1. Home
  2. revoinews
  3. વિજયાદશમીનો સંદેશ: બુરાઈને ખતમ કરે તે ભલાઈ
વિજયાદશમીનો સંદેશ:  બુરાઈને ખતમ કરે તે ભલાઈ

વિજયાદશમીનો સંદેશ: બુરાઈને ખતમ કરે તે ભલાઈ

0
Social Share

આનંદ શુક્લ

  • દેવી દુર્ગા-મહિષાસુરનું યુદ્ધ
  • રામ-રાવણ વચ્ચેનો સંગ્રામ
  • વિજયાદશમીનો આપે છે સંદેશ

આદિકાળમાં દુર્ગા માતા અને મહિષાસુર વચ્ચેનું મહાયુદ્ધ કે રામ-રાવણ વચ્ચેનો મહાસંગ્રામ ભલાઈનું બુરાઈ સામેનું યુદ્ધ હતા. આ યુદ્ધોમાં ભલાઈનો વિજય થયો અને તેની યાદમાં વિજયાદશમીના પર્વની યુગોથી ભારતમાં ઉજવણી થઈ જાય છે. વિજયાદશમીનો સંદેશ છે કે બુરાઈ સામે ક્યારેય ભલાઈ ઘૂંટણિયા ટેકવત નથી. ભલાઈની સુરક્ષા શાસ્ત્ર અને શસ્ત્ર બંને કરે છે. શાસ્ત્ર સુરક્ષામાં નિષ્ફળ જાય એટલે કે ડાયલોગની સ્થિતિ ઘર્ષણમાં પરિવર્તિત થાય, ત્યારે આવા શાસ્ત્રોના વિચારોની સુરક્ષા માટે શસ્ત્રોની જરૂર પડે છે. આવી ભલાઈની સુરક્ષા માટે વાપરવામાં આવનાર શસ્ત્રોનું પૂજન થાય છે. વિજયાદશમીએ આના માટે જ તો શસ્ત્રપૂજન થાય છે.

આદિકાળથી વિશ્વમાં ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય, પ્રકાશ-અંધકાર, ભલાઈ-બુરાઈ વચ્ચે યુધ્ધ થતું આવ્યું છે. આ યુધ્ધમાં કહેવાય છે કે જીત તો હંમેશા ધર્મ, સત્ય, પ્રકાશ અને ભલાઈની થાય છે. અત્યારે પણ વિશ્વનો બહુ મોટો વર્ગ બુરાઈના વમળોમાં ફસાયેલો છે. નશાખોરી, જુગાર, વેશ્યાવૃતિ, હિંસા, અત્યાચાર, વર્ગ-સંઘર્ષ, આતંકવાદ વગેરે સમાજ માટે નાસૂર બની ગયા છે. આપણે આ બધી બુરાઈના માઠાં પરિણામો ભોગવતા આવ્યા છીએ. જ્યારે આપણે આ બધી બુરાઈને સહન કરવાની શક્તિ ગુમાવી દઈએ છીએ, ત્યારે આપણને લાગે છે કે બુરાઈને આદિકાળથી પરાજિત કરતી ભલાઈ હારી રહી છે. તે વખતે આપણે આપણા દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થાને કારણે પરેશાન થઈએ છીએ. બુરાઈના ભારે થતાં પલડાનો દોષ આપણે વ્યવસ્થા પર નાખી દઈએ છીએ. આપણે જુદી-જુદી બુરાઈ અનુસરનારાઓને અસામાજિક તત્વો તરીકે ઓળખીએ છીએ. કેટલાંક બુરાઈને અનુસરનારા લોકોને સજા આપવામાં કામિયાબ પણ થવાય છે. તે વખતે આપણે સમજીએ છીએ કે બુરાઈને અનુસરનારાઓને સજા મળી ગઈ એટલે પ્રશ્ન હલ થઈ ગયો. પણ રોજબરોજની મોટા પ્રમાણમાં બનતી ચોરી, હિંસા, હત્યા, અત્યાચાર, બળાત્કાર, આતંકવાદ અને નશાખોરીની ઘટનાઓ પરથી તે આપણો ભ્રમ સાબિત થાય છે. આપણી સામે પુનરાવર્તિતપણે બુરાઈના કુરુપ ચહેરાનો સામનો કરવાનો વખત આવે છે. તેનું કારણ ઘણું સ્પષ્ટ છે, માણસની અંદરની બુરાઈ તેને શારીરિક સજા આપવા માત્રથી ખતમ થઈ જતી નથી. હા, બુરાઈ ટૂંકાગાળા માટે કામચલાઉ રીતે નિયંત્રિત થતી હોય તેવો આભાસ જરૂરથી ઉભો થાય છે.

આપણને સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે આમ બુરાઈ અનુસરનાર વ્યક્તિને સજા આપવા છતાં બુરાઈ ખતમ કેમ થતી નથી? કેમ ગુનેગાર હંમેશા ગુનેગાર બનીને રહે છે? સજા મેળવ્યા પછી એવા બહુ થોડા ગુનેગારો હશે કે જેઓ હકીકતમાં સુધરી જતાં હોય છે. મોટાભાગના ગુનેગારો તો જેલમાંથી પાછા ફર્યા પછી પોતાની પહેલાની ગુનાખોરીની પ્રવૃતિ થકી બુરાઈને આગળ વધારવાનું કામ વધુ તીવ્રતાથી કરતાં હોય છે. આ સિવાય એ વાત પણ અત્રે ધ્યાન રાખવા જેવી છે કે અન્ય લોકો આ ગુનેગારોને મળેલી સજા પરથી બોધપાઠ પણ લેતા નથી. આવુ થવા પાછળનું સ્પષ્ટ કારણ એ છે કે અંધકારમાં ડૂબેલા લોકોને પ્રામાણિકતાથી પ્રકાશ તરફ દોરી જવાનું કામ ન તો સમાજ કરી રહ્યો છે, ન તો સમાજ દ્વારા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા તે અસરકારક રીતે થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. આપણે બુરાઈ આચરનારા લોકો તરફ જોવા માટે પણ તૈયાર નથી. આપણે તેમની ધૃણા કરીએ છીએ.

નાનપણથી બાળકોને બુરાઈથી બચવાનું શીખવાડીએ છીએ, તે સારું પણ છે. પણ સાથે સાથે બુરાઈમાં ફસાયેલા લોકોથી અંતર રાખવાનું અને તેમને ધૃણા કરવાનું પણ શીખવાડીએ છીએ. આ ધૃણા જ ખરાબ માણસની બુરાઈનો સંહાર કરવામાં આડે આવે છે. તેને કારણે ખરાબ માણસને કદાચ તેની બુરાઈની સજા મળી શકે છે, પણ તેનાથી તે વ્યક્તિની બુરાઈ મરતી નથી ,કારણ કે તેમની એટલી હદે ધૃણા કરવામાં આવે છે કે હૃદય પરિવર્તનની તમામ પ્રક્રિયામાં છેવટે નિષ્ફળતા જ સાંપડે છે. આવા લોકો આગળ જતાં બુરાઈને જ પોતાના સાચા સાથી ગણી લેતા હોય છે. હકીકતમાં વ્યક્તિ ખરાબ હોતો નથી. વ્યક્તિની અંદર રહેલી બુરાઈરૂપી ખરાબી જ ખરાબ હોય છે. બુરાઈ એક માનસિકતા છે અને માટે જ બુરાઈમાં ફસાયેલાની ધૃણા કરવા કરતાં તેમની માનસિકતાને બદલવાનો પ્રામાણિક પ્રયત્ન કરતાં શીખવું જોઈએ અને બાળકને પણ તે શીખવવું જોઈએ. પણ આપણે ત્યાં બાળકને નાનપણથી જે કંઈ શીખવાડવામાં આવે છે, તેનાથી ઉંમરની સાથે સાથે બુરાઈમાં ફસાયેલાઓ સાથેનું અંતર પણ વધતું જાય છે. આ પ્રવૃતિ એ હદ સુધી વિસ્તરતી જાય છે કે કોઈ સફળતા અને પ્રકાશના રસ્તા પર આગળ વધવામાં જરાપણ પાછળ પડી જાય તો તેને આપણે કચડીને અથવા તો એકદમ પાછળ છોડીને આગળ વધી જઈએ છીએ. આ સફળતા અને પ્રકાશ તરફ આગળ વધવાનો ટૂંકો રસ્તો બની ગયો છે. તેથી જ તો બુરાઈ ઘટવાને બદલે વધી રહી છે અને રોજબરોજ બુરાઈનું વર્તુળ વધી રહી છે અને તેમાં નવા લોકો ફસાઈ રહ્યાં છે.

આપણે ત્યાં સારાને વધુ સારું કરવાનો અવશ્ય પ્રયત્ન થાય છે. પણ જે ઓછું સારું છે કે નબળું છે, તેને સારું બનાવવાનો પ્રયત્ન ખૂબ ઓછો થાય છે. ઉદાહરણ તરીકે આપણે ત્યાં વિદ્યાર્થીઓને નિશાળમાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવે છે કે તે સારા માર્કસ પ્રાપ્ત કરી શકતા નથી. જેમને કારણે શાળાનો રેકોર્ડ ખરાબ થાય છે. આ પધ્ધતિ ફક્ત અમાનવીય જ નહીં પણ અન્યાયપૂર્ણ છે. દરેક શાળાનું એ દાયિત્વ છે કે તે ફક્ત સારા અને હોંશિયાર વિદ્યાર્થીઓને જ આગળ ન વધારે, પણ સાથે સાથે થોડા નબળા વિદ્યાર્થીઓને વિશેષ ધ્યાન આપીને સારા અને હોંશિયાર બનાવે. સારાને વધુ સારા બનાવવામાં કોઈ કમાલ નથી. અસલી કમાલ તો એ છે કે જેમાં ઓછા સારા કે નકામાને વિશેષ પ્રયત્ન અને ખંતથી સારાં કે વધારે સારાંની શ્રેણીમાં લઈ આવવામાં આવે.

આજે આ પ્રકારની સદભાવનાની અત્યંત આવશ્યક્તા છે. માટે જ વ્યક્તિ, સમાજ અને વ્યવસ્થા-એમ દરેક સ્તરે બુરાઈમાં ફસાયેલાઓને સુધારવાનું આંદોલન શરૂ કરવામાં આવે તે જરૂરી છે. ખરાબ અને ગુનાહિત પ્રવૃતિમાં લાગેલા લોકોને સહાનુભૂતિ ભરી સુધારણા પ્રક્રિયાથી ભલા માણસ બનાવી શકાય છે. સફળતા તો ત્યારે છે કે જ્યારે ઓછામાં ઓછા એક બુરાઈમાં ફસાયેલા વ્યક્તિને ભલાઈના માર્ગ પર લાવી શકાય. આ માટે જરૂરી છે કે ધીરજપૂર્વક સહાનુભૂતિથી બુરાઈમાં ફસાયેલા લોકોને સારું વાતાવરણ અને સારા વિચારો પૂરાં પાડવામાં આવે. આજે સામુદાયિક સ્તરે એવા સંગઠનો અને સંસ્થાઓની આવશ્યકતા છે કે જે બુરાઈના અંધકારમાં જીવતાં લોકોના જીવનને ભલાઈના પ્રકાશથી પ્રકાશમય બનાવી શકે. પોતાના સુખી-સંપન્ન ભક્તોની વચ્ચે રહેતા મહાત્મા, સાધુ-સંતો કે ધર્મોપદેશકો બુરાઈમાં ફસાયેલા લોકો વચ્ચે જઈને તેમને સદાચારના સદપ્રવાહમાં ખેંચી લાવશે. અસલી ભલાઈ તો એ છે કે જે બુરાઈમાં ફસાયેલાની બુરાઈને મારે અને વ્યક્તિને સદાચારના રસ્તે ખેંચી લાવે.

જ્યારે ‘મારા-મારા’ કહેનારો વાલિયો લૂંટારો ‘રામ-રામ’ની જગ્યાએ ‘મરા-મરા’નું રટણ કરીને વાલ્મિકી બને છે, ત્યારે તે કેટલાંય કહેવાતા સારા-ભલા માણસો કરતાં જોજનો આગળ નીકળી જાય છે. આવા કેટલાંય ઉદાહરણો આપણે ત્યાં ઉપલબ્ધ છે. હકીકતમાં જેણે અંધકારની દુનિયા જોઈ લીધી છે, તે પ્રકાશના મહત્વને વધારે સારી રીતે સમજે છે. વિષપાન કરનારા શિવ જ દુનિયાને કલ્યાણ અને મંગળતાનો સંદેશ આપવાનું સામર્થ્ય ધરાવે છે.

મનુષ્ય સ્વાભાવિકપણે ભલો હોય છે. પણ બુરાઈ તેને આપવામાં આવેલા ગંદા વિચારોથી નીપજે છે. જો વ્યક્તિના ગંદા વિચારો મરશે. આમ જે વ્યક્તિને નહીં, પણ તેના ખરાબ, ગંદા વિચારોને મારી શકે તે જ ભલાઈ છે. આપણે ત્યાં ખરાબ વ્યક્તિને તેની કરવામાં આવેલી ભૂલ કે ગુના માટે સજા આપવામાં આવે છે. આ સજા જરૂરી હોવા છતાં એ પણ એટલું જ જરૂરી છે કે જે-તે બુરાઈમાં ફસાયેલા વ્યક્તિની બુરાઈ દૂર થાય તેવી સુધાર પ્રક્રિયા ઉપલબ્ધ કરાવાય. આ માટે સમાજ અને સમાજની વ્યવસ્થાએ સારું વાતાવરણ તથા સારા વિચારોનો મારો બુરાઈમાં ફસાયેલા લોકો પર ચલાવવો પડશે. આમ હંમેશા પ્રયત્ન એ કરવો પડશે કે બુરાઈમાં ફસાયેલો વ્યક્તિ ખતમ ન થાય, પણ તે વ્યક્તિમાં રહેલી બુરાઈ મરી પરવારે અને તે સારા-શિષ્ટ સમાજનો ભાગ બનીને ભલાઈના રસ્તે આગળ વધે. આમ તો એક પ્રકાશનું કિરણ અંધકારને ખતમ કરવા માટે કાફી હોય છે. પણ જ્યાં ગાઢ અંધકાર હોય અને પ્રકાશનું કિરણ ગાઢ અંધકારને ભેદવા માટે સક્ષમ ન હોય તો ત્યાં સૂર્ય કે અગ્નિની ઉગ્રતા પ્રકાશ ફેલાવવા માટે કારણભૂત બને છે. આમ વિજયાદશમીનો માર્મિક સંદેશ છે કે બુરાઈને ખતમ કરે તે ભલાઈ છે, બુરાઈના ઘૂંટણિયે પડે તે ભલાઈ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code