- સુપ્રીમ કોર્ટમાં ચુકાદા બાદ રામભક્તો મંદિરના નિર્માણકાર્યની જોઇ રહ્યા છે રાહ
- મંદિરના નિર્માણ કાર્યની તારીખ માટે કાલે યોજાશે બેઠક, જાહેર થશે તારીખ
- નિર્માણ કાર્યના પ્રારંભમાં પીએમ મોદી સહિત સંઘ પ્રમુભ ભાગવત રહેશે ઉપસ્થિત
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ મંદિર પર આવેલા ચુકાદા બાદથી સમગ્ર દેશમાં રહેલા શ્રી રામના ભક્તો મંદિરના નિર્માણની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે. આ વચ્ચે આવતીકાલે અયોધ્યામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે જેમાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવાની તારીખ નક્કી કરી શકાય છે. ઓગસ્ટ મહિનામાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થાય તેવી સંભાવના છે. જેમાં પીએમ મોદી, યોગી આદિત્યનાથ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે.
શનિવારે રામમંદિર નિર્માણ કાર્ય માટે બેઠક યોજાશે. ટ્રસ્ટના સભ્યોએ પુષ્ટિ કરી છે કે પીએમ મોદીને આમંત્રિત કરાયા છે અને કાલે બેઠકમાં મંદિર નિર્માણ શરૂ કરવાની તારીખ નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા ઉપસ્થિત રહેશે. પીએમ મોદી દ્વારા જે તારીખ અપ્રૂવ થઇ હોય તે તારીખનું નૃપેન્દ્ર મિશ્રા એલાન કરી શકે છે.
મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભ દરમિયાન દેશમાં દિગ્ગજ મંત્રીઓને પણ આમંત્રણ આપવાની યોજના હતી પરંતુ હવે કોરોનાની મહામારીને કારણે તે શક્ય નથી. તેથી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા માત્ર પીએમ મોદી, સંઘ પ્રમુભ મોહન ભાગવત અને યુપી સીએમની સાથે અમુક મંત્રીઓની ઉપસ્થિતિમાં મંદિર નિર્માણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
એક તરફ અયોધ્યાના સંતો અને ટ્રસ્ટના સભ્યો પીએમ મોદીને આવવા અપીલ કરી રહ્યા છે જો કે પીએમ મોદીના કાર્યાલય તરફથી અયોધ્યા મુલાકાતને લઇને કોઇ પુષ્ટિ હજુ કરવામાં આવી નથી.
(સંકેત)