બલૂચિસ્તાનમાં અત્યાચાર મામલે જર્મનીમાં પાકિસ્તાન સામે દેખાવો, પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધની માગણી
બલૂચિસ્તાનની આઝાદીને લઈને ફરી એકવાર વિરોધ પ્રદર્શનોનો ઘટનાક્રમ શરૂ થઈ ગયો છે. જર્મનીના હનોવરમાં ફ્રી બલૂચિસ્તાન મૂવમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ મૂવમેન્ટનું આયોજન પાકિસ્તાન તરફથી બલૂચિસ્તાનમાં 28 મે, 1998ના રોજ કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોની વર્ષગાંઠ પર કરવામાં આવ્યું હતું.
તે વખતે ફ્રી બલૂચિસ્તાન મૂવમેન્ટે પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર પ્રતિબંધ લગાવવા અને બલૂચિસ્તાનમાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોની તપાસની માગણી કરી છે. મૂવમેન્ટના એક કાર્યકર્તા મુમતાઝ બલૂચે કહ્યુ છે કે પાકિસ્તાને 27 માર્ચ-1948ના રોજ બલૂચિસ્તાન પર કબોજ કર્યો અને ત્યારથી બલૂચો અત્યાચાર સહન કરી રહ્યા છે. બલૂચ લોકોને પાકિસ્તાન મારી રહ્યું છે અને બલૂચો સાથે પાકિસ્તાન નરસંહાર કરી રહ્યું છે.
પાકિસ્તાને મંગળવારે પોતાના પરમાણુ પરીક્ષણની 21મી જયંતી મનાવી હતી. તે વખતે જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યુ હતુ કે દેશને પરમાણુ શક્તિ સંપન્ન બનાવવાના તેમને નિર્ણયે તેની સુરક્ષાને અપરાજેય બનાવી દીધી. પાકિસ્તાને 28મી મે, 1998ના રોજ શરીફના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં બલૂચિસ્તાન પ્રાંતના ચાગીમા પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. તે દિવસને પાકિસ્તાનમાં યૌમ-એ-તકબીર તરીકે મનાવવામાં આવે છે.
ભારતે 11 મે, 1998ના રોજ પોખરણમાં સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યા હતા. તેના કેટલાક દિવસો બાદ પાકિસ્તાને પણ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનું કહેવું છે કે 28મી મે પાકિસ્તાનના ઈતિહાસમાં ક્યારેય ભૂલાય નહીં તેવી અમીટ તારીખ છે. આ દિવસે પાકિસ્તાનની સુરક્ષાને અજેય બનાવવામાં આવી, જ્યારે દુનિયાના નક્શા પર પાકિસ્તાન એક પરમાણુ શક્તિ તરીકે ઉભર્યું હતું.