લુપ્ત થઈ રહેલા ગીધને બચાવવાનો પ્રયાસઃ બનાસકાંઠામાં આહાર માટે કરાઈ ખાસ વ્યવસ્થા
- પર્વતીય વિસ્તારમાં ઉભું કરાયું વલ્ચર કિચન
- ગીધ માટે ખોરાકની કરાઈ વ્યવસ્થા
અમદાવાદઃ ગુજરાતમાં ગીધની વસ્તી ધીરે-ધીરે ઘટી રહી છે. જેથી લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટે સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં ગીધને બચાવવા માટે વનવિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રાણીટુંકના પર્વતીય વિસ્તારમાં વલ્ચર કિચન ઉભું કરવામાં આવ્યું છે. અહીં મૃત પશુઓ એકઠા કરી તેનું વેટરનરી ડોકટરો દ્વારા પરીક્ષણ કર્યા બાદ ગીધને ખોરાક માટે આપવામાં આવે છે.
ગુજરાતના ગીર સહિતના વિસ્તારોમાં ગીધ જોવા મળે છે. રાજ્યમાં ગીધની સંખ્યામાં ઘટાડો થતા સરકાર દ્વારા તેને બચાવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બનાસકાંઠાના અંબાજી, બાલારામ અને જેસોર વન્ય અભ્યારણમાં લગભગ 70 જેટલા ગીધ છે. આ ગીધને બચાવવા અને તેની સંખ્યામાં વધારો થાય તેવા પ્રયાસો બનાસકાંઠા વનવિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યાં છે. ગીધ પશુ કે પક્ષીનો શિકાર કરતું નથી. પરંતુ મૃત પશુ કે પક્ષીને પોતાનો ખોરાક બનાવે છે. જેથી ગીધને પુરતો ખોરાક મળી રહે તેવા પ્રયાસો શરૂ કરાયાં છે.
દાંથીવાડાના રાણીટુંકના પર્વતીય વિસ્તારમાં ખાસ વલ્ચર કિચન ઉભુ કરવામાં આવ્યું છે. અહીં મૃત પશુઓ એકઠા કરવામાં આવે છે. ત્યાર બાદ તેનું વેટરનરી ડોકટરો દ્વારા પરીક્ષણ કર્યા બાદ ગીધને ખોરાક માટે આપવામાં આવે છે.