાથુરામ ગોડસે આતંકવાદીની શ્રેણીમાં આવતો નથી. કમલ હાસને પોતાની સારવાર કરાવવી જોઈએ અને તેઓ જે સમુદાયમાંથી આવે છે તેના વિશે તેમણે અભ્યાસ કરવો જોઈએ.
મહત્વપૂર્ણ છે કે Aravakurichiમાં મક્કાલ નીધિ મૈઆમના પ્રમુખ કમલ હાસને પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન ટીપ્પણી કરી હતી કે આઝાદ ભારતના પહેલો આતંકવાદી હિંદુ હતો અને તેનું નામ નાથુરામ ગોડસે હતું. આ વ્યક્તિએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. કમલ હાસને કહ્યુ હતુ કે હું આ એટલા માટે કહી રહ્યો નથી, કારણ કે અહીં ઘણાં મુસ્લિમો છે. હું આ મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ સામે કહી રહ્યો છું. આઝાદ ભારતમાં પહેલો આતંકવાદી હિંદુ હતો અને તેનું નામ નાથુરામ ગોડસે હતું.