1. Home
  2. #revoihero
  3. જે પણ દ્રશ્ય, નજારો કે વસ્તુ ગમે છે તેનું ચિત્ર બનાવું છું: પ્રાંશ ગાંધી
જે પણ દ્રશ્ય, નજારો કે વસ્તુ ગમે છે તેનું ચિત્ર બનાવું છું: પ્રાંશ ગાંધી

જે પણ દ્રશ્ય, નજારો કે વસ્તુ ગમે છે તેનું ચિત્ર બનાવું છું: પ્રાંશ ગાંધી

0
Social Share

– વિનાયક બારોટ

આપણી ગુજરાતી ભાષામાં એવું કહેવાય છે કે કળા એક એવી વસ્તુ છે જેનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પોતાની કળાને ઓળખી લે તો જીવન જીવવું ખુબ સરળ થઈ જાય છે. દાદા-દાદી તરફથી એવી વાતો પણ આપણે બધાએ સાંભળી જ હશે કે ભગવાને બધા માણસને કોઈક ખાસ કળા આપી છે અને માણસે બસ તેને જ ઓળખવાની છે.

જે માણસ પોતાની કળાને પોતાની આંગળીઓના આધારથી બતાવી શકે ત્યારે તે માણસ કલાકાર બની જાય છે.

અમદાવાદમાં રહેતો પ્રાંશ ગાંધીની વાત પણ આવી જ છે કે જેની ઉંમર માત્ર આઠ વર્ષની છે અને તે એક ચિત્ર કલાકાર છે. ચિત્રકાર વિષે કહેવાય છે કે પહેલા ચિત્ર તેમના મગજમાં બને છે અને પોતાની મરજીના રંગ અને બ્રશથી તે ચિત્રને પોતાના હાથથી એક કાગળ પર ઉતારતા હોય છે.

પ્રાંશના શોખ અન્ય બાળકોની તુલનામાં ખુબ મોટા છે અને તેનામાં એવી અનેક વાત છે જે અન્ય બાળકોને પણ સારી રીતે પ્રોત્સાહિત કરી શકે છે.

ચિત્રો પ્રત્યેની લાગણી

પ્રાંશ આમ તો ભણવામાં તથા અન્ય પ્રવૃતિઓમાં પણ હોશિયાર છે પણ તેનો સૌથી વધારે શોખ છે ચિત્ર દોરવાનો. આ બાબતે પ્રાંશ કહે છે કે તેને જે વસ્તુ ગમે છે તેના વિશે તે પહેલા વીડિયો જોઈને થોડી જાણકારી મેળવે છે અને પછી તેનું ચિત્ર બનાવે છે. આમ કરતા કરતા તેણે અત્યાર સુધી હોલિવૂડની ફિલ્મ એવેન્જર્સ, સ્પાઈડર મેન, બેટમેન તથા ગણપતિ બાપાનું પણ ચિત્ર બનાવ્યું છે.

સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે પ્રાંશ 2 વર્ષનો હતો ત્યારથી તેને ચિત્ર દોરવાનો શોખ હતો અને આજે પણ તેને ચિત્ર પ્રત્યે લગાવ છે.

પ્રાંશના ચિત્રોનું એક્ઝીબીશન

કોલસાની ખાણમાંથી નીકળતા હીરાને એક જવેરીની આશ હોય કે જે તેની સાચી કિંમત લગાવી શકે, ક્રિકેટરને 100 રન મારવાની આશ, હોકી અને ફૂટબોલ પ્લેયરને હંમેશા ગોલ મારવાની આશ હોય.. આ બધા વસ્તું તથા કલાકારને બસ પોતાની કળા બતાવવાની તક મળે તેની રાહ જોતા હોય છે.

પ્રાંશ આ બાબતે નસીબદાર કહેવાય કે તેને આ તક ખુબ નાની ઉંમરે અને ઝડપથી મળી. પ્રાંશના ચિત્રોનું ગત ફેબ્રુઆરી મહિનામાં એક્ઝીબીશન થયુ છે જે તેના માટે સફળતાથી ઓછી આંકી શકાય નહી. આ ચિત્રોનું એક્ઝીબીશન ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલા હઠીસીંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં કરવામાં આવ્યું હતુ.

નોંધનીય તો એ છે કે પ્રાંશએ ક્લાસ શરૂ કર્યા ત્યાનાં શિક્ષકને લાગ્યુ કે તેણે પણ એક્ઝીબીશનમાં ભાગ લેવો જોઈએ અને તે એક્ઝીબીશનમાં પ્રાંશના 5માંથી 2 ચિત્રો વેચાયા હતા.

પ્રાંશને પરિવારનો સાથ

જો તમારા જીવનમાં કોઈનો સાથ હોય કે ના હોય, પણ તમારો પરિવાર તમારી સાથે હોય તો જીવનની કોઈ પણ મુશ્કેલી કે જંગ તમે અડધી તો ત્યાં જ જીતી જાવ છો અને જો વાત કરવામાં આવે પ્રાંશના શિક્ષકની તો સૌથી મોટા શિક્ષક તો પ્રાંશના માતા-પિતા જ છે કે જેમણે પ્રાંશની આ કળાને ઓળખી અને તેને આ બાબતે સાથ આપ્યો. મહત્વનું છે કે પ્રાંશને પોતાના માતા પિતાની સાથે સાથે દાદા-દાદીનો પણ સાથ સહકાર મળ્યો છે.

પ્રાંશ હાલ આઠ વર્ષનો છે અને તે જ્યારે બે વર્ષનો હતો ત્યારથી તેને ચિત્રનો શોખ છે, એટલે કે તે અંદાજે છેલ્લા 6 વર્ષથી ચિત્રો બનાવે છે. પ્રાંશ જ્યારે નાનો હતો ત્યારે તેના માતા પિતાને તેનું બનાવેલું ચિત્ર ખુબ જ પસંદ આવ્યું હતુ અને તે બાદ તેમને લાગ્યુ કે પ્રાંશને આ બાબતે આપણે સાથ આપવો જોઈએ, પ્રાંશની કળા વિશે કાંઈક વિચારવું જોઈએ.

આ બાદ પ્રાંશના માતા પિતાએ તેના ચિત્રો માટેના ક્લાસ શરૂ કરાવ્યા જે બાદ પ્રાંશની કળા બહારના લોકોની સામે પણ આવી.

પ્રાંશ પિતા આકાશ ગાંધીએ જણાવ્યું કે જ્યારે પ્રાંશના ચિત્ર ક્લાસમાં ત્યાંના શિક્ષક 30 વિદ્યાર્થીની એક્ઝીબીશન માટે પસંદગી કરી રહ્યા હતા ત્યારે તેમણે તે 30 વિદ્યાર્થીઓમાં પ્રાંશની પણ પસંદગી કરી હતી અને તે સમયે પસંદ થયેલા વિદ્યાર્થીઓમાં પ્રાંશ સૌથી નાનો હતો.

ચિત્રો સિવાયની અલગ દુનિયા

આ મુદ્દો પ્રાંશ માટે એવો સાબીત થયો કે કોઈ માણસને તમે પુછો કો તમને હાથની કઈ આંગળી ઓછી ગમે છે.. દરેક વ્યક્તિ એવુ કહી શકે તે તેને શુ સૌથી વધારે ગમે છે પણ શું સૌથી ઓછુ ગમે છે તે કહેવું થોડુ કઠીન બની જતું હોય છે.

પ્રાંશએ અત્યાર સુધીમાં 6 જેટલા સ્ટેજ શો કર્યા છે જેમાં તેણે સોલો ડાન્સ તથા ગ્રુપ ડાન્સમાં પણ ભાગ લીધો છે. આ ઉપરાંત પ્રાંશને નેતાઓ વિશે સ્પીચ આપવી પણ ગમે છે અને તે કામ પણ તેને ખુબ પસંદ છે. આ વાત દર્શાવે છે કે તેને સ્ટેજ પર જવાનો અને ત્યાં જઈને અભિનય વ્યક્ત કરવાથી કોઈ ડર નથી. જો વાત કરવામાં આવે  ટેક્નોલોજીની તો તેને ઓનલાઈન ભણવાનાથી લઈને ટેક્નોલોજીનો કેટલો ઉપયોગ કરી શકાય તેના વિશે પણ જાણ છે.

પ્રાંશને ચિત્ર ગમે છે અને તે વાતમાં કોઈ શંકા નથી. ચિત્ર દોરવું તે એના લોહીમાં છે એવું કહી શકાય, પણ આની સાથે સાથે તેને ડાન્સ અને એક્ટિંગનો પણ શોખ છે. હાલ છેલ્લા કેટલાક મહિનાથી જે રીતે ચિત્રોને પ્રેમ કરે છે તેવો જ ઉત્સાહ હવે તેને એક્ટિંગ માટે પણ જાગ્યો છે.

આ બાબતે એવુ કહી શકાય કે જો કોઈ કામને રાજીખુશીથી કરવામાં આવે તો તેમાં સફળતા મળે જ છે અને તેનું જીવતુ જાગતુ ઉદાહરણ મહાન ક્રિકેટર સચીન તેંદુલકર પણ છે જેમણે 3-4 વર્ષની ઉંમરે હાથમાં બેટ પકડ્યું હતુ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code