INX મીડિયા કેસ: સુપ્રીમ કોર્ટે આપી કાર્તિ ચિદંબરમને વિદેશ જવાની મંજૂરી, સિક્યોરિટી ડિપોઝિટ તરીકે માંગ્યા રૂ.10 કરોડ
સુપ્રીમ કોર્ટે મંગળવારે કાર્તિ ચિદંબરમને આ મહિને અમેરિકા, જર્મની અને સ્પેનની યાત્રા પર જવાની પરવાનગી આપી દીધી. જોકે આ માટે કાર્તિએ પહેલા સુપ્રીમ કોર્ટને રૂ. 10 કરોડ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરવાના રહેશે. ઉલ્લેખનીય છે કે કાર્તિ ગુનાઇત મામલાઓમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમજ સીબીઆઇની તપાસનો સામનો કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા તેમજ જસ્ટિસ સંજીવ ખન્નાની એક બેંચે કહ્યું કે વિદેશયાત્રાની આ પરવાનગી પૂર્વમાં લાગુ કરેલી શરતોના પાલન પર નિર્ભર રહેશે.
જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમના દીકરા કાર્તિને સુપ્રીમ કોર્ટના મહાસચિવ પાસે 10 કરોડ રૂપિયા જમા કરાવ્યા પછી વિદેશ જવાની પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટે તેને લેખિતમાં એક ખાતરી આપતી અરજી પણ દાખલ કરવા કહ્યું કે તેઓ પાછા ફરશે અને તપાસમાં સહકાર આપશે. કાર્તિ વિરુદ્ધ દાખલ કરાયેલ મામલાઓમાં એક મામલો 305 કરોડ રૂપિયાની વિદેશી મૂડી પ્રાપ્ત કરવા માટે આઇએનએક્સ મીડિયાને આપવામાં આવેલી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી સાથે જોડાયેલો છે. આ મંજૂરી ત્યારે આપવામાં આવી હતી જ્યારે તેના પિતા નાણામંત્રી હતા.