રાજનીતિમાં કંઈપણ સ્થાયી હોતું નથી. રાજકારણમાં સમયનું ચક્ર ઘણું ઝડપથી ફરે છે અને જ્યારે ફરે છે, ત્યારે બધું જ બદલાઈ જાય છે. દેશના રાજકારણમાં ફરી એકવાર આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના કદ્દાવર નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ અને નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ હાલ ધરપકડથી બચવાની કોશિશ કરી રહ્યા છે. આઈએનએક્સ મીડિયાના મામલામાં દિલ્હી હાઈકોર્ટે તેમને આગોતરા જામીન આપવાનો ઈન્કાર ક્રયો છે અને તેઓ સુપ્રીમ કોર્ટના શરણે ગયા છે.
બીજી તરફ ઈડી અને સીબીઆઈ તેમની ધરપકડ કરવા માટે તૈયાર છે. લગભગ 10 વર્ષ પહેલા કંઈક આવો જ મામલો હાલના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે થયો હતો. જ્યારે એજન્સીઓ તેમની પાછળ પડી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને ખેલ પણ બદલાઈ ચુક્યો છે.
કોંગ્રેસ પાર્ટી સહીત અન્ય વિપક્ષ સરકાર પર એજન્સીઓના દુરુપયોગના આરોપ લગાવી રહ્યા છે. જો આ કહાનીના ફ્લેશબેકમાં જાવ અને સમયના ચક્કરને પાછું ફેરવો તો ઘણાં વર્ષો પહેલા વિપક્ષી પાર્ટી તરીકે ભાજપ પણ યુપીએ સરકાર પર આવા જ આરોપો લગાવતી હતી અને ત્યારે ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ હતા.
યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન જ્યારે પી. ચિદમ્બરમ દેશના ગૃહ પ્રધાન હતા, ત્યારે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસ ચરમ પર હતો અને આ મામલામાં અમિત શાહ પર કાર્યવાહી કરવામાં આવી હતી. 25 જુલાઈ-2010ના રોજ સીબીઆઈએ અમિત શાહની ધરપકડ પણ કરી હતી અને જેલમાં પણ બંધ કર્યા હતા.
ચિદમ્બરમ 29 નવેમ્બર- 2008થી 31 જુલાઈ-2012 સુધી દેશના ગૃહ પ્રધાન હતા. હવે સમયના પૈંડા ફર્યા છે અને અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છે અને સીબીઆઈ-ઈડી પી. ચિદમ્બરમને જેલમાં નાખવાની તૈયારી કરી રહ્યા છે.
25 જુલાઈ-2010ના રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહને સીબીઆઈએ એરેસ્ટ કર્યા, તો ત્રણ માસ સુધી તેઓ જેલના સળિયા પાછળ રહ્યા હતા. બાદમાં તેમને બે વર્ષ સુધી ગુજરાતની બહાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 29 ઓક્ટોબર-2010ના રોજ ગુજરાત હાઈકોર્ટમાંથી અમિત શાહને જામીન મળ્યા હતા. અમિત શાહની ધરપકડ બાદ ભાજપ ભડક્યું હતું અને તેમણે યુપીએ સરકાર પર બદલાની કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો.
2012 સુધી અમિત શાહ ગુજરાતની બહાર જ રહ્યા, 2012માં વિધાનસભાની ચૂંટણી પહેલા તેમને રાહત મળી અને સુપ્રીમ કોર્ટે તેમને ગુજરાત આવવાની મંજૂરી આપી હતી. જો કે સીબીઆઈની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી ગુજરાતની બહાર સ્થાનાંતરીત કરી દીધી અને મામલો મુંબઈ મોકલ્યો હતો.
બાદમાં આ મામલાની સુનાવણી મુંબઈની કોર્ટમાં જ થઈ. લાંબી સુનાવણી બાદ 2015માં સ્પેશયલ સીબીઆઈ કોર્ટે તેમને તમામ આરોપોથી મુક્ત કરી દીધા હતા.
મહત્વપૂર્ણ છે કે પી. ચિદમ્બરમ પર આઈએનએક્સ મીડિયા મામલામાં લાંચ લેવાનો આરોપ છે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે તેમના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પણ તાત્કાલિક સુનાવણીનો ઈન્કાર કર્યો હતો. આ મામલો હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ પહોંચ્યો છે. ચિદમ્બરમ આગોતરા જામીન લેવા માટે સુપ્રીમ કોર્ટની શરણમાં છે.