મોદી સરકારની તાજપોશીના બીજા દિવસે શ્રમ મંત્રાલયે શુક્રવારે બેરોજગારીના આંકડા જાહેર કર્યા છે. સરકારે કહ્યું છે કે 2017-18માં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો, જે 45 વર્ષમાં સૌથી વધારે છે.
જો કે સરકારે એ પણ ક્હ્યું છે કે આ આંકડાના સંદર્ભે પદ્ધતિમાં પરિવર્તનને કારણે તેની સરખામણી જૂના આંકડા સાથે કરી શકાય નહી.
આંકડા પ્રમાણે, મહિલાઓની સરખામણીએ પુરુષોમાં બેરોજગારી સૌથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે પુરુષોની બેરોજગારીનો દર 6.2 ટકા અને મહિલાઓની બેરોજગારીનો દર 5.7 ટકા છે.
લોકો રોજગારની શોધમાં ગામડાંઓમાંથી શહેરોમાં પલાયન કરે છે. પરંતુ તાજેતરના આંકડા દર્શાવે છે કે શહેરોમાં બેરોજગારીનો દર ગામડાથી વધારે છે. 7.8 ટકા શહેરી યુવા બેરોજગાર છે. તો ગામડાંમાં આ આંકડો 5.3 ટકા છે.
લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષ લીક રિપોર્ટના આધારે સતત સરકાર પર આક્રમક આક્ષેપબાજી કરતું હતું. હવે આંકડા જ્યારે જાહેર થયા છે, ત્યારે વિપક્ષના દાવાઓમાં દમ પણ દેખાઈ રહ્યો છે. જો કે મામલો ટેક્નિકલ છે, પદ્ધતિમાં ફેરફારની વાત કરીને સરકારે તેને જૂના આંકડા સાથે સરખામણી કરી શકાય નહીં તેમ પણ કહ્યું છે.