વેનેઝુએલા: જુઆન ગુએદોના મુખ્ય સહયોગી અને નેશનલ અસેમ્બ્લીના વાઇસ પ્રેસિડેન્ટની ધરપકડ
વેનેઝુએલામાં ગુપ્ત એજન્ટ્સે વિપક્ષના બહુમતવાળી નેશનલ એસેમ્બ્લીના વાઇસ પ્રેસિડેન્ટની બુધવારે ધરપકડ કરી લીધી. ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો વિરુદ્ધ વિદ્રોહની નિષ્ફળ કોશિશો પછી કોઈ સાંસદની ધરપકડનો આ પહેલો મામલો છે. એડગર જમ્બ્રાનોએ કહ્યું કે આ એજન્ટ્સ તેમને તેમજ તેમની કારને જેલ સુધી ઉઠાવીને લઈ આવ્યા કારણકે તેમણે કારમાંથી બહાર નીકળવાની ના પાડી દીધી હતી.
જમ્બ્રાનો નેશનલ અસેમ્બ્લીમાં વિપક્ષના નેતા જુઆન ગુએદોના મુખ્ય સહયોગી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ છે. ગુએદોને 50થી વધુ રાષ્ટ્રોએ દેશના મુખ્ય નેતા તરીકે માન્યતા આપી છે. તેમણે 30 એપ્રિલના રોજ થયેલા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. ગુએદોએ ટ્વિટર પર નિંદા કરીને એક સંદેશમાં કહ્યું, ‘અમે વેનેઝુએલા અને આંતરરાષ્ટ્રીય સમુદાયના લોકોને સાવચેત કરીએ છીએ. સત્તાએ નેશનલ અસેમ્બ્લી પહેલા વાઇસ પ્રેસિડેન્ટનું અપહરણ કરી લીધું છે.’
ગુએદોએ કહ્યું, ‘તેઓ વેનેઝુએલાના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરનારી તાકાતને નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તેઓ સફળ નહીં થાય.’ અમેરિકા, યુરોપીય સંઘ તેમજ ઘણા લેટિન અમેરિકન દેશોએ જમ્બ્રાનોની ધરપકડની ટીકા કરી છે. અમેરિકાએ કારાકસમાં હવે બંધાઈ ચૂકેલા દૂતાવાસના ટ્વિટર અકાઉન્ટ પર આ ધરપકડને ગેરકાયદેસર અને અક્ષમ્ય ગણાવી છે.
અમેરિકાએ જો જમ્બ્રાનોને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો તેના પરિણામોની ચેતવણી આપી છે. આ સાથે જ ગુએદોનું સમર્થન કરનારા વિપક્ષના સાંસદોની સંખ્યા 10 થઈ ગઈ છે, જેના પર આરોપ નક્કી કરવામાં આવ્યા છે. આ પહેલા એક કોર્ટે મંગળવારે જાહેરાત કરી હતી કે 7 અન્ય લોકો પર પણ કેસ ચાલશે. નેશનલ અસેમ્બ્લીને સાઇડલાઇન કરવા માટે માદુરો તરફથી બનાવવામાં આવેલી કોન્સ્ટિટ્યુએન્ટ અસેમ્બ્લીએ કહ્યું હતું કે તે વિદ્રોહને સમર્થન આપતા સાંસદોના વિશેષાધિકાર ખતમ કરી દેશે.