આતંકવાદને રોકવા માટે ‘મસ્જિદ ટેક્સ’ નાખવાની સરકાર દ્વારા વિચારણા!
બર્લિન : જર્મનીમાં ફરી એકવાર મસ્જિદ ટેક્સ લગાવવાની ચર્ચાએ જોર પકડયું છે. મસ્જિદ ટેક્સ લગાવવાનો ઉદેશ્ય ઈસ્લામિક સંસથાઓની વિદેશી મદદ અથવા ફંડિંગ પર નિર્ભરતાને ઓછી કરવાનો છે. આ વાત એક મીડિયા અહેવાલમાં રવિવારે કહેવામાં આવી છે.

એક સવાલના જવાબમાં જર્મનીની ફેડરલ ગવર્નમેન્ટે આને સંભવિત પગલા તરીકે જોઈ રહી છે. આને પરોક્ષપણે આતંકવાદને રોકવા અથવા ઈસ્લામિક વિચારધારાની અસરથી બચવાના ઉપાય તરીકે જોવામાં આવે છે.
આ રિપોર્ટ પ્રમાણે, જર્મનીમાં 16 રાજ્યોએ આના સંદર્ભેના પ્રસ્તાવ પર સૈદ્ધાંતિકપણે પોતાની સંમતિ વ્યક્ત કરી છે. આ બિલકુલ એવું જ છે કે જેવું જર્મનીમાં ચર્ચ ટેક્સ લેવામાં આવે છે. જર્મીનામાં ફરી એકવાર મસ્જિદ ટેક્સ લગાવવા પર ચર્ચા તેજ બની છે. સરકારની સાથે જ પ્રગતિશીલ મુસ્લિમ મસ્જિદ ટેક્સ લગાવવાની તરફેણમાં દેખાઈ રહ્યા છે.
એક અનુમાન પ્રમાણે, જર્મનીમાં 50 લાખથી વધારે મુસ્લિમ રહે છે. તેમાના મોટાભાગના તુર્કી અને આરબ દેશોના છે. તુર્કી-ઈસ્લામિક યૂનિયન ઓફ ધ ઈન્સ્ટિટ્યૂટ ફોર રિલિઝિયન જર્મનીમાં 900 મસ્જિદોનું સંચાલન કરે છે. આ સંગઠન તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસિપ તૈયપ અર્દોગનને આધિન છે.
અહીંની મસ્જિદોના ઈમામને તુર્કી તરફથી નાણાં આપવામાં આવે છે. આ પહેલા આ સમૂહના સદસ્ય જર્મનીમાં જાસૂસીને લઈને તપાસની હેઠળ આવ્યા હતા. 2017માં જ્યારે જર્મની અને તુર્કીથી સંબંધોમાં તણાવ વધી ગયો હતો. તે સમયે જર્મનીના બે પ્રધાનોએ કહ્યુ હતુ કે અર્દોગનની ખતરનાક વિચારધારાને કેટલીક નિશ્ચિત મસ્જિદો દ્વારા જર્મનીમાં લાવવાની મંજૂરી આપી શકાય નહીં.
અહીંની કેટલીક મસ્જિદ કટ્ટરપંથી અને ઈસ્લામિક ઉગ્રવાદી વિચારધારા ફેલાવવાને લઈને તપાસ એજન્સીઓના રડારમાં આવી ચુકી છે. એક સર્વે પ્રમાણે, રાજ્યો આ વાતને લઈને આશ્વસ્ત છે કે જર્મનીમાં મસ્જિદોને આર્થિકપણે આત્મનિર્ભર થવું જોઈએ.
જર્મની સિવાય અન્ય યુરોપિયન દેશોમાં પણ ચર્ચ ટેક્સ છે. જર્મનીની જેમ જ સ્વીડન, ઈટાલી અને ઓસ્ટ્રિયા જેવા ઘણાં યુરોપિયન દેશોમાં ચર્ચ ટેક્સ લેવાઈ રહ્યો છે. ટેક્સ બાદ સરકાર આ ચર્ચોને તેમના ખર્ચ માટે પોતાના તરફથી રકમ ઉપલબ્ધ કરાવે છે. આ ટેક્સ કેથોલિકની સાથે જ પ્રોટેસ્ટન્ટ લોકો પાસેથી પણ લેવામાં આવે છે. બર્લિનમાં પ્રગતિશીલ મસ્જિદના સંસ્થાપક સેયરાન અટેસ મસ્જિદ ટેક્સને લઈને સંમત છે.