1. Home
  2. revoinews
  3. સ્થાપના દિવસ: હિંદુ રાષ્ટ્રના સપનાને લઈને બન્યું હતું RSS, 3 વખત લાગી ચુક્યો છે પ્રતિબંધ, આજે દુનિયાનું સૌથી મોટું સંગઠન
સ્થાપના દિવસ: હિંદુ રાષ્ટ્રના સપનાને લઈને બન્યું હતું RSS, 3 વખત લાગી ચુક્યો છે પ્રતિબંધ, આજે દુનિયાનું સૌથી મોટું સંગઠન

સ્થાપના દિવસ: હિંદુ રાષ્ટ્રના સપનાને લઈને બન્યું હતું RSS, 3 વખત લાગી ચુક્યો છે પ્રતિબંધ, આજે દુનિયાનું સૌથી મોટું સંગઠન

0
Social Share
  • 27 સપ્ટેમ્બર, 1925ના રોજ દશેરાના દિવસે સંઘની સ્થાપના
  • આરએસએસ પર લાગી ચુક્યો છે ત્રણ વખત પ્રતિબંધ
  • 2025માં આરએસએસને પૂર્ણ થવાના છે 100 વર્ષ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો રાજનીતિ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ ભારતમાં આ સ્વયંસેવી સંસ્થાનું માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ સામાજીક પરિવેશમાં પણ મહત્વપૂર્ણ સ્થાન છે. દેશની સત્તા બનાવવા અને બગાડવાની શક્તિ આરએસએસ ધરાવે છે. આ કારણ છે કે ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારના પ્રધાન પણ સંઘની આગલ નતમસ્તક નજરે પડે છે.

દેશભરમાં આરએસએસ વિજયાદશમી પર પોતાનો સ્થાપના દિવસ મનાવી રહ્યા છે. આ પ્રસંગે એ સમજવું જરૂરી છે કે આખરે સંઘની સ્થાપના કેવી રીતે અને ક્યારે થઈ તથા કેવી રીતે આ સંગઠન પોતાને નવ દશક બાદ દુનિયાના સૌથી મોટા સંગઠન તરીકે સ્થાપિત કરી ચુક્યું છે.

દુનિયાનું સૌથી મોટા સ્વયંસેવી સંગઠન આરએસએસની સ્થાપના ડૉ. કેશવ બલિરામ હેડગેવારે કરી હતી. ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે 27 સપ્ટેમ્બર-1925ના રોજ વિજયાદશમીના દિવસે આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી. આ વર્ષે વિજયાદશમીના દિવસે સંઘે પોતાની સ્થાપનાના 93 વર્ષ પૂર્ણ કરી લીધા છે અને 2025માં આ સંગઠનને 100 વર્ષ પૂર્ણ થઈ જશે. નાગપુરમાં ગણતરીના લોકો સાથે શરૂ કરવામાં આવેલું આરએસએસ આજે વિરોટ સ્વરૂપ લઈ ચુક્યું છે. આ હિંદુઓની વિરાટ શક્તિનું જ પ્રતિબિંબ છે.

ત્રણ ડઝનથી ઓછા લોકોએ કરી હતી શરૂઆત

આરએસએસના આદ્ય સરસંઘચાલક ડૉ. કેશવ બલિરામ હેડગેવારે પોતાના ઘર પર 17 લોકો સાથેની ગોષ્ઠિમાં સંઘની રચનાની યોજના બનાવી હતી. આ બેઠકમાં હેડગેવાર સાથે વિશ્વનાથ કેલકર, ભાઉજી કાવરે, અણ્ણા સાહને, બાલાજી હુદ્દાર, બાપુરાવ ભેદી વગેરે હાજર હતા. સંઘનું શું નામ હશે, શું ક્રિયાકલાપ હશે બધું જ સમયની સાથે ધીરેધીરે નક્કી થતું ગયું. તે સમયે હિંદુઓને માત્ર સંગઠિત કરવાનો વિચાર હતો. ત્યાં સુધી કે સંઘનું નામકરણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ 17 એપ્રિલ-1926ના રોજ કરવામાં આવ્યું હતું. તે દિવસે ડૉ. હેડગેવાર સર્વસંમતિથી આરએસએસના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેમને નવેમ્બર-1929માં સરસંઘચાલક બનાવવામાં આવ્યા હતા.

કેવી રીતે પડયું આરએસએસ નામ?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ નામ અસ્તિત્વમાં આવતા પહેલા વિચારમંથન થયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જરીપટાકા મંડલ અને ભારતોદ્ધારક મંડલ આ ત્રણ નામ પર વિચારણા થઈ હતી. વોટિંગ કરીને બેઠકમાં નામ નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાંના 26 સદસ્યોમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નામ તરીકે સ્વીકાર કરવાના પક્ષમાં 20 સદસ્યોએ વોટ કર્યા હતા. ત્યાર બાદ આરએસએસ અસ્તિત્વમાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની શાખાઓમાં ‘नमस्ते सदा वत्सले मातृभूमे’ પ્રાર્થના ગાવામાં આવે છે. આ પ્રાર્થના સાથે દેશના ખૂણેખૂણે સંઘની શાખાઓ લાગી રહી છે. હેડગેવારે વ્યાયમશાળાઓ અને અખાડાઓના માધ્યમથી સંઘના કાર્યને આગળ વધાર્યું. સ્વસ્થ અને સુગઠિત સ્વયંસેવક હોવાની તેમની કલ્પના હતી.

સંઘનો પ્રભાવ

આરએસએસનો દાવો છે કે તેમના એક કરોડથી વધારે તાલીમબદ્ધ સદસ્ય છે. સંઘ પરિવારમાં 80થી વધારે સમવિચારી અથવા આનુષંગિક સંગઠન છે. દુનિયાના લગભગ 40 દેશોમાં સંઘ સક્રિય છે. હાલના સમયમાં સંઘની 56 હજાર 569 દૈનિક શાખાઓ લાગે છે. લગભગ 13 હજાર 87 સાપ્તાહીક મંડલી અને 9 હજાર માસિક શાખાઓ પણ છે. સંઘમાં સદસ્યોની નોંધણી થતી નથી. તેવામાં શાખાઓમાં હાજરીના આધારે અનુમાન છે કે હાલ 50 લાખથી વધારે સ્વયંસેવક નિયમિતપણે શાખાઓમાં આવે છે. દેશના દરેક તાલુકા અને લગભગ 55 હજાર ગામોમાં શાખા લાગી રહી છે.

સંઘ પર ત્રણ વખત લાગ્યો છે પ્રતિબંધ

સંઘે પોતાની લાંબ સફરમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, સંઘની નવ દાયકાથી વધારેની સફરમાં ત્રણ વખત તેના પર પ્રતિબંધ પણ લાગી ચુક્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાને સંઘ સાથે સાંકળીને જોવામાં આવી હતી. જો કે આ આરોપો અદાલતમાં ખોટા સાબિત થયા હતા. સંઘના દ્વિતિય સરસંઘચાલક એમ.એસ. ગોલવલકર ઉપાખ્ય શ્રીગુરુજીને બંદી પણ બનાવવામાં આવ્યા હતા. સંઘ પર ગાંધી હત્યા બાદ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને તેને 18 માસ બાદ હટાવી દેવામાં આવ્યો હતો.

બીજો પ્રતિબંધ કટોકટી દરમિયાન 1975થી 1977 દરમિયાન લાગ્યો હતો. જો કે સંઘે કટોકટી સામેની લડાઈમાં જનભાવના અનુસાર લડત આપી હતી.

ત્રીજો પ્રતિબંધ છ માસ માટે 1992ના ડિસેમ્બરમાં લાગ્યો હતો. 6 ડિસેમ્બર-1992ના રોજ બાબરી ઢાંચાને ધ્વસ્ત કરવાની ઘટના બાદ આરએસએસ પર પ્રતિબંધ લગાવાયો હતો.

આરએસએસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં દરેક વખતે સંઘ વધુ મજબૂત અને વધુ જનસમર્થન સાથે સામે આવ્યો છે. આ હકીકત સંઘમાં જનભાવનાના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

સંઘે શરૂઆતથી અલગ માર્ગ અખત્યાર કર્યો

આરએસએશ ન તો ગાંધીની આગેવાનીમાં ચાલનારા આંદોલનનો ભાગ બન્યું, ન કોંગ્રેસમાંથી હાંકી કઢયાલા સુભાષચંદ્ર બોઝના આંદોલનમાં સામેલ થયું અને ન તો ક્યારેય ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓની સાથે તેનો કોઈ સંબંધ રહ્યો છે. 1942ના ભારત છોડો આંદોલન સમયે આરએસએસની કોઈ સીધી અને મોટી ભૂમિકા સાર્વજનિક સંદર્ભોમાં દેખાતી નથી.

સંઘનો એક ચહેરો આ પણ છે

સંઘ ધીરેધીરે પોતાની ઓળખ એક અનુશાસિત અને રાષ્ટ્રવાદી સંગઠનની બનાવી છે. 1962માં ચીનના વિશ્વાસઘાતી હુમલાથી દેશ સન્ન રહી ગયો હતો. તે વખતે આરએસએસએ સરહદી વિસ્તારમાં રસદ પહોંચાડવામાં મદદ કરી હતી. તેનાથી પ્રભાવિત થઈને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1963ના રોજ પ્રજાસત્તાક દિનની પરેડમાં સંઘને આમંત્રિત કર્યું હતું. 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધ દરમિયાન દિલ્હીમાં ટ્રાફિક વ્યવસ્થાના સંચાલનમાં આરએસએસએ મદદ કરી હતી. 1977માં આરએસએસએ ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને વિવેકાનંદ રૉક મેમોરિયલનું ઉદ્ઘાટન કરવા માટે બોલાવ્ય હતા.

આરએસએસ ઘોષિતપણે હિંદુ સમાજને તેના ધર્મ અને સંસ્કૃતિના આધારે શક્તિશાળી બનાવવાની વાત કરે છે. સંઘમાંથી નીકળેલા સ્વયંસેવકોએ જ પહેલા ભારતીય જનસંઘ અને બાદમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. દર વર્ષ વિજયાદશણીના દિવસે સંઘની સ્થાપના સાથે જ શસ્ત્રપૂજનની પરંપરા નિભાવવામાં આવે છે. દેશભરમાં પથસંચલનના આયોજન કરવામાં આવે છે. ક્યારેક 25થી પણ ઓછા સ્વયંસેવકોથી શરૂ થયેલું આરએસએસ આજે ભારત અને દુનિયાનું સૌથી વિશાળ સ્વયંસેવી સંગઠન બની ચુક્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code