અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં શહેરીજનોને કોરોનાનો કોઈ ડર જ ન હોય તેમ વિવિધ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શકયતાઓને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા એસ.જી હાઈવે સહિત 27 જેટલા વિસ્તારોમાં રાત્રિના 10 વાગ્યા પછી ટી સ્ટોલ અને નાસ્તાહાઉસ સહિતની દુકાનો બંધ રાખવા નિર્દેશ કર્યો હતો. બીજી તરફ અમદાવાદ મનપા વધારે સતર્ક બન્યું છે. તેમજ વસ્ત્રાપુર અને એસ.જી હાઈવે સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં મોડે સુધી ત્રણેક કુદાનો ખુલ્લી મળી આવતા સીલ કરવામાં આવી હતી. મનપાની કામગીરીને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મનપા દ્વારા શહેરના લગભગ 27 વિસ્તારોમાં ટી સ્ટોલ અને ખાણીપીણીની દુકાનો રાતના 10 કલાકે બંધ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. રાતના 10થી સવારે છ વાગ્યાં સુધી દુકાનો બંધ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. દરમિયાન રાતના 10 વાગ્યા બાદ ખુલ્લી ખાણીપીણીની દુકાનો અને સ્ટોલને સીલ મારવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મનપાની ટીમ દ્વારા શહેરના વસ્ત્રાપુર અને ઈસ્કોન વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન એક ટી સ્ટોલ અને રેસ્ટોરન્ટ સહિત 3 સ્થળોને સીલ કરવામાં આવ્યાં હતા. આગામી દિવસોમાં આ ઝુંબેશને વધારે તેજ બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા તાજેતરમાં એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. વિવિધ વિસ્તારોમાં શૂટ કરાયેલા આ વિડીયોમાં લોકો કોરોના મહામારીને ભૂલી ગયા હોય તેમ મોડી રાત સુધી માસ્ક અને સમાજીક અંતર જાળ્યા વગર ટોળેવળીને બેસેલા જોવા મળ્યાં હતા. જેથી મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું.