નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં નદી બે કાંઠે, 2500થી વધુ લોકોનું સ્થળાંતર
અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને હાલ 9.54 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. તેમજ નર્મદાનું જળસ્તર ગોલ્ડનબ્રિજ ખાતે 32 ફૂટની સપાટી પર પહોંચી ગયું છે. આ ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકાના 35 ગામો એલર્ટ પર મૂકાયા છે. ભરૂચ જિલ્લામાં કુલ 2500 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. બીજી તરફ ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામમાં પાણી ઘૂસી ગયા હોવાનું જાણવા મળે છે.
હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ડેમની સપાટી 132.51 મીટર પર પહોંચી ગઈ છે. હાલ ઉપરવાસ માંથી 10.15 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ, ડેમના 23 દરવાજામાંથી 9.54 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી ગાંડીતૂર બની છે.
નર્મદા નદીની સપાટી વધતા ત્રણ જિલ્લાઓને અસર થઈ છે. જેથી NDRF ની એક ટીમ ચાંદોદ ખાતે સ્ટેન્ડ બાય રખાઈ છે. ચાંદોદથી કરનાળી વચ્ચેનો માર્ગ બંધ થઈ ગયો છે. જેથી ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભરૂચમાં ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાનું જળસ્તર 32 ફૂટની સપાટી પર પહોંચી ગયું છે. ભરૂચમાં નર્મદા નદીના પાણીની સપાટીમાં વધારો થતા 35 ગામો એલર્ટ કરાયાં છે. તેમજ 2500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.