
ઉત્તરાખંડ સરકારને હાઈકોર્ટમાંથી મોટો આંચકો, પંચાયત ચૂંટણી લડવા સાથે જોડાયેલા કાયદા પર લગાવી રોક
- ઉત્તરાખંડ સરકારના બે બાળકોને લઈને આવેલા સંશોધન એક્ટનો મામલો
- સંશોધન એક્ટમાં 25 જુલાઈ, 2019ને માનવામાં આવી હતી કટ ઓફ ડેટ
- ઉત્તરાખંડ હાઈકોર્ટમાંથી ઉત્તરાખંડ સરકારને લાગ્યો આંચકો, કાયદા પર રોક

દહેરાદૂન: ઉત્તરાખંડ સરકારને હાઈકોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. હાઈકોર્ટે પંચાયત ચૂંટણીમાં બે બાળકોને લઈને લાવવામાં આવેલા સંશોધન એક્ટમાં 25 જુલાઈ-2019ને કટ ઓફ ડેટ માની છે. તેના પછી હવે બે બાળકોથી વધારે સંતાન ધરાવતા ઉમેદવાર હાલ આ વખતે પંચાયતની ચૂંટણી લડી શકે છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ જોતસિંહ બિષ્ટે આ એક્ટની વિરુદ્ધ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. 25 જુલાઈ- 2019ના રોજ રાજ્યપાલે સંશોધન એક્ટમાં હસ્તાક્ષર કર્યા હતા. તેના પછી સરકારનો આ નિર્ણય રાજ્યમાં લાગુ થયો હતો.
કોંગ્રેસના નેતા જોતસિંહ બિષ્ટનું કહેવું છે કે આજે હાઈકોર્ટના આદેશ બાદ કાળો કાયદો સમાપ્ત થઈ ગયો છે. આ સરકારની મોટી હાર છે, કારણ કે ઉતાવળમાં જે પ્રકારનો એક્ટ લાવવામાં આવ્યો, તેને પહેલા દિવસથી જ ગેરકાયદેસર માનવામાં આવી રહ્યો હતો. તો ભાજપનું મામલા સંદર્ભે કહેવું છે કે હાલ હાઈકોર્ટનો આદેશ આવ્યા બાદ કાયદાકીય સલાહ લેવામાં આવશે અને સરકાર યોગ્ય નિર્ણય લેશે.
બીજી તરફ પંચાયતની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોની પસંદગીને લઈને બેઠક થઈ રહી છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહરાવત, ભાજપના પ્રદેશ પ્રમુખ અજય ભટ્ટ સહીત સંગઠનના તમામ પદાધિકારીઓ હાજર છે. પંચાયતની ચૂંટણીને લઈને ભાજપે પ્રભારી નિયુક્ત કર્યા હતા. તમામ જિલ્લા પ્રભારી ઉમેદવારોની પસંદગીને લઈને પોતાનો વિગતવાર અહેવાલ પણ આ બેઠકમાં રજૂ કરશે. તેના પછી આશા કરવામાં આવે છે કે કદાચ આજે સાંજ સુધી કેટલાક ઉમેદવારોની પસંદગી થઈ જશે.