- ગુજરાતના ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર
- રાજ્ય સરકાર શેરી ગરબાના આયોજનની આપી શકે છે છૂટ
- રાજ્ય સરકાર 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે
અમદાવાદ: નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોના સંક્રમણને લીધે રાજ્ય સરકારે આ વખતે વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજનને રદ્દ કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જો કે હવે રાજ્ય સરકારે અચાનક જ યુ-ટર્ન લીધો છે. રાજ્ય સરકાર શેરી ગરબાને છૂટ આપે તેવી શક્યતા છે. અનલોક-5ની ગાઇડલાઇન અનુસાર સરકાર શેરી ગરબાને છૂટછાટ આપવા મુદ્દે વિચારણા કરી રહી છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ છે અને પ્રતિદીન રાજ્યમાં 1300 થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે ડૉક્ટરોએ પણ સરકારને ગરબાનું આયોજન ના કરવાનું સૂચન કર્યું છે. રાજ્ય સરકાર ખુદ હવે ગરબાના આયોજન અંગે અસમંજસમાં મૂકાઇ છે. રાજ્યના મોટા ગરબા આયોજકો પણ આ વર્ષે ગરબાનું આયોજન ના કરવા માટે મક્કમ છે.
અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વાત કહી ચૂક્યાં છે કે, નવરાત્રિમાં ગરબાના મોટા આયોજનને મંજૂરી નહી મળે. આજે અચાનક જ સરકારે જાણે યુ-ટર્ન લીધો હોય તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સૂર બદલાયા હતાં. તેમણે કહ્યું કે, 200 જણાં સાથે ગરબા રમી શકે તે રીતે મંજૂરી મળી શકે છે. શેરી ગરબાને લઇને સરકાર વિચારણા કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનલોક-5ની પ્રક્રિયા બાદ માર્ગદર્શિકા મુજબ ધાર્મિક પ્રસંગ, સામાજીક પ્રસંગ ઉપરાંત રાજકીય મેળાવડા માટે પણ છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આ જ માર્ગદર્શિકાના આધારે રાજ્ય સરકાર કોરોનાના સંક્રમણ વચ્ચે શેરી ગરબા કેવી રીતે યોજાઇ શકે તે અંગે વિચારણા કરી રહી છે. સરકાર 15 ઑક્ટોબર બાદ શેર ગરબા અંગે કોઇ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે.
(સંકેત)