1. Home
  2. #revoihero
  3. જૂઠ્ઠી વાતને યાદ રાખવી પડે એટલે વાતમાં પારદર્શિતા રાખવી: ઘનશ્યામ અમીન
જૂઠ્ઠી વાતને યાદ રાખવી પડે એટલે વાતમાં પારદર્શિતા રાખવી: ઘનશ્યામ અમીન

જૂઠ્ઠી વાતને યાદ રાખવી પડે એટલે વાતમાં પારદર્શિતા રાખવી: ઘનશ્યામ અમીન

0

– વિનાયક બારોટ

ભારતના ઈતિહાસમાં એવી એવી મહાન હસ્તીઓ આવી કે જેમના વ્યક્તિત્વ અસંખ્ય લોકો માટે પ્રેરણાદાયી બન્યા અને આ મહાન વ્યક્તિઓમાં આપણે મહાન નેતા, કલાકાર, સમાજસેવીઓનો સમાવેશ કરીએ છે. આ સિવાય, તમારી જ આજુબાજુમાં પણ એવી વ્યક્તિઓ છે જે કદાચ ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલની જેમ નામના નથી મેળવી શક્યા પણ તેમનો પણ ઉદેશ્ય દેશ અને સમાજ માટે કાંઈક સારું કરવાનો રહ્યો છે અને તે માટે તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ખર્ચ કરી નાખ્યું.

આવું જ એક વ્યક્તિત્વ છે ઘનશ્યામ અમીનનું – કે જેઓએ પોતાના જીવન દરમિયાન નિસ્વાર્થ ભાવે અને સહકારી માધ્યમ દ્વારા અસંખ્ય લોકોને મદદ કરી છે અને આજે પણ કરી રહ્યા છે. ઘનશ્યામ અમીનના પરિવારની સૌથી સરસ વાત એ છે કે તેમના દાદા આશાભાઈ અમીન પણ ખેડૂત તથા સહકારી આગેવાન હતા અને તેમના પિતા હીરાલાલ અમીનએ પણ સેવા કરી.

દાદાએ ઘનશ્યામ અમીનના નેતૃત્વને બિરદાવ્યું

ઘનશ્યામ અમીનમાં પહેલેથી જ તેમના દાદાના ગુણ હતા અને તેથી તેઓ ખુબ નાની ઉંમરે ગુજરાત બારકાઉન્સીલમાં ચેરમેન બન્યા તેમજ નાની ઉંમરે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્ક ગુજરાત સ્ટેટ કો-ઓપ યુનિયન કે રાજ્યની સહકારી સંસ્થાની એપેક્ષ બોડી છે અને રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ કો-ઓપ યુનિયન ઓફ ઈન્ડિયાનું ચેરમેન પદ સંભાળ્યું આ સાથે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ 20 વર્ષ પછી એશિયાના વાઈસ ચેરમેન બન્યા.

ઘનશ્યામ અમીને આવો જ એક બાળપણનો કિસ્સો ઉદાર મનથી કહ્યો જે વાચકો માટે પ્રેરણાદાયક છે.

ઘનશ્યામ અમીનને પહેલેથી જ નેતૃત્વ કરવાનો શોખ હતો અને તેમના નેતૃત્વથી તેમની આસપાસ રહેતા અન્ય લોકો પણ સંતુષ્ટ હતા. ઘનશ્યામ અમીન પહેલેથી જ નેતૃત્વને પોતાની જવાબદારી સમજતા હતા અને ક્યાંય ખોટું થાય તો તે વાત પર તેમનો અવાજ પણ ઉઠાવતા હતા.

તેઓ ધોરણ-10માં હતા અને તેમણે શાળામાં હડતાળ પાડી હતી. એ સમયે વાત એવી હતી કે વિદ્યાર્થીઓની શાળામાં અમુક માંગ હતી જેને વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી પણ શાળા પ્રસાશને આ વાત પર ધ્યાન ન આપ્યું હતું અને હડતાળ પાડવામાં આવી હતી. બાદમાં આ વાત ઘનશ્યામ અમીનના દાદા આશાભાઈ અમીન પાસે પહોંચી હતી અને તેમના દાદા ઘનશ્યામ અમીનની ભૂલ જાણવા શાળાએ પહોંચ્યા હતા.

જો કે આશાભાઈ અમીનની નામના અને ખ્યાતીના કારણે શાળાના આચાર્યએ ઘનશ્યામ અમીનને માર્યા તો નહી પણ સામાન્ય એવો ઠપકો આપ્યો હતો, બાદમાં આશાભાઈ અમીનએ ઘનશ્યામ અમીન પાસેથી સાચી વાત જાણવાનો પ્રયાસ કર્યો અને પૌત્ર ઘનશ્યામની વાત સાચી લાગતા તેમના નેતૃત્વને બિરદાવ્યું હતુ.

ભણવાની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ માસ્ટર

એવા અસંખ્ય લોકો હશે આ દુનિયામાં જે લોકો એક સાથે બે કામ કરવા જાય તો બંન્ને કામમાં ભલીવાર ન લાવે, પણ ઘનશ્યામ અમીનની વાત અલગ જ હતી. દિલ લગાવીને ભણવું અને છાતી મજબૂત રાખીને નેતૃત્વ કરવું તે તો ઘનશ્યામ અમીનના લોહીંમાં જ છે તેવું કહી શકાય પણ આ સાથે સાથે તેઓ રમતની પ્રવૃતિઓમાં પણ ભાગ લેતા હતા અને ત્યાં પણ નિષ્ઠા સાથે પોતાનું યોગદાન આપતા હતા. આ જ કારણોસર તેઓ સ્વામીનારાયણ સાયન્સ કોલેજમાં હોકીના કેપ્ટન બન્યા હતા.

રમત પ્રત્યે પણ લગાવ એવો હતો કે માત્ર કોઈ એક રમત નહીં પણ તેઓ વૉલીબોલ જેવી અન્ય રમતોમાં પણ ભાગ લેતા હતા અને તેઓએ યુનિવર્સિટી લેવલે પણ રમ્યા છે. આ પ્રકારની પ્રવૃતિઓથી તેમનામાં પ્રખર લીડરશીપ કરવાની તાકાત મળી તેવું ઘનશ્યામ અમીને જણાવ્યું.

શિક્ષણમાં આવેલો બદલાવ

જીવનમાં કોઈપણ વ્યક્તિ ત્યારે જે કોઈ મુદ્દે અભિપ્રાય આપી શકે જ્યારે તે વ્યક્તિએ તે વસ્તુનો અનુભવ કર્યો હોય અને તેના વિશે ખુબ જાણ્યું અને સમજ્યું હોય. ઘનશ્યામ અમીને પોતાના જીવનમાં અનેક સફળતા મેળવી અને શિક્ષણમાં આવેલા બદલાવ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો.

 

શિક્ષણ મુદ્દે તેઓએ જણાવ્યું કે તેમના સમયમાં ભણવાનું આટલું મુશ્કેલીભર્યું ન હતું. કોલેજોમાં પ્રવેશ લેનારા લોકો પણ ગણતરીની સંખ્યામાં રહેતા હતા જેથી કોલેજમાં પ્રવેશ લેનારા લોકોને કાંઈ ખાસ તકલીફ પડતી ન હતી. પણ આજના સમયમાં વાત અલગ છે. આજના સમયના ભણતરને લઈને જણાવ્યું કે આજના સમયમાં અનેક નવા ભણવાના કોર્સ આવી ગયા છે અને તેને ભણવું થોડું મુશ્કેલ છે પણ તેમના સમયમાં આવું ન હતું.

શિક્ષણ મુદ્દે વધારે ઉમેરતા ઘનશ્યામ અમીનએ જણાવ્યું કે આજના સમયના શિક્ષણમાં વધારે ટકાવારી લાવવાની સ્પર્ધા વધી ગઈ છે તેના કારણ વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃતિઓ પર વધારે ધ્યાન આપી શક્તા નથી અને શીખી પણ શક્તા નથી. સાયન્સ, મેડિકલ અને ડૉક્ટર બનવા માટે જો 90 ઉપર ટકા હોય તો મેળ પડે બાકે 80-75 ટકા લાવનારા વિદ્યાર્થીઓને સારી કોલેજોમાં એડમિશન પણ મળતા નથી. આ પ્રકારના માહોલથી વિદ્યાર્થીનું મગજ ચોપડિયું બની જાય છે અને તે અન્ય રીતે સક્ષમ બની શકતા નથી.

જો કે આ બાબતે નિરાકરણ આપતા ઘનશ્યામ અમીનએ જણાવ્યું કે જેમ વિદેશમાં અઠવાડિયે અઠવાડિયે પરીક્ષા લેતા હોય છે તેમ ભારતમાં પણ જો દર મહિને પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીના માથેથી ચિંતા દુર થઈ શકે અને વિદ્યાર્થીને ભણવાની મજા પણ આવે.

વકીલો માટે ભવિષ્યવંતુ સંદેશ

ઘનશ્યામ અમીનએ 35 વર્ષથી વધારે સમય હાઈકોર્ટમાં વકીલાત કરી છે અને આ સમય દરમિયાન તેઓ ઘણું બધું શીખ્યા પરંતુ સૌથી વધારે મહત્વની વાત શીખ્યા તે છે હાર્ડવર્ક.. ઘનશ્યામ અમીનએ હાલના તથા ભવિષ્યમાં બનનારા વકીલોને લઈને પ્રેરણાદાયક વાત કહી જેમાં કહ્યું કે વકીલ બનવા માટે હાર્ડવર્ક સૌથી વધારે મહત્વનું હોય છે, સારું વકીલ બનવું હોય તો કોર્ટમાં મોટા કેસના આવેલા જજમેન્ટોને વાંચવા અને સમજવા પડે, કોર્ટમાં તમારો કેસ હોય કે ન હોય તો પણ કોર્ટમાં સમય પસાર કરવો પડે અને સિનિયર વકીલોની દલીલો કરવાની રીતનો અભ્યાસ અને મનોમંથન કરવું જોઈએ.

એક સફળ વકીલ પાસે કોર્ટ અને લાઈબ્રેરી સિવાય કોઈ અન્ય વિકલ્પ હોવો જોઈએ નહી, જો સફળ બનવું હોય તો, બાકી સામાન્ય કામ તો બધા વકીલ કરે જ છે.

ખેડૂતોને મદદ અને ઘનશ્યામ અમીન

ઘનશ્યામ અમીનએ પોતાના જીવનમાં એટલા ખેડૂતોને અને અન્ય લોકોની મદદ કરી હશે જેનોં સાચો આંકડો તો કદાચ તે ખુદ નહીં લગાવી શકે, એવું કહેવાય કે ખેડૂતોને તેમણે એ રીતે મદદ કરી જેવી રીતે કોઈ વ્યક્તિ પોતાના પરિવારના સદસ્યને મદદ કરે. ધનશ્યામ અમીને અસંખ્ય ખેડૂતોને જમીન મુદ્દે તથા વિવિધ મુદ્દે મદદ કરી છે.

ઘનશ્યામ અમીનએ પોતાના જીવનનો એક કિસ્સો યાદ કરાવતા કહ્યું કે એકવાર સરકાર દ્વારા એક ખેડૂત પાસે 15 રૂપિયા મીટરના ભાવે જમીન લઈ લેવામાં આવી હતી. ઘનશ્યામ અમીને જે રીતે ખેડૂતો માટે કામ કર્યા છે તેને જોતા લાગે કે ખેડૂતોના મુખમાં ઘનશ્યામ અમીન નામ પછી આવે પહેલા ખેડૂતોના દિલમાં જ આ નામ આવે.. તો આ ખેડૂતનો કેસ ઘનશ્યામ અમીને હાથમાં લીધો હતો અને તે ખેડૂતને ન્યાય અપાવ્યો હતો.

જે જમીન સરકાર દ્વારા 15 રૂપિયાના ભાવમાં લેવામાં આવી હતી તે જમીનનો ભાવ ઘનશ્યામ અમીને તે ખેડૂતને 230 રૂપિયા પ્રતિ મીટર અપાવ્યો હતો અને 15 વર્ષ સુધી કેસ ચાલતા તેનું વ્યાજ પણ અપાવ્યું હતું જેમાં મૂડી કરતા ખેડૂતને વ્યાજ વધારે મળ્યું હતુ.

ઘનશ્યામ અમીન માટે ગૌરવની વાત

તે વાતમાં કોઈ વ્યક્તિ શંકા ન કરી શકાય કે જ્યારે એક પુત્ર એના પિતાની મદદ કરે અને પિતા માટે એ ગૌરવની વાત ન હોય. ઘનશ્યામ અમીન માટે પણ તે ગૌરવની વાત છે જ્યારે તેમના પુત્રની સાથે મળીને સહકારી કાયદાનું પુસ્તક તૈયાર કર્યું. આમ તો ઘનશ્યામ અમીને પોતાના જીવન દરમિયાન લેન્ડ લોઝ ઈન ગુજરાત”, “ગુજરાત સહકારી મંડળી”, “ગુજરાત લોકલ એકટ” અને “ ઘ ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ 1961” નામના પુસ્તક લખ્યા છે.

પોતાના પુત્ર સાથે રહીને સહકારી કાયદાનું જે પુસ્તક લખ્યું કે વિશે તેઓએ જણાવ્યું કે જ્યારે આ પુસ્તકને લખવાનું શરૂ કર્યું ત્યારે તેમના પુત્રનો હાઈકોર્ટમાં વકીલ તરીકેનો 15 વર્ષનો અનુભવ અને કેન્દ્ર સરકારના વકીલ પણ રહી ચુક્યા હતા. તો જે રીતે ઘનશ્યામ અમીન તેમને કહેતા તે રીતે અને પોતાની રીતે પણ વધારે સારું બનાવવાનો પ્રયાસ કરીને આ પુસ્તકને લખ્યું હતું.

ADC બેન્કને બનાવી કોમ્પ્યુટરાઈઝડ

ખેડૂતોને મદદ, પરિવાર, અન્ય કામની સાથે સાથે ઘનશ્યામ અમીનએ એડીસી બેન્કને પણ કોમ્પ્યુટરાઈઝડ બનાવી, તેઓ વિચારતા હતા કે ટેક્નોલોજી બાબતે કો-ઓપરેટીવ બેન્ક પણ પાછળ રહેવી જોઈએ. આ માટે તેમણે કોમ્પ્યુટરાઈઝડનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો.

જો કે તેમના આ પ્રકારના પગલા બાદ બેન્ક ઓફ બરોડાના કેટલાક અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા અને તે સમયે ચર્ચાનો વિષય બન્યુ હતું બેરોજગારી. બેન્ક ઓફ બરોડાના અધિકારીઓએ ઘનશ્યામ અમીનને કહ્યું હતું કે બેરોજગારી ન વધે તે માટે અમે નેશનલ બેન્કો પણ કોમ્પ્યુટરાઈઝડ કરવાનું વિચારી રહ્યા નથી તો તમે કેમ? બેંક ઓફ બરોડાના અધિકારીઓને બેરોજગારી સર્જાવવાનો ડર હતો, અને આ બાબતે ઘનશ્યામ અમીને વિશ્વાસ અપાવતા કહ્યું કે ADC બેન્કને કોમ્પ્યુટરાઈઝડ કરવાથી કોઈની નોકરી જશે નહી અને આ રીતે બેન્કોની શાખાઓ વધારતા રહીશું.

જીવનનો સિદ્ધાંત

ઘનશ્યામ અમીનના જીવનનો સિદ્ધાંત બોલવામાં ખુબ સરળ છે પણ તેનું પાલન કરવામાં ખુબ કઠીન છે. તેઓ હાઈકોર્ટમાં જ્યારે કેસ લડતા હતા ત્યારથી માને છે કે જીવનમાં ક્યારેય જુઠ્ઠુ નહીં બોલવાનું અને વાતમાં પારદર્શકતા રાખવી.

જ્યારે તેઓ હાઈકોર્ટમાં કેસ લડતા હોય ત્યારે તેમની કેસ લડવાની રીત પણ અનોખી હતી, જેમાં તેઓ કોર્ટને પોતાના નેગેટીવ પાસા પહેલા કહીં દેતા હતા અને અમુંક વાતો પર આધાર રાખીને તેઓ કોર્ટની સામે પોતાની તરફેણમાં નિર્ણય આવે તેવો પ્રસ્તાવ પણ રાખતા હતા.

ઘનશ્યામ અમીને કહ્યું કે આ વાતની અસર તો કોર્ટ પર પણ દેખાતી હતી અને ન્યાયાધીશને પણ કેસમાં નિર્ણય આપવામાં સરળતા રહેતી, કારણ કે કેસને લગતી નેગેટીવ અને પોઝીટીવ બન્ને બાજું ઘનશ્યામ અમીન પહેલેથી જ કહી દેતા હતા.

ઘનશ્યામ અમીન અને તેમના પરિવારનો સાથ સહકાર

ઘનશ્યામ અમીને પોતાની સફળતામાં પોતાના પરિવારનો પણ આભાર માન્યો અને કહ્યું કે જ્યારે તેઓ કોર્ટમાં વકીલાત કરતા હતા ત્યારે તેમના પત્નીએ તેમનો ડગલે-ને-પગલે સાથ આપ્યો છે. તેમના પત્ની પણ M.A.LLB ભણ્યા છે.

હાલ તેઓ છેલ્લા 6-7 વર્ષથી નિવૃત છે અને કોર્ટમાં જતા નથી. માત્ર ઓફિસ આવે છે અને કો-ઓપરેટીવ સંસ્થાઓમાં જ્યા તેઓ ચેરમેન છે ત્યાંથી લોકો આવે તો તેમને કો-ઓપરેટીવની લીગલ અને કાયદાકીય સલાહ આપે છે. જો કે આ માટે સૌથી મહત્વની વાત એ છે કે આ કામ માટે તેઓ કોઈ રકમ લેતા નથી અને બસ લોકોને સાચું માર્ગદર્શન અને જાણકારી મળી રહે તે માટે પોતાના ખર્ચે ઓફિસમાં આવીને બેસે છે.

તેઓનો મોટો દિકરો અમેરિકામાં છે અને નાનો દિકરો હાઈકોર્ટમાં સરસ રીતે ફરજ બજાવી રહ્યા છે, આ સિવાય કો-ઓપરેટીવની પણ પુસ્તક લખી છે અને તે માટે સહકારી મંડળીમાંથી ફોન આવે તો ઘનશ્યામ અમીને તેમને ફોન પર પણ માહિતીગાર કરે છે.

ઘનશ્યામ અમીને પોતાના જીવનમાં અનેક એવોર્ડ મેળવ્યા છે અને સૌથી યાદગાર તો તે હતો કે નાની ઉંમરે આખા એશિયાના વાઈસ ચેરમેન થયા, અને 20 વર્ષે કોઈ ભારતનું વ્યક્તિ વાઈસ ચેરમેન બન્યું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.