ગુજરાતના આ મંદિરનું સમાજ માટે દ્રષ્ટાંતરૂપ સત્કાર્ય: ભગવાનને ધરાવેલા સફરજનોને કોવિડ-19ના દર્દીઓ-આરોગ્યકર્મીઓમાં વહેંચશે
- કાલુપુર સ્વામિનારાયણ મંદિરે સતકાર્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું
- મંદિરમાં ભોગ ધરાવેલા સફરજનોને કોવિડ-19 દર્દીઓ-આરોગ્યકર્મીઓમાં વહેંચવામાં આવશે
- અનેક મંદિરો આ રીતે સતકાર્યો કરીને સમાજ માટે બની રહ્યા છે દ્રષ્ટાંતરૂપ
અમદાવાદ: સામાન્યપણે કોઇપણ મંદિરમાં ભગવાનને પ્રસાદીરૂપે વિવિધ ફળોનો ભોગ ધરાવાતો હોય છે જેનો બાદમાં વપરાશ કરવામાં આવે છે. જો કે આ ભોગમાં ધરાવેલા ફળોને કઇ રીતે કોઇ સત્કાર્ય માટે ઉપયોગમાં લેવા તેનું એક તાજેતરનું દ્રષ્ટાંત સૌ કોઇ માટે પ્રેરણાદાયી બની શકે છે.
વાત એમ છે કે લોકડાઉન બાદ 6 મહિના બાદ અમદાવાદના કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરને દર્શનાર્થીઓ માટે ફરીવાર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આજે મંદિર ખુલ્યા બાદ પ્રથમ દિવસે જ ભગવાન સ્વામિનારાયણને 3000 સફરજનનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
Gujarat: Around 3000 kgs of apple put at display at Shree Swaminarayan Mandir in Ahmedabad; the temple has been re-opened for devotees from today.
A priest says, "After puja, the apples will be distributed among #COVID19 patients and healthcare staff." pic.twitter.com/6QmhkNLjsl
— ANI (@ANI) October 13, 2020
જો કે અહીંયા દ્રષ્ટાંતરૂપ વાત એમ છે કે ભગવાનને અર્પણ કરાયેલા આ સફરજનો કોરોના સંક્રમિત દર્દીઓ અને આરોગ્ય કર્મીઓમાં વહેંચવામાં આવશે. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે પૂજા કર્યા પછી ભોગ ધરાવવામાં આવેલા સફરજનોને કોવિડ-19 પોઝિટિવ દર્દીઓ અને આરોગ્યકર્મીઓ વચ્ચે વહેંચવામાં આવશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50,979 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1169 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,52,765 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 87.55 ટકા થયો છે.
નોંધનીય છે કે, કોવિડ-19 મહામારી દરમિયાન અનેક સંસ્થાઓ, લોકો, સ્વયંસેવકોએ જરૂરિયાતમંદો સુધી અનેક સેવાઓ પહોંચાડી હતી અને સેવાકાર્યો કરીને અનેક લોકો માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે અનેક મંદિરો દ્વારા પણ દાન-ધર્માદાની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને તેમાં હવે આ પ્રકારનું સતકાર્ય ખરેખર સમાજના અનેક લોકો માટે પ્રેરણાદાયી સાબિત થશે.
(સંકેત)