જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં કેન્દ્ર સરકારના સચિવ સામેલ થશે અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ કરશે.
ગૃહ મંત્રાલયના સૂત્રો પ્રમાણે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય 27 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર એક ઉચ્ચસ્તરીય બેઠક આયોજીત કરશે. આ બેઠકમાં ભારત સરકારના સચિવ ભાગ લેશે. તેની સાથે જ આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ કરશે. સૂત્રો પ્રમાણે બેઠકમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ પર ચર્ચા થશે, તેમા અધિક સચિવ (જમ્મુ-કાશ્મીર) પણ સામેલ થશે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવી દીધી હતી. તેની સાથે જ જમ્મુ-કાશ્મીરનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીરને જમ્મુ-કાશ્મીર અને લડાખ તરીકે બે નવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું હતું.
તો જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન ખળભળી ઉઠયું છે. જો કે ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટપણે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા બંધારણના અનુચ્છેદ-370ને સમાપ્ત કરવો એક આંતરીક મામલો હતો અને તેની સાથે જ પાકિસ્તાનને વાસ્તવિકતા સ્વીકાર કરવાની પણ સલાહ આપી છે.