1. Home
  2. revoinews
  3. સંવિધાન: ભારતીય નાગરિકતા અધિનિયમ – જોગવાઇઓ, સુધારો અને વિવાદ
સંવિધાન: ભારતીય નાગરિકતા અધિનિયમ – જોગવાઇઓ, સુધારો અને વિવાદ

સંવિધાન: ભારતીય નાગરિકતા અધિનિયમ – જોગવાઇઓ, સુધારો અને વિવાદ

0
Social Share

મિતેષ એમ. સોલંકી

નાગરિકતા મારી દ્રષ્ટીએ ભારતરત્નથી પણ વિશેષ દરજ્જો ધરાવે છે કારણ કે નાગરિકતા એટલે દેશ દ્વારા આપવામાં આવતી રાષ્ટ્રીય ઓળખ. જો કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવી લેવામાં આવે તો વ્યક્તિ દેશના નાગરિક તરીકેના કોઈપણ લાભ લઇ શકે નહીં, જેમ કે વ્યક્તિનો જન્મનો દાખલો ના બને, આધાર કાર્ડ ના બને, રેશનીંગ કાર્ડમાં નામ જોવા ના મળે, મતદારપત્ર ના બને, ચૂંટણી ના લડી શકે,  મત ના આપી શકે, સરકારી નોકરી ના મેળવી શકે વગેરે વગેરે. ટૂંકમાં જો નાગરિકતા ન હોય તો વ્યક્તિ દેશની ધરતી પર હરતા ફરતા એક જૈવિક બોજથી વિશેષ કશું નથી.

બંધારણના ભાગ-૨માં (આર્ટીકલ-૫ થી ૧૧) નાગરિકતા અંગે જોગવાઈ કરવામાં આવેલી છે પરંતુ હાલમાં નાગરિકતા મેળવવા માટે ભારતીય નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ની જોગવાઈઓનું પાલન કરવું જરૂરી છે. શું છે આ અધિનિયમ અને હાલમાં તે શા માટે ચર્ચામાં છે? ઉપરોક્ત અધિનિયમમાં ભારતીય નાગરિકતા મેળવવાના પાંચ વિકલ્પ આપવામાં આવ્યા છે – (a) જન્મ દ્વારા (b) વંશ દ્વારા (c) નોંધણી દ્વારા (d) દેશીયકરણ દ્વારા અને (e) પ્રદેશ ઉમેરવાથી.

નાગરિકતા અધિનિયમમાં સુધારો કરવા અંગેનું એક બિલ ૧૯-જૂલાઈ ૨૦૧૬ના રોજ લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું. આ બિલ ૧૨-ઓગસ્ટ-૨૦૧૬ના રોજ સંયુક્ત સંસદીય સમિતિને સોંપવામાં આવ્યું હતું. ૭-જાન્યુઆરી-૨૦૧૯ના રોજ સમિતિએ પોતાનો અહેવાલ સંસદને સોંપ્યો. સંસદીય સમિતિના અહેવાલ રજુ થયા બાદ ઉપરોક્ત બિલ લોકસભામાંથી પસાર પણ કરી દેવામાં આવ્યું. પરંતુ રાજ્યસભા દ્વારા આ બિલને પસાર ન કરવામાં આવતા બિલ રદ થઇ ગયું.

બિલ કઈ બાબતનું હતું?

સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલ અંતર્ગત ૩૧-ડિસેમ્બર-૨૦૧૪ પહેલા અફઘાનીસ્તાન. બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી બિનકાયદેસર રીતે ભારતમાં આવેલ હિંદુ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ અને ખ્રિસ્તી લોકોને (શરણાર્થી) ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી. ઉપરોક્ત જાતિના લોકો દર્શાવેલ ત્રણ દેશમાં લઘુમતી ઉત્પીડનનો શિકાર હોવાથી તેમને ભારતીય નાગરિકતા આપવી જોઈએ તેવો સરકારનો દ્રષ્ટિકોણ હતો.

શા માટે આ બિલ ચર્ચામાં છે?

બંધારણીય રીતે સમાનતાના અધિકાર અંતર્ગત ભારતના તેમજ વિદેશી નાગરિકો સાથે રાજ્ય સમાન રીતે વર્તન કરશે તેની બાહેંધરી આપવામાં આવેલી છે. ખાસ કરીને આર્ટીકલ-૧૫ સ્પષ્ટ  કરે છે કે રાજ્ય ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધાર પર વ્યક્તિ સાથે ભેદભાવ કરશે નહીં. વ્યાજબી ધ્યેયને પામવા માટે તાર્કિક અને વ્યાજબી રીતે સકારાત્મક વર્ગીકરણ કરી શકે છે પરંતુ અહીં તો વર્ગીકરણ માત્ર ધર્મના આધારે કરવામાં આવી રહ્યું છે જે ક્યાંકને ક્યાંક બંધારણની પાયાની દાર્શનિકતા – બિનસાંપ્રદાયિકતાનો ભંગ કરે છે.

આ સુધારા અંતર્ગત ઉપર દર્શાવેલ ૬ ધાર્મિક લઘુમતીને અફઘાનીસ્તાન. બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી બિનકાયદેસર રીતે આવવા છતાં ભારતીય નાગરિકતા મળશે પરંતુ મુસ્લિમ તેમજ  અન્ય જાતિ (જેમ કે યહૂદી, શિયા, અહમદીયા) અને નાસ્તિક લોકોને ભારતીય નાગરિકતા મળી શકશે નહિ.

આ બિલનો ખાસ કરીને આસામ રાજ્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યાં તાજેતરમાં NRC (National Register of Citizen)અંતર્ગત લગભગ ૪૦ લાખ લોકોને નાગરિકતા ન આપવામાં આવી. વાચક મિત્રો જાણતા જ હશે કે થોડા સમય પહેલા રોહિંગ્યા મુસ્લિમોને જરૂરી પુરાવા/દસ્તાવેજના અભાવે ભારતીય નાગરિકતા ન આપવામાં આવી. વિવાદનું મુખ્ય કારણ અહીં જોવા મળે છે કારણ કે એક તરફ NRC અંતર્ગત જરૂરી દસ્તાવેજના આધારે જ નાગરિકતા આપવાની વાત છે (ધર્મના આધારે નહીં) જયારે સરકારના પ્રસ્તાવિત બિલ અંતર્ગત માત્ર ધર્મના આધારે નાગરિકતા આપવાની વાત છે જે એકબીજા માટે વિરોધાભાસી છે.

વળી, પ્રસ્તાવિત બિલ ૩૧-ડિસેમ્બર-૨૦૧૪ પહેલા ભારતમાં શરણાર્થી તરીકે વસતા (દર્શાવેલ ૬ જાતિઓ) લોકોને નાગરિકતા આપવાને મંજૂરી આપે છે અને વર્ષ ૧૯૮૫માં થયેલ આસામ સંધિ અંતર્ગત ૨૪-માર્ચ-૧૯૭૧ પછી આસામમાં વસવાટ કરતા લોકોને ગેરકાયદેસર ઘોષિત કર્યા છે. જો કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલ પસાર થઇ જાય તો NRC માટે થયેલ સંધિનો પણ ભંગ થાય છે. આસામમાં ગેરકાયદેસર રહેતા લોકોના ૬ કેમ્પ છે જેમાં હિંદુ અને મુસ્લિમ જાતિના પણ કેમ્પ છે. જો આ સુધારો પસાર થઇ જાય તો ગેરકાયદેસર રીતે વસતા હિંદુઓને પણ નાગરિકતા મળી જાય.

ઉપરોક્ત તમામ મુદ્દાઓના અંતે જોઈએ તો આસામ (તથા અન્ય ઉત્તર-પૂર્વના રાજ્યો)માં જનસંખ્યામાં ખૂબ જ મોટો વધારો થાય પરિણામે રાજ્યને મળેલ કુદરતી સંસાધનો પર ભારણ તેમજ વપરાશ વધી જાય. તેમજ સ્થાનિક/મૂળ વતનીઓની બહારથી પ્રવેશેલા લોકો સાથે રોજગારી, આર્થિક તક અને સંસાધનોના અધિકાર બાબતે સ્પર્ધા વધી જાય.

સરકારનો પક્ષ શું છે?

સરકારના મત મુજબ ઉપર દર્શાવેલ ૬ જાતિઓ અફઘાનીસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લઘુમતીમાં આવે છે તથા ત્યાં તેમની સાથે દુર્વ્યવહાર થતો હોવાથી ભારતીય નાગરિકતા આપવા ઈચ્છે છે જેથી તેમને ન્યાય મળે. પરંતુ સરકારના પ્રસ્તાવમાં પાડોશી દેશોમાં રહેતા અહમદિયા અને શિયા સંપ્રદાય જેઓ પણ લઘુમતીમાં આવે છે ત્યાં તેમનું પણ ઉત્પીડન થઇ રહ્યું છે તેનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. તેથી સરકાર સમાનતા જે દાવો કરે છે ક્યાંક શંકાના ઘેરામાં આવી જાય છે.

આ ઉપરાંત માત્ર અફઘાનીસ્તાન. બાંગ્લાદેશ અને પાકિસ્તાન દેશોમાંથી આવેલ શરણાર્થીઓને જ કેમ નાગરિકતા આપવાની વાત કરે છે? જો સમાનતાની જ વાત હોય તો મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો પણ લઘુમતી ઉત્પીડનનો શિકાર બન્યા છે તો તેમને કેમ આ સુધારામાં સમાવવામાં નથી આવ્યા? તેથી ક્યાંકને ક્યાંક સરકાર ચોક્કસ સમુદાય/જાતિને નાગરિકતા નથી આપવા ઈચ્છતી તેવો એક ભાવ જોવા મળે છે.

અન્ય કેટલીક બાબતો પણ વિવાદમાં જોવા મળે છે જેમ કે મૂળ નાગરિકતા અધિનિયમ પ્રમાણે શરણાર્થી વ્યક્તિ ભારતમાં ૧૧ વર્ષથી રહેતો હોય તો ભારતીય નાગરિકતા મળી શકે પરંતુ નવા સુધારા અંતર્ગત સમય મર્યાદા ઘટાડીને ૬ વર્ષનો વસવાટ કરી દેવાની જોગવાઈ કરવામાં આવી છે. તેના પરિણામે બિનકાયદેસર રીતે રહેતા ઘણા મોટા વર્ગને નાગરિકતા મેળવવી સહેલી થઇ પડશે. અહીં સમય મર્યાદા ઘટાડવી તે એક માત્ર મુદ્દો જ નથી પરંતુ શરણાર્થી પાસે જો જરૂરી પુરાવા/દસ્તાવેજ નહિ હોય તો પણ તેમને ભારતીય નાગરિકતા આપવાની રજૂઆત સુધારામાં કરવામાં આવી છે.  જયારે  મૂળ કાયદામાં જો વ્યક્તિ પાસે જરૂરી દસ્તાવેજ ન હોય તેને “બિનકાયદેસર” શરણાર્થી ગણવામાં આવે છે.

ટૂંકમાં ઉપરોક્ત બિલને રાજ્યસભામાં અટકાવી દેવા પાછળના મુખ્ય તર્કમાં સમાનતાના અધિકારનો ભંગ, ધર્મ આધારિત નાગરિકતા આપીને બિનસાંપ્રદાયિકતાના પાયાના લક્ષણનો ભંગ, માત્ર   અફઘાનીસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી જ આવેલ શરણાર્થીને નાગરિકતા આપવાની જોગવાઈ અને અન્ય પાડોશી રાષ્ટ્રો જ્યાં લઘુમતી ઉત્પીડનનો શિકાર બનતા લોકોને અવગણવા (જેમ કે રોહિંગ્યા મુસ્લિમો) તેમજ NRCની શરતો/જોગવાઈઓ સાથે જોવા મળતું કાયદાકીય ઘર્ષણ વગેરે કહી શકાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code