કોરોના સામે લખનૌની અનોખી લડાઈ, ATMની જેમ માસ્ક મશીન લગાવાયું
દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. આવા સમયગાળામાં માસ્કને ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશની નવાબીનગરી લખનૌમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં માસ્ક મશીન લગાવાયું છે. હવે શહેરના જાહેર સ્થળો ઉપર પણ આ મશીન લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મશીન મારફતે લોકો માત્ર રૂ. 5માં જ માસ્ક મેળવી શકશે. એટલું જ નહીં હાથને સેનેટાઈઝ પણ કરી શકશે.
લખનૌની જનતા મહાનગરપાલિકામાં લગાવવામાં આવેલા મશીન મારફતે અંદર રૂ. 5 નાખતા માસ્ક મેળવી શકાશે. એટલું જ નહીં મશીનને હાથ લગાવ્યાં વિના હાથને પણ સેનેટાઈઝ કરી શકાય છે. આમ મનપા તંત્ર દ્વારા પ્રજાને કોરોનાની સામે રક્ષણ આપવાની અનોખી પહેલ કરવામાં આવી છે.
લખનૌના મ્યુનિસિયલ કમિશનરના જણાવ્યાં અનુસાર, મનપા ઉપરાંત સહારનપુરના તમામ જાહેર સ્થળો ઉપર પણ માસ્ક મશીન લગાવવામાં આવશે. આ મશીનની ક્ષમતા 50 માસ્કની હશે. જેથી માસ્ક પૂર્ણ થઈ ગયાની ગણતરીની મિનિટોમાં જ નવી માસ્ક ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મશીનના વપરાશ અંગે પ્રજાને માહિતી મળી રહે તે માટે કર્મચારીને પણ તૈનાત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના મહામારીને પગલે માસ્કને ફરજિયાત બનાવવામાં આવ્યો છે. તેમજ માસ્ક નહીં પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે લખનૌ મનપાએ જરૂરીયાતમંદ લોકોને સરળતાથી ઓછી કિંમતમાં માસ્ક મળી રહે તેવી કામગીરીને ઉત્તરપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ બિરદાવી રહ્યાં છે.