ભારતીય ઈકોનોમીને પાટા પર લાવવા માટે ભારતની મોદી સરકાર એક મોટું પગલું ઉઠાવે તેવી શક્યતા છે. પહેલા નોટબંધી, બાદમાં નકલી કંપનીઓનો સફાયો કર્યા બાદ હવે સરકાર એવી કંપનીઓને ટેક્સની જોગવાઈ નીચે લાવવાની તૈયારી કરી રહી છે, કે જેઓ જાણીજોઈને પોતાના હિસામાં નુકસાન દેખાડીને ટેક્સ બચાવે છે.
કેન્દ્ર સરકાર આવી કંપનીઓ પર ટેક્સનો સકંજો કસી શકે છે. સરકાર આના માટે લઘુત્તમ વૈકલ્પિક ટેક્સ (મેટ)ના નિયમોમાં પરિવર્તન કરવાનું વિચારી રહી છે. નાણાં મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે આગામી બજેટ અથવા તેના પછી સરકાર હિસાબમાં નુકસાન દેખાડનારી કંપનીઓ પર ટેક્સ લગાવે તેવી શક્યતા છે.
જો કે પ્રસ્તાવ પ્રમાણે, હકીકતમાં નુકસાન ઉઠાવનારી કંપનીઓને સરકાર ટેક્સ ક્રેડિટ પર રાહત આપે તેવી શક્યતા છે. દેશમાં અઢી લાખથી વધારે કંપનીઓ એવી છે કે જેમણે દશકાઓથી ખુદને નુકસાનમાં દર્શાવી છે. આ કંપનીઓ બેંકોમાંથી લોન લે છે અને લાંબા સમય સુધી ઈનડાયરેક્ટ ટેક્સ પણ આપતી રહી છે. પરંતુ ડાયરેક્ટ ટેક્સ એટલે કે કોર્પોરેટ ટેક્સ આપતી નથી.
ટેક્સની ચોરી કરનારી કંપનીઓ હકીકતમાં સરકારની સામે બે પ્રકારે પોતાનો હિસાબ-કિતાબ રજૂ કરે છે. પહેલો ઈન્કમટેક્સના હિસાબથી બીજો કંપની એક્ટ પ્રમાણે. આવી કંપનીઓ ઈન્કમટેક્સમાં ઘણો ખર્ચો દેખાડીને ખુદને નુકસાનમાં દર્શાવે છે. ઠીક આ સમયે ઘણી કંપનીઓ ભારે ભરખમ ડિવિડન્ટ વહેંચતી પણ નજરે પડતી હતી. આ કંપનીઓ કંપની એક્ટ હેઠળ આવનારા હિસાબમાં નફો દર્શાવતી હતી. સરકાર આવકના આ બે તરફી રિપોર્ટિંગ દ્વારા ઈન્કમટેક્સ બનાવનારી કંપનીઓ પર લગામ લગાવવા માટે ચાર દશક પહેલા લઘુત્તમ વૈકલ્પિક કર એટલે કે મેટ લઈને આવી. હવે આ તમામ કંપનીઓને ટેક્સ હેઠળ લાવવાની તૈયારી છે. જે જાણીજોઈને કંપની એક્ટ પ્રમાણે આવનારા બુક પ્રોફિટમાં પણ બનાવટી નુકસાન દર્શાવા લાગી છે.
ટેક્સ એક્સપર્ટનું માનવું છે કે આવા પ્રકારના ટેક્સમાં કોઈ વાંધો નથી. જો કે રેટ નોમિનલ હોવો જોઈએ. Institute of Chartered Accountants of Indiaના ભૂતપૂર્વ અધ્યક્ષ અમરજીત ચોપડા કહે છે કે આવી કંપનીઓ પર ટેક્સ લગાવવામાં કોઈ વાઁધો નથી. આખરે તે દેશના સંશાધનોનો ફાયદો ઉઠાવી રહી છે. ચાહે તે પેડઅપ કેપિટલ હોય અથવા બેંકની લોન હોય. હા એટલુ જરૂર છે કે જે કોઈ ટેક્સ લગાવે છે, તે તેનો રેટ ઘણો ઓછો હોવો જોઈએ.
ભારતમાં લઘુત્તમ ટેક્સની શરૂઆત 1983માં થઈ હતી, ત્યારે તેને વૈકલ્પિક ન્યૂનત્તમ કર એટલે કે એએમટી કહેવામાં આવતું હતું. ઘણીવાર નિયમોમાં પરિવર્તન થતા રહ્યા હતા. 1991માં ટેક્સ સાથે જોડાયેલી ઘણી રાહતોને સમાપ્ત કર્યા બાદ સરકારે કહ્યું હતુ કે આવા કોઈ લઘુત્તમ ટેક્સની જરૂરત નથી. જો કે પાંચ વર્ષ બાદ તેને ફરીથી લાગુ કરવામાં આવ્યં અને તેનું નામ મિનિમમ ઓલટરેનટિવ ટેક્સ એટલે કે મેટ કરી દેવામાં આવ્યું હતું.
વર્ષ 1996-97ના બજેટ ભાષણમાં તત્કાલિન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યુ હતુ કે હું કંપનીઓ પર લઘુત્તમ વૈકલ્પિક કર લગાવવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. ઈન્કમટેક્સ નિયમો હેઠળ દરેક પ્રકારની છૂટ ક્લેમ કર્યા બાદ જો કંપનીની કુલ કમાણી બુક પ્રોફિટથી 30 ટકા ઓછી છે, તેવામાં કંપનીની કુલ ઈન્કમ બુક પ્રોફિટના 30 ટકા માનવામાં આવશે અને તેને તેના પ્રમાણે ટેક્સ આપવો પડશે.
2001માં ફરીથી મેટમાં પરિવર્તન થયું. ચુકવવામાં આવેલા ટેક્સ પર મળનારી છૂટની વ્યવસ્થા સમાપ્ત કરી દેવામાં આવી અને નક્કી કરવામાં થયું કે કોર્પોરેટ અને મેટમાંથી જે પણ રેટ વધારે હશે કંપનીઓને તેની ચુકવણી કરવી પડશે.
2005માં મેટના નિયમોમાં ફરી એકવાર ફેરબદલ થયો અને કંપનીઓને આ વાતની મંજૂરી આપવામાં આવી કે તેઓ પાંચ વર્ષની અંદર ટેક્સ ક્રેડિટને કેરી ફોરવર્ડ કરી શકે છે. કેરી ફોરવર્ડની સમયમર્યાદાને દશથી વધારીને પંદર વર્ષ કરવામાં આવી હતી. હાલ આ સમયમર્યાદા 15 વર્ષની છે.
ભારતમાં મેટનો રેટ 18.5 ટકા છે. જો કે કંપનીઓ મેટનો હંમેશા વિરોધ કરતી રહી છે. સતત વધતા રેટ સિવાય કંપનીઓની ફરિયાદ છે કે બુક પ્રોફિટના રખરખાવમાં મુશ્કેલી થાય છે. જો કે કેટલાક વિશેષ ઉદ્યોગો ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સેક્ટરમાં સકરારે મેટને રાહત આપી છે. પરંતુ નાણાં મંત્રાલયનું માનવું છે કે દેશમાં લાખો કંપનીઓ જાણીજોઈને નુકસાન દર્શાવીને સતત સરકારને ચુનો લગાવી રહી છે.
નાણાં મંત્રાલયનું માનવું છે કે આવી કંપનીઓને ટેક્સની મર્યાદામાં લાવવાની જરૂરત છે, જેથી તેઓ મિનિમમ ટેક્સ જરૂરથી આપે. આવક અને ખર્ચ એટલે કે ફિસ્કલ ડેફિસિટનું દબાણ સહન કરી રહેલી સરકાર માટે આ જરૂરી છે કે સરકાર શેલ કંપનીઓના સફાયા બાદ જાણીજોઈને ટેક્સથી ભાગનારી કંપનીઓને ડાયરેક્ટ ટેક્સની મર્યાદામાં લઈ આવે.
17મી લોકસભાનું સત્ર 17 જૂનથી લઈને 26 જુલાઈ સુધી ચાલશે. જેમા ચાર જુલાઈએ આર્થિક સર્વેક્ષણ અને આગામી દિવસે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પૂરક બજેટ રજૂ કરશે. તેવામાં શક્ય છે કે નાણાં પ્રધાન સરકારના ઈરાદાઓનું એલાન કરે.