
- રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને સીએમ વિજય રૂપાણીનું નિવેદન
- કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની સુવિધા ઉપલબ્ધ
- પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ ચાલું રહેશે: CM
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કોરોના સંક્રમિક દર્દીઓને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભર્યા છે જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં વીકએન્ડ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સધી નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્ન, સત્કાર સમાહોરમાં લોકોની મર્યાદા ઘટાડીને 100 કરવામાં આવી છે તેમજ અંતિમ વિધિમાં માત્ર 50 લોકોને સામેલ થવાની મંજૂરી અપાઇ છે.
મુખ્યમંત્રીએ બેડની વ્યવસ્થા અંગે કહ્યું હતું કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવી છે. હાલમાં અંદાજે 55 હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે, જેમાં 85 ટકા એટલે કે અંદાજે 45 હજાર બેડ ખાલી છે. કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 108ની એમ્બ્યુલન્સ સેવા વધુ પ્રભાવિ બનાવવામાં આવી છે. તે ઉપરાંત 104 હેલ્પલાઇન સેવા મારફતે લોકોને ઘર બેઠા કોવિડ સંબંધિત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેનો અત્યારસુધી 2 લાખ 78 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે.
કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે 1100 ધનવંન્તરી રથ કાર્યરત હતા જેની સંખ્યા વધારીને હવે 1700 કરવામાં આવી છે. આ રથ દ્વારા ડોર સ્ટેપ ઓપીડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે ખૂબ લોકપ્રિય બની છે. આ સેવાનો 1.52 લાખ લોકોએ લાભ લીધો છે.
સીએમ રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં RT-PCR ટેસ્ટિંગ અને એન્ટિજન ટેસ્ટિંગનું પ્રમાણ મોટી માત્રામાં વધાર્યું છે, જે અંતર્ગત ગઇકાલે અંદાજે 70 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે સંજીવની કોરોના ઘર સેવા- હોમ આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 125થી વધારે કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હાઈવે, રેલ્વે સ્ટેશન, કોમર્શિયલ બિલ્ડીંગો જેવા સ્થળોએ પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
(સંકેત)