1. Home
  2. revoinews
  3. વ્યક્તિના નિમ્ન કે શ્રેષ્ઠ કાર્યના આધારભૂત તત્ત્વના વિજ્ઞાનને જાણો
વ્યક્તિના નિમ્ન કે શ્રેષ્ઠ કાર્યના આધારભૂત તત્ત્વના વિજ્ઞાનને જાણો

વ્યક્તિના નિમ્ન કે શ્રેષ્ઠ કાર્યના આધારભૂત તત્ત્વના વિજ્ઞાનને જાણો

0
 – ડૉ. અતુલ ઉનાગર
          શું વ્યક્તિને નિમ્ન કે શ્રેષ્ઠ કાર્ય માટે કોઈ શક્તિ પ્રેરે છે? વ્યક્તિની ક્રિયાનો આધાર કોઈ પ્રેરકઘટકને આધીન હોય છે? શું હું અને તમે આજે જે પણ કંઈ કરી રહ્યા છીએ તે માટે કોઈ શક્તિ જવાબદાર છે? માણસને નિમ્ન કે શ્રેષ્ઠ કાર્ય સાથે જોડનાર જે ચાલકબળ,  ચાલકશક્તિ કે ચાલકઘટક શું છે? તેનું પરીક્ષણ કેવી રીતે થઈ શકે? મારું ચાલકબળ મને અંતે ક્યાં લઈ જશે? અને મારા આ ચાલકબળને લઈને મારે શું કરવું જોઈએ? આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા જરૂરી છે.
          ચાલકબળ એટલે ક્રિયાની ગતિનો આધાર, આપણી નજર સમક્ષ જે ક્રિયા થતી જોવા મળે છે તે તમામ ક્રિયાઓની ગતિનું કોઈને કોઈ ચાલકબળ જ કારણભૂત છે. એટલે કે ચાલકબળ વિના ક્રિયાની ગતિની દિશા જ સંભવ નથી. આ ચાલકબળ એ મુખ્ય ‘પ્રેરક ઘટક’ છે જેને ‘ચાલકશક્તિ’ પણ કહેવાય છે. આ શક્તિની પ્રેરણાથી ગતિનો સંચાર થાય છે. ચાલકબળ એ એવી એક અનોખી દિવ્ય શક્તિ છે કે જે કાર્યને તેનો આધાર મળે તે કામ પૂર્ણ થયું જ સમજો. આથી જીવનકાર્ય માટે પણ ચાલકબળ એક મહત્વપૂર્ણ ઘટક હોય છે.
          કાર્યવાહક વ્યક્તિમાં ચાલકબળની હાજરી સતત રહે છે. આ શક્તિના પ્રભાવને કારણે જ વ્યક્તિના કાર્યમાં સાતત્ય અક્ષુણ રહે છે. જ્યાં સુધી કાર્ય પરિણામમાં ન પરિણમે ત્યાં સુધી ઊર્જા આપવાનું કામ ચાલકબળ દ્વારા જ થાય છે. કોઈ પણ શ્રેષ્ઠ કાર્ય જે અંજામ સુધી પહોંચે છે તેની પાછળનું જવાબદાર ઘટક એ નિઃસંદેહ ‘ચાલકબળ’ જ હોવાનું. એક એ બાબત સમજવાની જરૂર છે કે શુભ કે અશુભ બન્ને કાર્યોમાં ચાલકબળ વિદ્યમાન હોય છે.
          આ સિદ્ધાંતને ઉદાહરણ દ્વારા સમજીએ…
માતા શબરી એ ભગવાન રામનાં પરમ ભક્ત હતાં. તે પંપા સરોવરની પાસે ઝુંપડી બાંધીને ભગવાન શ્રી રામનાં દર્શનની અભિલાષામાં અનેક દસકાઓ સુધી  પ્રતીક્ષા કરી. હવે અહીં એ સ્વાભાવિક પ્રશ્ન થાય કે કોઈ યુવતી એકલી અરણ્યમાં વૃદ્ધાવસ્થા સુધી નિરાશ થયા વગર અનેક દસકાઓ સુધી કેવી રીતે અડગ રહીં શકી હશે? ઉત્સાહ ગુમાવ્યાં વિના રોજ સવારે એવું વિચારે કે આજે આવશે મારો રામ. આખરે ભગવાન શ્રી રામનાં દર્શન એમને પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક જીવનનાં આદર્શ નમૂનારૂપ એવાં ‘જીવનમુક્ત’ માતા શબરીનું ઐતિહાસિક પાત્ર આજે આપણા સૌના માટે પ્રેરણારૂપ બની શકે તેમ છે.
          ઉપર્યુક્ત ઘટનાની સમીક્ષા કરવી જરૂરી છે. માતા શબરી ભીલ જાતીનાં હતાં. તેને બાલ્યકાળથી જ આધ્યાત્મ જીવન પસંદ હતું. તે પરમકૃપાળુ પરમાત્માની શોધમાં કિશોરાવસ્થામાં પિતાજીનું ઘર છોડીને નીકળી ગયાં હતાં. ફરતાં ફરતાં તે દંડકારણ્યમાં પહોંચ્યાં, જ્યાં તેમને માતંગઋષિના આશ્રમમાં સાધક બનીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. માતા શબરીને પૂર્ણ વિશ્વાસ હતો કે તે પરમ કૃપાળુ પરમાત્માના સાનિધ્યને પામશે. તેનાં ગુરુ માતંગ પરમ તપસ્વી હતા. શબરીની ઈશ્વર પ્રત્યેની અનન્ય ભક્તિથી તે પરિચિત હતા. ગુરુજીએ તેના જીવનના અંતિમ સમયે એટલે કે દિવંગત થતાં પહેલાં તેના શિષ્યા શબરીને કહેતા ગયા કે તારી અનન્ય ભક્તિનાં ફળ સ્વરૂપ ભગવાન શ્રી રામ આ આશ્રમમાં આવશે અને તારું તપ ફળશે. ગુરુજીનાં વચનોમાં વિશ્વાસ અને ધૈર્ય રાખીને જે પ્રતીક્ષા કરી તે તેમને આખરે ફળી.
        ઉપર્યુક્ત સાશ્વત ઉદાહરણ સ્વયં સિદ્ધ જ છે. અહીં સૌથી અગત્યનો પ્રશ્ન એ થાય કે માતા શબરીનું કારણભૂત ઘટક એટલે કે ચાલકબળ શું હશે? આનો જવાબ સરળ અને સહજ જ છે. ‘ઈશ્વર પ્રાપ્તિની ઉત્કંઠ અને અનન્ય ઈચ્છા’ આ તેમનું ચાલકબળ છે. તેની આ ઈચ્છાને કારણે જ ગૃહત્યાગ, આશ્રમમાં સાધના, વર્ષો સુધીની પ્રતિક્ષા, ગુરુજીનાં કથનમાં વિશ્વાસ અને ધૈર્ય વગેરે સહજ બની રહ્યાં.
          એક જ કાર્યમાં વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ ચાલકબળ હોવાનું. જેમ કે એક વિદ્યાલયની સ્થાપના પાછળનાં ચાલકબળનું રહસ્ય તપાસીએ. જો આ વિદ્યાલયનો સ્થાપક સાચો નખશીખ કેળવણીકાર હશે તો ‘ચરિત્ર નિર્માણ’ એ એમનું ચાલકબળ રહેશે. વિદ્યાલયના બીજા પ્રકારના  સ્થાપકનું ચાલકબળ જો ‘વેપાર’ હશે તો ધન ઉત્પાદન એ એમનું ચાલકબળ રહેશે. વિદ્યાલયના ત્રીજા પ્રકારના સ્થાપકનું ચાલકબળ જો ‘કિર્તી અને યશ હશે તો માન, સમ્માન અને પ્રતિષ્ઠા જ  એમનું ચાલકબળ બની રહેશે. વિદ્યાલયના ચોથા પ્રકારના સ્થાપક જો દાનવીર હશે તો  ‘પૂણ્ય કમાવવું’ એ જ એમનું ચાલકબળ રહેશે. અહીં એક જ કામનાં જુદાં જુદાં ચાલકબળો જોવા મળે છે. આ ઉદાહરણ પરથી એ પણ સમજવું જોઈએ કે જેવું ચાલકબળ તેવું પરિણામ. ટૂંકમાં ચાલકબળ જ પરિણામ નક્કી કરે છે.
નીચેના ઉદાહરણોનાં ચાલકબળ ચકાસો.
(A) સકારાત્મક ચાલકબળ :- કૃષ્ણ ભક્ત મીરાંબાઈનું ચાલકબળ, ગાંધીજીનું ચાલકબળ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું ચાલકબળ, ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામનું ચાલકબળ, ઝવેરચંદ મેઘાણીનું ચાલકબળ અને ભગિની નિવેદિતાનું ચાલકબળ. આ અને આ પ્રકારના મહાપુરુષોનાં ચાલકબળની સમીક્ષા કરો. (B) નકારાત્મક ચાલકબળ :- હિટલરનું ચાલકબળ, આતંકવાદીનું ચાલકબળ, રાવણનું ચાલકબળ, એક ચોરનું ચાલકબળ અને એક બળાત્કારીનું ચાલકબળ આ અને આવા પ્રકારના નિમ્ન કક્ષાના લોકોનાં ચાલકબળની સમીક્ષા કરો.
         આ સિદ્ધાંતની સમજણ પછી પોતાના હ્રદયમાં રહેલ ચાલકબળને તપાસવું જોઈએ. અમૂક જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણા સૌમાં રહેલાં ચાલકબળ અને તેના કાર્યની સમીક્ષા કરીએ.
(01) આપણું જો ચાલકબળ  ‘રાષ્ટ્રભક્તિ’ હોય તો, – આપણે સૈનિક, નેતા, સમાજ સેવક, સમાજ સુધારક, લોકનાયક વગેરે કાર્યો પસંદ કરીશું અને જીવનભર દેશ સેવા જ કેન્દ્રમાં રહેશે.
(02) આપણું જો ચાલકબળ ‘સુખમય જીવન’ હશે તો, –  ફક્ત પૈસા જ કમાવવા માટે નોકરી કે ધંધો કરશું. જીવનભર કેન્દ્રમાં ધન સંગ્રહ એ જ લક્ષ્ય રહેશે.
(03) આપણું ચાલકબળ ‘કુટુંબ કેન્દ્રિત’ હશે તો, – કુટુંબના સુખો સુધી જ મર્યાદિત જીવન કાર્યો હશે. કુટુંબ માટે સંપત્તિ કમાવવી, સંતાનોને ભણાવવાં અને પરણાવવાં. વગેરે પારિવારિક કાર્યો આપણે પસંદ કરીશું.
(04) આપણું ચાલકબળ ‘ભોગ અને વિલાસ’ જ હશે તો, – સૌંદર્ય અને આકર્ષણનાં કૌશલ્યો વિકસાવવાં, ઠાઠમાઠ ઊભો કરવો વગેરે કાર્યો જ પસંદ કરીશું.
(05) આપણું ચાલકબળ ‘આધ્યાત્મ’ હશે તો, – આશ્રમની સ્થાપના કરી મૌન, સાધના, તપ, એકાગ્રતા, ધ્યાન વગેરે પ્રકારનાં કાર્યો કરવાનું પસંદ કરીશું.
આ સિદ્ધાંતને બરાબર સમજીને પોતાના જીવનનું ચાલકબળ શોધી કાઢવું ખૂબજ અનિવાર્ય છે. આ પ્રક્રિયા ગંભીરતાપૂર્ણ જાત સાથે કરવી જોઈએ. જો આપને આપણું ચાલકબળ મળી જશે તો જીવન ધ્યેય શોધવામાં ખૂબ જ મોટી મદદ મળી રહેશે. સફળ બનવાનો આ રાજમાર્ગ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.