ગીર સોમનાથની ધરા ધ્રુજી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના અવાર-નવાર આંચકા આવે છે. દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તમામ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ગીર સોમનાથના ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારમાં ધરા ધ્રુજી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથમાં રાતના 12 કલાક પછી ભૂકંપના બે આંચકા આવ્યાં હતા. રાતના 2.41 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ઉપરાંત ગત રાતે 11.55 કલાકે ભૂકંપના બે આંચકા આવ્યાં હતા. જેની અસર તાલાલા પંથકમાં જોવા મળી હતી. તેમજ રવિવારે મોડી રાતે 1.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ તાલાલા નજીક નોંધાયું હતું. આવી જ રીતે સોમવારે વહેલી સવારે 4 કલાકે 1.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ત્યાર બાદ સવારે 5.52 કલાકે 2ની તીવ્રતાનો, સવારે 11.14 કલાકે 3ની તીવ્રતાનો, સાંજે 5.21 કલાકે 2.3ની તીવ્રતાનો અને સાંજના 6.44 કલાકે તાલાલા ગીરમાં 2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ તમામ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલા નજીક જ નોંધાયું હતું.
આમ ગીર સોમનાથ જિલ્લામાં 24 કલાકમાં ભૂકંપના લગભગ 13 જેટલા આંચકા આવ્યાં હતા. તેમજ ગીર સોમનાથના તલાલા, ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં લોકોએ આંચકા અનુભવ્યાં હતા.