ફાનસવાળાઓ મૉલ બનાવતા રહ્યા, ગરીબના ઘરની વીજળીની પરવા ન કરી: બિહારમાં લાલુ પર મોદીનો કટાક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે બિહારના દરભંગામાં જનસભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે મહામિલાવટી લોકો આતંકવાદને મુદ્દો નથી માનતા. આ નવું હિંદુસ્તાન આતંકીઓને તેમના અડ્ડામાં ઘૂસીને મારશે. મોદીની આ જનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદી પણ હાજર રહ્યા. દરભંગામાં ભાજપે ગોપાલજી ઠાકુરને ઉમેદવાર બનાવ્યા છે.
જનસભાને સંબોધતા મોદીએ કહ્યું, “આ નવા ભારતના લલકાર છે. યુવાનોને જાત-પાત અને પંથ સમજમાં નથી આવતા. તેઓ સશક્ત ભારત ઇચ્છે છે. યુવાનોને એનડીએ ગઠબંધન પર ભરોસો છે. મા ભારતીની સુરક્ષા અને શાંતિનું દાયિત્વ તમામ ભારતીયો મળીને નિભાવી રહ્યા છે. પરંતુ કેટલાક લોકોને ભારતમાતાની જય અને વંદે માતરમથી તકલીફ છે. તેમના જામીન જપ્ત થવા જોઇએ. તેઓ કહે છે કે મોદી ભારત અને આતંકવાદની વાત કેમ કરે છે. આતંકવાદ અને રાષ્ટ્રરક્ષા પણ એક મુદ્દો છે. આ મહામિલાવટીઓને તેની કોઈ પરવા નથી.”
વડાપ્રધાને કહ્યું, “40 વર્ષ પહેલા નેતાઓ માટે આટલી પોલીસ નહોતી લગાવવી પડતી. મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારાઓ પર પણ પોલીસ નહોતી તહેનાત કરવામાં આવતી. વિકાસનું ફંડ 40 વર્ષોથી બોમ્બ-બંદૂકો પર ખર્ચાઈ રહ્યું હતું. આતંકવાદે સૌથી વધુ નુકસાન આપણા ગરીબોનું કર્યું છે. જે તેમને મળવું જોઇતું હતું, તે હથિયારો ખરીદવામાં ખર્ચ થઈ રહ્યું હતું.”
મોદીએ કહ્યું, “આ લોકો (વિપક્ષીઓ)ના લીધે એવો માહોલ મળ્યો, જેણે દરભંગાને નુકસાન પહોંચાડ્યું. હવે ન તો કોઈ મોડ્યુલ રહેશે, ન કોઈ મિલિટન્ટ બચશે. તમે જોયું હશે કે 3 તબક્કાના મતદાન પછી પણ ગળું ફાડીને એર સ્ટ્રાઇકના પુરાવા માંગવાવાળા આજે મોદી અને હવે ઇવીએમને ગાળો આપવામાં લાગેલા છે. જમીની હકીકતથી કપાયેલા લોકો જનતાને નથી સમજી શક્યા, એટલે જનતાએ ત્રણ તબક્કામાં તેમને બરાબર રીતે સમજાવી દીધું છે. 20 અને 8 બેઠકો પર લડનારાઓ પણ વડાપ્રધાન પદની લાઈનમાં લાગેલા છે.”
“દેશની સુરક્ષા મજબૂત ઇરાદાઓની સરકાર જ કરી શકે છે. આ મહામિલાવટવાળાઓ પોતાના વચનોમાં પણ ગોટાળા કરે છે. 2004માં કોંગ્રેસે કહ્યું હતું કે 2009 સુધી દેશના દરેક ઘરમાં વીજળી પહોંચાડી દેશે, પરંતુ કોંગ્રેસ અને તેમના સાથીઓએ જનતાને દગો આપ્યો. તમે 2014માં આ ચોકીદારને જવાબદારી આપી. નીતિશજીએ બિહારના દરેક ઘરમાં વીજળી પહોંચાડી. આવી જ રીતે રાજ્યપાલ શાસન લાગુ થયા પછી કાશ્મીરના ઘર-ઘરમાં વીજળી પહોંચી ગઈ. ફાનસવાળાઓએ વીજળીની સમસ્યા પર ધ્યાન ન આપ્યું. બધા પોતાનું ઘર રોશન કરવામાં વ્યસ્ત હતા.”