રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : પોઝિટિવ કેસનો આંકડો 46500ને પાર
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડ બ્રેક 949 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ પોઝિટિવ કેસનો આંકડો વધીને 46564 થયો છે. રાજ્યમાં સૌથી વધારે સુરતમાં 234 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે અમદાવાદમાં 184 કેસ સામે આવ્યાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 770 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપીને 32944 દર્દીઓ સાજા થયાં છે.
રાજ્યમાં 24 કલાકમાં 949 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. વડોદરામાં 77, રાજકોટમાં 58, ભરૂચમાં 47, ભાવનગરમાં 44, જૂનાગઢમાં 33, ગાંધીનગરમાં 32, નવસારીમાં 30, ખેડા, મહેસાણામાં 21-21, વલસાડમાં 17, જામનગરમાં 16, કચ્છ અને પાટણમાં 15-15, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં 13-13, સાબરકાંઠામાં 12, બનાસકાંઠામાં 11, પંચમહાલમાં 10, આણંદમાં 8 કેસ સામે આવ્યાં છે. આમ હવે રાજ્યના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો ચેપ ફેલાઈ રહ્યો છે.
રાજ્યમાં કોરોના મહામારીને કારણે 24 કલાકમાં 17 દર્દીઓના મોત થયાં હતા. જ્યારે 770 દર્દીઓ સાજા થયાં હતા. સુરતમાં 349, અમદાવાદમાં 165, વડોદરામાં 87, જૂનાગઢમાં 62, ભરૂચમાં 20, નવસારીમાં 18 સહિત કુલ 770 દર્દી સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. રાજ્યમાં કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 2100થી વધારે લોકોના મોત થયાં છે. રાજ્યમાં હાલ 11464 એક્ટિવ દર્દી છે. જે પૈકી 71 દર્દીઓને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં હાલ 3.74 લાખ લોકો ક્વોરન્ટાઈન છે.