ગુજરાત બન્યું કૃષ્ણમય, શામળાજી મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આજે જન્માષ્ટમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં દ્રારકા સહિતના મોટાભાગના મંદિરોએ ભક્તો માટે દર્શન બંધ રાખ્યાં છે. જો કે, આ મંદિરોમાં પણ ભગવાનને સુંદર શણગાર સજાવવામાં આવ્યાં હતા. ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ શામળાજી મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવ્યું છે. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. બીજી તરફ મંદિર દ્વારા સરકારની કોરોનાની લાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં દર વર્ષે જન્માષ્ટમી પર્વ પર તમામ કૃષ્ણ મંદિર, હવેલી, ઇસ્કોન મંદિર, જગન્નાથ મંદિર, ભાડજ ઇસ્કોન મંદિર સહીતનાં મોટા ભાગનાં મંદિરોમાં ભારે ભીડ રહેતી હોય છે. જો કે આ વર્ષે કોરોના મહામારીના કારણે તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બંધ રાખવામાં આવી છે. મોટાભાગના મંદિરોમાં રાત્રે મંદિરના પુજારીઓ ભગવાનનાં જન્મોત્સવની ઉજવણી કરશે. કોઇ પણ ભક્તોને મંદિરોમાં પ્રવેશ નહી મળે. જો કે, ભક્તોના દર્શન માટે અનેક મંદિરો દ્વારા ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે.
સાબરકાંઠાના સુપ્રસદ્ધિ શામળાજી મંદિર જન્માષ્ટમી પર્વ પર ભક્તોના દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવ્યું હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. બીજી તરફ તંત્ર સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું ચુસ્ત પણે અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ મંદિર ઉપર પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.