અમદાવાદઃ કચ્છની સરહદ નજીકથી છેલ્લા કેટલાક સમયથી બીનવારસી હાલતમાં નશીલા દ્રવ્યોનો જથ્થો મળી આવે છે. આ પ્રકરણમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન કચ્છના હરામીનાળા નજીકથી ભારતીય સુરક્ષા જવાનોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લીધો હતો. હરામીનાળા વિસ્તારમાં કિચડ વધારે હોવાથી અહીં સુરક્ષા જવાનો પણ ભારે હાલાકી વચ્ચે પેટ્રોલીંગ કરે છે. જેનો ગેરફાયદો ઉઠાવીને પાકિસ્તાની ઘુસણખોરો હરામીનાળાનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત બીએસએફના જવાનોએ ચાર પાકિસ્તાની બોટને પણ ઝડપી લીધી હતી. જો કે, બોટમાં કોઈ નહીં મળી આવતા તેમાં સવાર પાકિસ્તાનીઓને શોધવા માટે આસપાસના વિસ્તારમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના હરામીનાળા નજીક ક્રિક બોર્ડ પર પેટ્રોલીંગ કરતા ભારતીય જવાનોએ એક પાકિસ્તાનીને ઝડપી લીધો હતો. સુરક્ષા જવાનોની પ્રાથમિક તપાસમાં આ શખ્સ પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઠઠા જિલ્લાના ઝીરો પોઈન્ટનો રહેવાસી અને માછીમાર હોવાનું ખૂલ્યું હતું. ભારતીય સુરક્ષા જવાનો દ્વારા તેની ઉંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત BSFએ 4 પાકિસ્તાની બોટને પણ પકડી લીધી હતી. જો કે, તેમાં રહેલા પાકિસ્તાની માછીમારો ભાગવામાં સફળ રહૃાાં હતા. બીએસએફએ તમામ બોટની તપાસ કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ મળી ન હોતી. BSF દ્વારા બોટમાં સવાર શખ્સોને ઝડપી લેવા માટે આસપાસના વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિક અને તેના આસપાસના વિસ્તારમાંથી ભારતીય સુરક્ષા જવાનોને કરોડની કિંમતના બીનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી રહ્યાં છે. દરમિયાન પાકિસ્તાની નાગરિક ઝડપાવાની સાથે ચાર પાકિસ્તાની બોટ મળી આવતા ભારતીય સુરક્ષા જવાનો વધારે સતર્ક બન્યાં છે.