નવી દિલ્હી: મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક સમાપ્ત થઈ છે. પહેલી બેઠકમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. પીએમ કિસાન યોજનાનો લાભ હવે તમામ ખેડૂતોને મળશે. કેન્દ્ર સરકાર છ હજાર રૂપિયા તમામ ખેડૂતોને આપશે.
આ યોજના હેઠળ પંદર કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે. પહેલા આ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ નાના ખેડૂતો કે જેમની પાસે પાંચ એક જમીન અથવા તેનાથી ઓછી જમીન છે, તેમને આનો લાભ મળી રહ્યો હતો.
આ પગલાને મોદી સરકારના મોટા પગલા તરીકે જોવામાં આવે છે અને આજે પશુપાલન, દુગ્ધ અને મત્સ્યપાલન પ્રધાન ગિરિરાજ સિંહે પણ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે મોદી સરકાર ખેડૂતોની આવક બેગણી કરવાની યોજના પર કામ કરી રહી છે.
આ પહેલા મોદી સરકાર-2ની પહેલી કેબિનેટ મીટિંગ પહેલા નિર્ણય કરવામાં આવ્યો હતો કે નેશનલ ડિફેન્સ ફંડમાં પ્રધાનમંત્રી સ્કોલરશિપ સ્કીમની સ્કોલરશિપ વધારી દેવામાં આવી છે. તેના પ્રમાણે વિદ્યાર્થીઓને 2000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 2500 રૂપિયા કરી દીધા છે અને વિદ્યાર્થિનીઓને મળનારી સ્કોલરશિપ 2250 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ આના સંદર્ભે ટ્વિટ કર્યું છે અને લખ્યું છે કે અમારી સરકારનો પહેલો નિર્ણય તેમના માટે છે, જે રાષ્ટ્રની સુરક્ષા કરે છે. નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ પ્રધાનમંત્રી સ્કોલરશિપ સ્કીમમાં મોટા પરિવર્તનને મંજૂરી આપી દીધી છે. તેના પ્રમાણે પોલીસકર્મીઓ અને આતંકવાદી હુમલા તથા નક્સલી હુમલામાં માર્યા ગયેલા આશ્રિતો માટે નિર્ણય કરવામાં આવ્યો છે.