- અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિર માટે મોરારિબાપુની મોટી જાહેરાત
- અયોધ્યામાં રામ મંદિર માટે ચિત્રકૂટધામ ટ્રસ્ટ 5 કરોડનું અનુદાન કરશે
- આગામી 5 ઑગસ્ટે અયોધ્યા ખાતે રામ મંદિર માટે થશે ભૂમિ પૂજન
સમગ્ર દેશના ભક્તો માટે આસ્થા અને શ્રદ્વાનું કેન્દ્ર એવું ભવ્ય શ્રીરામ મંદિર અયોધ્યા ખાતે નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે તલગાજરડાના પિઠોરીયા હનુમાન મંદિર ખાતે ચાલી રહેલી મોરારિ બાપુની 846મી રામકથામાં સોમવારે તુલસી જયંતિના દિવસે મોરારિ બાપુએ મહત્વની જાહેરાત કરી હતી. અયોધ્યામાં નિર્માણ પામવા જઇ રહેલા રામ મંદિર માટે શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ-તલગાજરડા દ્વારા શ્રી હનુમાનજીની પ્રસાદી રૂપે મોરારિ બાપુ તરફથી પાંચ કરોડનું અનુદાન કરવામાં આવશે.
આગામી મહિનાની 5મી ઑગસ્ટે મંદિરનું ભૂમિ પૂજન થવા જઇ રહ્યું છે અને આનંદની વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ ભૂમિ પૂજન કરવામાં આવશે.
બાપુએ કથા દરમિયાન જાહેરાત કરતા કહ્યું હતું કે શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ તો રાષ્ટ્રીય કાર્યોમાં હંમેશા પોતાનો સહયોગ આપે છે. રામકથાના શ્રોતાઓની લાગણીને ધ્યાનમાં રાખતા શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ તેમજ બાપુની રામકથાના શ્રોતાઓ દ્વારા પાંચ કરોડનું અનુદાન શ્રી રામ મંદિરને મોકલવામાં આવશે.
(સંકેત)