- અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના ભૂમિ પૂજન પર રોકની અરજી
- દિલ્હીના એક પત્રકારે ભૂમિ પૂજન પર રોક માટે કરી અરજી
- ભૂમિ પૂજન દરમિયાન લોકો ભેગા થશે જે કોવિડ-19ના નિયમોની વિરુદ્વ છે: અરજદાર
અયોધ્યામાં શ્રી રામના ભક્તો રામ મંદિરના નિર્માણની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે અને આગામી મહિને પ્રસ્તાવિત ભૂમિ પૂજન થવા જઇ રહ્યું છે ત્યારે આ પ્રસ્તાવિત ભૂમિ પૂજન પર રોક લગાવવાની માગને લઇને અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. દિલ્હીના એક પત્રકારે ભૂમિ પૂજન પર રોક લગાવવાની અરજી દાખલ કરી છે.
પત્રકાર એ રોકની અરજીની માંગ કરતા અરજીમાં દલીલ રજૂ કરી છે કે અયોધ્યામાં ભૂમિ પૂજન દરમિયાન અંદાજે 300 લોકો ભેગા થશે જે અનલોક 2 ના નિયમોની વિરુદ્વ છે. જો ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાશે તો તેનાથી લોકો ભેગા થવાને કારણે કોરોનાના સંક્રમણનું જોખમ વધશે. યુપી સરકાર કેન્દ્રની માર્ગદર્શિકામાં છૂટછાટ આપી શકે નહીં.
તે ઉપરાંત અરજદારે અરજીમાં બકરી ઇદનું ઉદાહરણ આપતા લખ્યું છે કે બકરી ઇદ પર કોરોનાનો ફેલાવો થાય નહીં તે માટે સામૂહિ નમાજને મંજૂરી અપાઇ નથી. કોર્ટે એ પિટીશનને પણ સ્વીકારી લીધી છે.
નોંધનીય છે કે, આગામી મહિના દરમિયાન રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન થાય તેવી સંભાવના છે ત્યારે આ અરજી બાદ હવે તેના પર રોક લાગશે કે ભૂમિ પૂજન થશે એ તો સમય જ નક્કી કરશે.
(સંકેત)