- વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશનનો 5મો તબક્કો થશે શરૂ
- પાંચમો તબક્કો 1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ સુધી ચાલશે
- અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, કતાર, ઓમાન સહિતના દેશોમાંથી ભારતીયોને પરત લવાશે
કોરોના વાયરસના સંક્રમણ બાદ લાગુ થયેલા લોકડાઉનને કારણે અનેક ભારતીયો વિદેશમાં ફસાઇ ગયા છે જેને પરત ભારત લાવવા માટે ભારત સરકારે વંદે ભારત મિશન શરૂ કર્યું છે જેના ચાર તબક્કા પૂર્ણ થઇ ચૂક્યા છે ત્યારે હવે સરકાર પાંચમો તબક્કો શરૂ કરવા જઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ મારફતે આ માહિતી આપી હતી. પાંચમો તબક્કો 1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ સુધી ચાલશે.
More than 814K stranded Indians have returned through various means under VBM since 6 May 2020, out of which more than 270K returned on flights from 53 countries.
Now we prepare to dovetail Phase-4 of VBM into Phase-5 from 1st August 2020 & bring back more Indian citizens.
— Hardeep Singh Puri (@HardeepSPuri) July 26, 2020
પ્રાપ્ત વિગતો અનુસાર વંદે ભારત મિશનના પાંચમાં તબક્કા હેઠળ અમેરિકા, કેનેડા, કતાર, ઓમાન, યુએઇ, ઓસ્ટ્રેલિયા, જર્મની, થાઇલેન્ડ, સિંગાપોર, યુકે, સાઉદી અરેબિયા, બહેરિન, ન્યૂઝીલેન્ડ, ફિલિપાઇન્સ સહિત ઘણા દેશોમાં ભારતીયોને પરત લાવવામાં આવશે.
આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે 7મેના રોજ વંદે ભારત મિશન શરૂ કર્યું હતું અને અત્યારે તેનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. ચોથા તબક્કામાં અત્યાર સુધીમાં 1197 ફ્લાઇટ્સનું શેડ્યુઅલ તૈયાર કર્યું છે તેમાં 945 આંતરરાષ્ટ્રીય અને 252 ફીડર ફ્લાઇટ સામેલ છે.
નોંધનીય છે કે, વંદે ભારત મિશન અંતર્ગત અત્યાર સુધી વિદેશમાં ફસાયેલા 8.14 લાખ ભારતીય નાગરિકોને લાવવામાં આવ્યા છે. તેમાંથી 2.70 લાખ ભારતીયોને 53 દેશોમાંથી ફ્લાઈટ દ્વારા લાવવામાં આવ્યા છે. આ મિશન અંતર્ગત એર ઈન્ડિયા સહિત વિવિધ એરલાઈન્સ કંપનીઓને ઉડાન ભરવાની મંજૂરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મિશન અંતર્ગત 1.03 લાખ ભારતીય નેપાલ, ભૂતાન, અને બાંગ્લાદેશનના રૂટથી દેશમાં પરત ફર્યા છે.
(સંકેત)