અમદાવાદમાં 5 હજારથી વધારે આવાસોને રી-ડેવલોપ કરાશે
અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારમાં વર્ષો જૂના આવાસો આવેલા છે. જેના કારણે અનેક વાર જર્જીરત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન હવે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટ હેઠળ લગભગ 5311 આવાસ બનાવવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જર્જરીત મકાનોને નવા બનાવવા માટે રાજ્ય સરકારે વર્ષ 2016 માં રીવડેવલપીંગ ઓફ પબ્લીક હાઉસીંગ પોલીસી અમલમાં મૂકી હતી. દરમિયાન 2018માં શહેરના ઓઢવ વિસ્તારમાં એક આવાસ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેથી શહેરમાં રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટને વધારે વેગવંતો બનાવવામાં આવ્યો હતો. તેમજ મનપાએ 28 સ્થળો પર સર્વે હાથ ધરી વધુ જર્જરીત હોય અને તેના 60 ટકા રહેવાસીઓની સહમતી મળી હોય એવા 10 સ્થળો પર નવા આવાસો બનાવવાનું નક્કી કર્યુ હતું. જેમાં શહેરના બાપુનગર, સુખરામનગર, ખોખરા, ગોમતીપુર, જમાલપુર, અમરાઇવાડી, સહીતના વિસ્તારોમાં આવેલા આવાસોનો સમાવેશ થાય છે. દરમિયાન રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારની મંજૂરી મળતા એએમસીના 28 પૈકી 12 સ્થળોના 5311 આવાસોને નવા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.