- મમતા સરકારનો મોટો નિર્ણય
- રાજ્યમાં ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાયું લોકડાઉન
- મેટ્રો રેલ સેવાનું સંચાલન 8 સપ્ટેમ્બરથી થશે શરૂ
- 20 સપ્ટેમ્બર પહેલાં રાજ્યની સ્થિતિની સમીક્ષા કરાશે
અમદાવાદ: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારી દીધું છે. સોમવારે રાજ્ય સરકારે કહ્યું છે કે મેટ્રો રેલ સર્વિસનું સંચાલન 8 સપ્ટેમ્બરથી ક્રમશઃ રીતે ફરીથી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી જારી કરેલા હુકમ મુજબ પશ્ચિમ બંગાળમાં સ્કૂલ – કોલેજો શરૂ કરવા પરનો પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સભા અને મંડળી, સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, એમ્યુઝમેન્ટ પાર્ક અને થિયેટરો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.
21 સપ્ટેમ્બરથી સ્થાનિક અધિકારીઓની મંજૂરી બાદ ઓપન-એર થિયેટરો ખોલવામાં આવશે. 8 સપ્ટેમ્બરથી ક્રમશઃ રીતે મેટ્રો રેલનું સંચાલન શરૂ કરવામાં આવશે. આ સિવાય અનલોક-3માં જે પ્રવૃત્તિઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી તે અનલોક-4 દરમિયાન પણ લાગુ રહેશે. જો કે, સંપૂર્ણ લોકડાઉન 7 સપ્ટેમ્બર, 11 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરના રોજ લાગુ રહેશે. આ દિવસોમાં સરકારી કચેરીઓ અને વ્યાપારી મથકો બંધ રહેશે. આ ઉપરાંત, ટ્રેનોની અવરજવર અને વિમાન મુસાફરી પર રોક લગાવવામાં આવશે.
સ્વાસ્થ્ય સેવાઓ, દવાની દુકાન અને ફાર્મસી, કોર્ટ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, વીજળી, પાણી અને સંરક્ષણ સેવાઓ, કૃષિ સંચાલન અને ચાના વાવેતરની કામગીરી, ઇ-કોમર્સ, રાંધેલા ખોરાકની હોમ ડીલીવરી સહિતની સેવાઓ સંપૂર્ણ લોકડાઉન દરમિયાન પણ બંધ રાખવામાં આવશે નહીં.
આ સાથે જ કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર આવતા રાજ્ય સરકારે ઓપન એર થિયેટર ખોલવાની મંજૂરી આપી છે. જો કે, તેના માટે પ્રશાસનની મંજૂરી લેવાની રહેશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગત સપ્તાહે રાજ્ય સરકારની મળેલી કેબિનેટની બેઠકમાં સપ્ટેમ્બરમાં ત્રણ દિવસમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો હતો. બેઠકમાં એવુ નક્કી થયુ હતું કે, રાજ્ય સરકાર 20 સપ્ટેમ્બર બાદ સ્થિતીની સમીક્ષા કરીને બાદમાં નિર્ણય લેશે.
_Devanshi