Site icon Revoi.in

ઓલીના PM પદ બચાવવા માટે હવાતિયા, ભગવાન શ્રી રામના નામનો લીધો સહારો

Social Share

દિલ્હીઃ કરોડો ભારતીયોના આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર ભૂમિપૂજન કર્યું હતું. ત્યારે ભગવાન શ્રી રામજીનો જન્મ ભારતમાં નહીં પરંતુ નેપાળમાં થયો હોવાનું હાસ્યાસ્પદ નિવેદન કરનારા નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ નેપાળમાં જ ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો છે. નેપાળના માડીમાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવાની દિશામાં તેઓ આગળ વધી રહ્યાં છે. એટલું જ નહીં તેમણે માડીનું નામ બદલીને અયોધ્યા રાખવા માટે પણ નગરનિગમને ભલામણ કરી છે. વડાપ્રધાન ઓલી પોતોના જ પક્ષમાં રાજીનામાના દબાણનો સામનો કરી રહ્યાં છે. ત્યારે પોતાની ખુરશી બચાવવા માટે હવે તેમણે ભગવાન શ્રી રામના નામનો સહારો લીધો હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળના વડાપ્રધાન ઓલીએ નેપાળના માડીને ભગવાન શ્રી રામનું અસલ જન્મસ્થાન હોવાનું ફરી એકવાર જણાવીને ત્યાં ભગવાન શ્રી રામજીનું મંદિરના નિર્માણની યોજના બનાવી છે. તેમણે માડીના આગેવાનો અને સત્તાપક્ષ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઓલીએ ભગવાન શ્રી રામજીનો જન્મ માડીમાં જ થયો હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં અહીં ભવ્ય મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં તેમણે માડીનું નામ બદલીને અયોધ્યા રાખવા પણ ભલામણ કરી હતી.

વડાપ્રધાન ઓલીએ માડીમાં હાજર ઐતિહાસિક પુરાવાનું સંરક્ષણ કરવા સ્થાનિકોને અપીલ કરી હતી. તેમજ વધુ પુરાવા એકઠાં કરવા અયોધ્યાપુરીમાં ખોદકામ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. એટલું જ નહીં આ અયોધ્યાપુરીને ઐતિહાસિક અને ધાર્મિક ક્ષેત્ર તરીકે વિકસિત કરવા જમીન પણ ફાળવાની તૈયારીઓ દર્શાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલીએ અગાઉ ભગવાન શ્રી રામજીનો જન્મ ભારતમાં પણ નેપાળમાં થયો હોવાનો દાવો કર્યો હતો. જેથી ભારતીયોની સાથે નેપાળના લોકોમાં પણ તેમનામાં રોષ ફેલાયો હતો. ત્યારે હવે માડીમાં ઐતિહાસિક પુરાવાનું સંરક્ષણ કરવા અને ખોદકામ કરીને અયોધ્યાના પુરાવા એકત્ર કરવાના નિર્દેશ કરીને પોતોના દાવાને સાચો સાબિત કરવા તથા વડાપ્રધાન પદની ખુરશી બચાવવા માટે હવાતિયા મારી રહ્યાં છે.