- ડૉ.રેડ્ડીઝ લેબએ રશિયન વેક્સીન સ્પુટનિક-5ની ભારતમાં ટ્રાયલ માટે DCGIની મંજૂરી માંગી
- DCGIની મંજૂરી લીધા પછી રશિયન સંસ્થા ડૉ.રેડ્ડીઝને વેક્સીનના 100 મિલિયન ડોઝ આપશે
- DCGI તેને મંજૂરી આપતા પહેલા અરજીનું તકનિકી મૂલ્યાંકન કરશે
હૈદરાબાદ: વિશ્વભરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે અનેક વેક્સીનનું પરીક્ષણ થઇ રહ્યું છે ત્યારે હૈદરાબાદ સ્થિત ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ ડ્રગ કંટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયા પાસે રશિયાની સ્પુટનીક-5 વેક્સીનના ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી માંગી છે. ક્લિનિકલ ટ્રાયલ માટે ભારતીય ફાર્મા કંપનીએ રશિયા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે સ્પુટનિક 5ના ભારતમાં વિતરણ માટે હાથ મિલાવ્યા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, DCGIની મંજૂરી લીધા પછી રશિયન સંસ્થા ડૉ.રેડ્ડીઝને વેક્સીનના 100 મિલિયન ડોઝ આપશે. ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝે સ્પુટનિક-5ની ક્લિનિકલ ટ્રાયલ તબક્કાની મંજૂરી માટે DCGIને અરજી કરી છે. DCGI તેને મંજૂરી આપતા પહેલા અરજીનું તકનિકી મૂલ્યાંકન કરશે.
નોંધપાત્ર છે કે, ગેમલેયા નેશનલ રિસર્ચ ઑફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી અને RDIFએ સંયુક્તપણે સ્પુટનિક-5 વેક્સીન વિકસાવી છે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પણ બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કોરોના વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ પણ હાથ ધરી રહી છે.
(સંકેત)