ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સાંસદ સી.આર.પાટીલની નિયુક્તિ
- નવસારીના સાંસદ સી.આર.પાટીલની ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ
- હવે તેઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું સ્થાન લેશે
- આ સાથે સંગઠનમાં ફેરફારની અટકળોનો અંત
નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમને નિયુક્ત કર્યા છે. આ રીતે હવે સી.આર.પાટીલ જીતુ વાઘાણીનું સ્થાન લેશે. કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ ગત ઓગસ્ટ માસમાં જ પૂર્ણ થઇ ગયો છે. આ બાદ સંગઠનમાં ફેરફારોની ચર્ચા ચાલતી હતી. જો કે હવે પ્રદેશ પ્રમુખ પદે સી.આર.પાટીલની નિમણૂંક કરવામાં આવતા આ ચર્ચાનો દોર પૂરો થયો છે.
આપને જણાવી દઇએ કે ગુજરાત પ્રદેશ પ્રમુખમાં પ્રથમવાર કોઇ નોન ગુજરાતીને આ પદ મળ્યું છે.
સી.આર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તામાથી પ્રમુખ બનવાની તક આપી છે, તે તમામનો આભાર માનું છું. કોરોના એક ચેલેન્જ છે . કોરોના સામે લડતા પાર્ટીની જવાબદારી પૂરી કરીશુ. ગુજરાતી નૉન ગુજરાતીનો મુદ્દો મને ક્યારેય નડ્યો નથી. એક સામાન્ય કાર્યકર્તાને આટલી મોટી જવાબદારી સોંપશે તેની મને ખબર નહોતી.
મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી 2019માં ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠક પર જીત મેળવી હતી. જેમા નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલને સૌથી વધારે (689668 મત) લીડ મળી હતી. સી.આર. પાટીલ કોંગ્રેસના ધર્મેશ પટેલ સામે ચૂંટણી લડ્યા હતા. એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો.
(સંકેત)