1. Home
  2. revoinews
  3. કર્ણાટકમાં ફરી એકવાર રાજકીય ઉથલ-પાથલ, કુમારસ્વામીની સરકાર સામે ખતરો
કર્ણાટકમાં ફરી એકવાર રાજકીય ઉથલ-પાથલ, કુમારસ્વામીની સરકાર સામે ખતરો

કર્ણાટકમાં ફરી એકવાર રાજકીય ઉથલ-પાથલ, કુમારસ્વામીની સરકાર સામે ખતરો

0
Social Share

કર્ણાટકની રાજનીતિમાં ફરી એકવાર ઉથલ-પાથલની સ્થિતિ જોવા મળી રહી છે. મંગળવારે મોડી રાત્રે બે ધારાસભ્યો દ્વારા કર્ણાટકની સરકારને આપવામાં આવેલું સમર્થન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. તો ભાજપનું કહેવું છે કે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર બે દિવસમાં પડી જશે. મહત્વપૂર્ણ છે કે બે ધારાસભ્યોમાં એક અપક્ષ ધારાસભ્ય એચ. નાગેશ અને કેપીજેપીના ધારાસભ્ય આર. શંકરનો સમાવેશ થાય છે. તેમણે કર્ણાટકના રાજ્યપાલ વજૂભાઈ વાળાને પત્ર લખીને પોતાની સમર્થન વાપસીની વાત જણાવી છે. આ ધારાસભ્યો દ્વારા રાજ્યપાલને મોકલવામાં આવેલી ચિઠ્ઠી બાદ કર્ણાટકના રાજકીય ગરમાગરમી વધી ગઈ છે.

જો કે સાત માસ જૂની સરકારની ખુરશીના પાયા હચમચવાની ખબરો વચ્ચે પણ કુમારસ્વામીની આગેવાનીવાળી કર્ણાટકની સરકાર ચિંતામુક્ત છે, કારણ કે આ બંને ધારાસભ્યોના કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારમાંથી બહાર ગયા બાદ પણ કર્ણાટક સરકારને કોઈ ખતરો નથી. કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ કહ્યુ છે કે તેમની સરકાર સ્થિર છે અને તેઓ સંપૂર્ણપણે નિશ્ચિંત છે. તેમણે કહ્યુ છે કે તેમને પોતાની શક્તિનો અંદાજ છે. કર્ણાટક સરકાર સ્થિર છે. બે ધારાસભ્યોના સમર્થન વાપસીના એલાનથી શું થશે? રાજકીય અટકળબાજીઓ અને નિવેદનબાજી વચ્ચે મંગળવારે કોંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલે મંગળવારે સિદ્ધારમૈયા, નાયબ મુખ્યપ્રધાન જી. પરમેશ્વર, ડી. કે. શિવકુમાર અને અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે બેઠક પણ કરી હતી. બાદમાં જેડીએસના અધ્યક્ષ એચ. ડી. દેવેગૌડાએ ભાજપ પર કર્ણાટક સરકારમાં સામેલ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસે 18 જાન્યુઆરીએ બેંગાલુરુ ખાતે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. શુક્રવારે 3-30 વાગ્યે યોજાનારી આ બેઠક બાદ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોની ગણતરી કરશે કે કેટલા ધારાસભ્યો તેમની સાથે છે.

બુધવારે સવારે કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ કહ્યુ છે કે કોંગ્રેસના ધારાસભ્ય (મુંબઈમાં હોટલમાં રહેલા કોંગ્રેસના ધારાસભ્ય) પહોંચથી દૂર છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસના ધારાસભ્ય મીડિયાની પહોંચથી દૂર છે, પરંતુ તેમની પહોંચથી નહીં. તેઓ તમામના સંપર્કમાં છે અને તમાની સાથે વાત કરી રહ્યા છે. તમામ ધારાસભ્યો પાછા આવી જશે. કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસના ગઠબંધનને કોઈ ખતરો નથી.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે આઈટીસી હોટલની ચારે તરફ બેરિકેડિં કર્યું છે અને બાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ બેરિકેડિંગની સામે જ બેસી ગયા છે. રાજકીય ધમાસાણ વચ્ચે ગુરુગ્રામની આઈટીસી હોટલમાં ભાજપના 104 ધારાસભ્યો રોકાયા છે. આ હોટલની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા છે. કર્ણાટક ભાજપના પ્રદેશ પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યુ છે કે રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર આંતરીક કલહને કારણે પોતાની મેળે જ ગબડી પડશે. મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન રામ શિંદેએ કહ્યુ છે કે કર્ણાટકમાં ગઠબંધનની સરકાર બે દિવસમાં ગબડી પડશે. તેમણે કહ્યુ છે કે લોકોના જનાદેશની અવગણના કરી શકાય નહીં. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ મત મળ્યા હતા. પરંતુ કોંગ્રેસની રાજનીતિએ તેમને સત્તાથી દૂર કર્યા હતા. આવા રાજકીય તિકડમ કામ કરતા નથી. તો લોકસભામાં ભાજપના સાંસદ પ્રતાપ સિંહે કહ્યુ છે કે યેદિયુરપ્પાને આગામી મુખ્યપ્રધાન તરીકે જોવાની તેમની ઈચ્છા છે. 104 બેઠકો જીત્યા બાદ તેઓ ખામોશ કેવી રીતે બેસી શકે છે.

જો કે કોંગ્રેસ-જેડીએસ દ્વારા હોર્સ ટ્રેડિંગની આશંકાને જોતા ભાજપે પોતાના 104 ધારાસભ્યોને હરિયાણાના એક રિસોર્ટમાં રાખ્યા છે. જણાવવામાં આવે છે કે આ ધારાસભ્યોની સાથે કર્ણાટક ભાજપના પ્રદેશ પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પા, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જગદીશ શેટ્ટાર અને શોભા કરંદલાજે પણ સામેલ છે. જાણકારી મુજબ, સરકાર પાસેથી ટેકો પાછો ખેંચનારા બંને ધારાસભ્યો કર્ણાટકની સરકારના કેબિનેટમાં સ્થાન નહીં મળવાને કારણે નારાજ હતા.

કોંગ્રેસના મહાસચિવ અને કર્ણાટકમાં પાર્ટીના પ્રભારી કે. સી. વેણુગોપાલે રાજ્યના ગઠબંધનના સહયોગીઓની વચ્ચે તણાવપૂર્ણ સંબંધોની અટકળબાજીને નામંજૂર કરી છે. તેમણે કહ્યુ છે કે તેમની સરકાર કોઈપણ સંજોગોમાં ચાલશે. તેમની સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે. કંઈ જ થવાનુ નથી. તેમના ધારાસભ્યો મજબૂત અને એકજૂટ છે. ભાજપને અહીં આકરો જવાબ મળશે. વેણુગોપાલે કહ્યુ છે કે તેઓ બિલકુલ એકજૂટ છે. ટૂંક સમયમાં ભાજપના અનૈતિક કામનો ભંડાફોડ થશે. કોંગ્રેસે કહ્યું છે કે ભાજપની ડર્ટી ટ્રિક્સથી સરકાર બનત, તો વિધાનસભા ચૂંટણીની જરૂરત જ ન હતી.

કર્ણાટકની 22 ધારાસભ્યોવાળી વિધાનસભામાં ભાજપના 10, કોંગ્રેસના 79 અને જેડીએસના 37 ધારાસભ્યો છે. જ્યારે કેપીજેપી, બીએસપી અને અપક્ષના એક-એક ધારાસભ્ય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code