1. Home
  2. revoinews
  3. અલકાયદાના ટેકેદાર તાલિબાન સાથે અમેરિકાના શાંતિ કરારથી “ગ્લોબલ જેહાદી ટેરર” વકરશે
અલકાયદાના ટેકેદાર તાલિબાન સાથે અમેરિકાના શાંતિ કરારથી “ગ્લોબલ જેહાદી ટેરર” વકરશે

અલકાયદાના ટેકેદાર તાલિબાન સાથે અમેરિકાના શાંતિ કરારથી “ગ્લોબલ જેહાદી ટેરર” વકરશે

0
Social Share

યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનો તાજેતરનો રિપોર્ટ જણાવી રહ્યો છે કે વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદી જૂથ અલકાયદાએ અફઘાનિસ્તાનમાં સ્થાનિક ઈસ્લામિક આતંકવાદી જૂથો તાલિબાન-હક્કાની નેટવર્ક અને લશ્કરે તૈયબા સાથે ઘનિષ્ઠ સહયોગની સ્થિતિ જાળવી રાખી છે. હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું ખતરનાક અને મજબૂત જૂથ છે. રિપોર્ટ પ્રમાણે, હક્કાની નેટવર્ક અલકાયદાની સાથે કામ કરી રહ્યું છે અને અલકાયદા પોતાને તાજિકિસ્તાન નજીકના અફઘાનિસ્તાની પ્રાંતમાં મજબૂત કરવાની ફિરાકમાં છે.

આ પરિસ્થિતિ અમેરિકા માટે ઘણી ચેતવણી ઉચ્ચારી જાય છે. અમેરિકા પાકિસ્તાનની મધ્યસ્થીથી તાલિબાનો સાથે વાટાઘાટો કરવાનું છે. નજીકના ભવિષ્યમાં યોજાનારી વાટાઘાટોમાં તાલિબાનને અમેરિકા સાથે શાંતિ કરાર થઈ જવાની આશા છે. અમેરિકા પણ અફઘાનિસ્તાનમાંથી જેમ બને તેમ જલ્દી ઓછામાં ઓછું રાષ્ટ્રપ્રમુખ પદની આગામી ચૂંટણી પહેલા ત્યાંથી નીકળવા માગે છે. જેથી આ મામલો ત્યાંની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ઉઠાવી શકાય.

હક્કાની નેટવર્ક પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે ઘણાં ઘનિષ્ઠ સંબંધો ધરાવતું હોવાની વાત કોઈનાથી છૂપી નથી. જો અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર થઈ જાય, તો તેનો સીધો અર્થ છે કે આ વિસ્તાર પાકિસ્તાની સેના અને આઈએસઆઈને સોંપી દેવામાં આવ્યો છે. શાંતિ કરાર થવાનો તો તાલિબાનો સાથે છે, પરંતુ તાલિબાનોના આતંકી જૂથો પાકિસ્તાની સેના અને આઈએસઆઈ દ્વારા સમર્થન અને પ્રોત્સાહન મેળવી રહ્યા છે. તેથી આવા શાંતિ કરારોનો સીધો ફાયદો પાકિસ્તાની સેના અને આઈએસઆઈને થવાનો છે. જો કે પાકિસ્તાનીઓને આનો ફાયદો થવાનો નથી, કારણ કે પાકિસ્તાનીઓના ભાગે આતંકનું વિસ્તરતું સામ્રાજ્ય જ આવવાનું છે. આ આતંકી સામ્રાજ્ય કદાચ પાડોશી દેશો માટે શરૂઆતમાં ખતરો બની શકે છે. કાશ્મીરમાં આવી સ્થિતિમાં આતંકવાદનું પ્રમાણ અને તીવ્રતા વધવાની ભીતિ ઉભી થઈ શકે છે. પરંતુ આખરે જ્યારે આતંકના સામ્રાજ્ય સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે તેની અસર કોલેટરલ ડેમેજના ભાગરૂપે પાકિસ્તાનીઓને ભોગવવી પડશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની પીડા હજી ભૂલાયેલી નથી. 1996માં તાલિબાનોએ પાકિસ્તાની સેના અને આઈએસઆઈની મદદથી અફઘાનિસ્તાનની સત્તા કબજે કરી હતી. ત્યારે તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં કટ્ટરવાદી ઈસ્લામિક કાયદા લાગુ કરીને અફઘાન નાગરિકોના હત્યાકાંડો કર્યા હતા. જેમાં હજારો લોકો માર્યા ગયા અને તેનાથી પણ વધારે લોકો વિસ્થાપિત બન્યા હતા. તાલિબાનોના શાસનમાં અફઘાનિસ્તાનની ગુફાઓ અને પર્વતીય વિસ્તારોમાં અલકાયદાને સુરક્ષિત આશ્રયસ્થાન પ્રાપ્ત થયું હતું. તેનું પરિણામ 9/11ના ડબલ્યૂટીઓ પરના ભીષણ આતંકી હુમલાના ષડયંત્ર તરીકે વિશ્વએ જોયું છે. અફઘાનિસ્તાનમાં મજબૂત બનેલા અને સુરક્ષિત આશ્રયસ્થાન ધરાવતા અલકાયદાએ આતંકી હુમલાને અજામ આપવા માટે એક આત્મઘાતી ટુકડી તૈયાર કરી હતી.

તાલિબાનો સાથે પાકિસ્તાનની મધ્યસ્થીથી થનારા કોઈપણ શાંતિ કરાર અમેરિકા દ્વારા તેણે ઘણી હદે ધ્વસ્ત કરેલા ગ્લોબલ જેહાદી નેટવર્કને ફરીથી બેઠું કરવાની તક આપતા બનવાના છે. આનું પરિણામ અમેરિકા, યુરોપ, ઈઝરાયલ કે અફઘાનિસ્તાનના પાડોશી દેશોમાંથી કોઈપણ ઠેકાણે ભીષણ આતંકી હુમલા સ્વરૂપે સામે આવે તેવી શક્યતાનો વિચાર કરવો જરૂરી છે. આવા સંજોગોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન સંદર્ભે કોઈપણ ઉતાવળિયો નિર્ણય કરતા પહેલા તમામ વિકલ્પો અને સંભાવનાઓ પર વિચાર કરવો જરૂરી છે. માત્ર અમેરિકાનું હિત, અથવા માત્ર પોતાનું હિત હાલપૂરતું કદાચ આવી ડીલથી સાધી શકાય. પરંતુ વિશ્વ શાંતિ ડહોળાશે, તો તેમા અમેરિકાના હિત સુરક્ષિત રહી શકશે નહીં. ત્યારે તાલિબાનો સામેનો કોઈપણ શાંતિ કરાર વિશ્વ માટે અશાંતિનું કારણ બને નહીં તેના પર પણ વિચારણા થવી જરૂરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code