પ્રજ્ઞા ઠાકુરે ફાઇલ કર્યું નોમિનેશન, તેમના રોડ શૉમાં દર્શાવ્યા કાળા વાવટા, બીજેપી સમર્થકોએ NCP કાર્યકર્તાને માર્યો
મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે આજે પોતાનું નોમિનેશન ફાઇલ કર્યું. નોમિનેશન પહેલા સાધ્વી પ્રજ્ઞાએ જૂના ભોપાલના ભવાની ચોકથી કલેક્ટર ઓફિસ સુધી રોડ શૉ કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન કેટલાક યુવકોએ તેમને કાળા વાવટા દર્શાવવાની કોશિશ કરી. ત્યારબાદ એસડીએમ ઓફિસમાં બીજેપી કાર્યકર્તાઓએ એક યુવકની જબરદસ્ત ધોલાઈ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે આ યુવક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો છે.
આરોપ છે કે આ વ્યક્તિએ રોડ શૉ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા સિંહને કાળા વાવટા દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ જ્યારે તે એસડીએમ ઓફિસમાં જ્યારે બીજેપી કાર્યકર્તાઓની નજરે ચડ્યો તો તેમણે તેને જબરદસ્ત માર માર્યો. આશ્ચર્યની વાત એ છે કે પોલીસની હાજરીમાં બીજેપી કાર્યકર્તાઓએ એનસીપી કાર્યકર્તા પર આ હુમલો કર્યો.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ભગવો ગમછો ગળામાં નાખેલા કેટલાક યુવકો એક વ્યક્તિની ધોલાઈ કરતા જોવા મળે છે. આ મારપીટ ત્યારે કરવામાં આવી જ્યારે ત્યાં મીડિયા અને પોલીસ બંને હાજર હતા. ત્યારબાદ પોલીસે યુવકની અટકાયત કરી.
ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ મંગળવારે નોમિનેશન ફાઇલ કર્યું. પ્રજ્ઞાએ ચૂંટણીસભામાં કહ્યું- હું મહિલા ઉત્પીડનનું પ્રત્યક્ષ પ્રમાણ છું. મને અલગ-અલગ રીતે પ્રતાડિત કરવામાં આવી. પ્રજ્ઞાએ કહ્યું કે, જ્યારે સનાતન સંસ્કૃતિ પર હુમલો થાય છે તો સંતોએ આગળ આવવું પડે છે. એટલે હું ભોપાલથી ચૂંટણી લડી રહી છું. તેમણે (કોંગ્રેસ) ભગવાને આતંકવાદ કહ્યો. હિંદુત્વ વિકાસનો પર્યાય છે. આ પરિસ્થિતિમાં હું હિંદુઓની તકલીફો જાણું છું અને તેમની સુરક્ષા માટે કડક કાયદો લાવવા માટે જે કરવું પડે, તે કરીશ. સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે સોમવારે શુભ મુહુર્તમાં બે સેટમાં નોમિનેશન ફાઇલ કર્યું હતું. આ દરમિયાન 11 પંડિતોએ સ્વસ્તિવાંચન કર્યું હતું.