સુપ્રીમ કોર્ટે ECના નિર્ણયમાં દખલ કરવાની પાડી ના, 19 મે પછી જ રીલીઝ થશે મોદીની બાયોપિક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચના નિર્ણયમાં દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કરી દીધો. નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (સેન્સર બોર્ડ)એ ફિલ્મને ક્લિયરન્સ આપી દીધું છે. ચૂંટણીપંચનો આદેશ તેનો વિરોધ કરે છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટના આદેશ પછી આયોગના અધિકારીઓએ આ ફિલ્મ જોઈ હતી. તેમનું માનવું છે કે ચૂંટણી દરમિયાન ફિલ્મ રીલીઝ થશે તો ચોક્કસપણે એક પાર્ટીને વિશેષ ફાયદો થશે. ચૂંટણીપંચ ફિલ્મને ચૂંટણી પછી (19 મે) જ રીલીઝ કરવાના પોતાના નિર્ણય પર મક્કમ છે.
ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે ચૂંટણીપંચને કહ્યું હતું કે ફિલ્મની રીલીઝ પર નિર્ણય લેતા પહેલા આખી ફિલ્મ જુઓ. ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ પર એક રિપોર્ટ તૈયાર કરો અને બંધ પરબિડિયામાં કોર્ટને આપી દો.
ફિલ્મનું કન્ટેન્ટ મુખ્યત્વે નરેન્દ્ર મોદીની આસપાસ જ છે. તેમને એક એવા નેતા તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેણે ક્યારેય સમાધાન નથી કર્યું. નિર્માતાઓની દલીલ હતી કે પંચે ફિલ્મ જોયા વગર જ રોક લગાવી દીધી.
ચૂંટણીપંચે પહેલા કહ્યું હતું કે આચારસંહિતા લાગુ થયા પછી ફિલ્મની રીલીઝ ન્યાયસંગત નથી. એવી કોઈપણ પ્રચાર સામગ્રી જે કોઈ ઉમેદવારની ઇમેજને પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે બઢાવી-ચડાવીને દર્શાવે, એવા કન્ટેન્ટને આચારસંહિતા દરમિયાન ન દર્શાવવું જોઈએ.
ચૂંટણીપંચના આ નિર્ણય વિરુદ્ધ ફિલ્મ નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. નિર્માતાએ તરફથી વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ચૂંટણીપંચે ફિલ્મ જોયા વગર જ રીલીઝ પર રોક લગાવી દીધી.