1. Home
  2. revoinews
  3. આયુર્વેદને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો નિર્ણય, આયુર્વેદના ડૉક્ટરો હવે આંખ,નાક, ગળાની સર્જરી કરી શકશે
આયુર્વેદને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો નિર્ણય, આયુર્વેદના ડૉક્ટરો હવે આંખ,નાક, ગળાની સર્જરી કરી શકશે

આયુર્વેદને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો નિર્ણય, આયુર્વેદના ડૉક્ટરો હવે આંખ,નાક, ગળાની સર્જરી કરી શકશે

0
Social Share
  • દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
  • હવે આયુર્વેદના ડૉક્ટરોને આંખ, કાન, ગળાની સર્જરી કરવાની મંજૂરી
  • આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો 58 પ્રકારની સર્જીકલ પ્રોસીજરમાં તાલિમ ઉપરાંત પ્રેક્ટિસ પણ કરી શકશે

નવી દિલ્હી: દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો હવે 58 પ્રકારની સર્જિકલ પ્રોસીજરમાં તાલિમ મેળવાવાની સાથે પ્રેક્ટિસ પણ કરી શકશે. આયુર્વેદના ડૉક્ટરો હવે જનરલ અને ઑર્થોપેડિક સર્જરીની સાથોસાથ આંખ, કાન અને ગળાની સર્જરી પણ કરી શકશે. આપને જણાવી દઇએ કે, સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિને ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ નિયમ, 2016માં સુધારો કરીને આયુર્વેદના ડૉક્ટરોને 39 સામાન્ય સર્જરી અને આંખ, કાન, નાક અને ગળા સહિત 19 અન્ય સર્જરી કરવાની મંજૂરી આપી છે.

જો કે મોદી સરકારના આ નિર્ણયનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આયુર્વેદના ડૉક્ટરોની સર્જરીને આધુનિક સર્જરી એટલે કે એલોપથી સર્જરીથી અલગ રાખવા માટે કેન્દ્ર સરકારને સલાહ આપી છે. આયુષ મંત્રાલય હેઠળ કાયદાકીય સંસ્થા CCIMએ જણાવ્યું કે, આ નિયમને ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ અમેન્ડમેન્ટ રેગ્યુલેશન, 2020 કહેવાશે. આ નિયમ હેઠળ આયુર્વેદના શલ્ય અને શાકલ્યના પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર્સને અભ્યાસ દરમિયાન પ્રેક્ટિકલી તાલીમ આપી શકાશે અને પીજીની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તેઓ સ્વતંત્ર રીતે 58 પ્રકારની સર્જરી પણ કરી શકશે.

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે CCIMનું જાહેરનામુ કોઇ નીતિવિષયક પરિવર્તન નથી અથવા કોઇ નવો નિર્ણય નથી. આ જાહેરનામુ એક પ્રકારનો ખુલાસો કહી શકાય. આ જાહેરનામુ ચોક્કસ પ્રક્રિયાના સંદર્ભમાં આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી સંબંધિત વર્તમાન નિયમોને સરળ અને સુવ્યવસ્થિત કરે છે.

જો કે આ જાહેરનામુ આયુર્વેદના ડૉક્ટરો માટે સર્જરીનું સંપૂર્ણ ક્ષેત્ર ખુલ્લું નથી મુકતું. તે ચોક્કસ સર્જરીની જ મંજૂરી આપે છે. તે ઉપરાંત જાહેરનામા અનુસાર આયુર્વેદના બધા જ પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉકટર્સ સર્જરી કરી શકશે નહીં. માત્ર શલ્ય અને શાકલ્યમાં સ્પેશિયલાઇઝ્ડ ડૉક્ટરોને જ સર્જરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ અંગે CCIMના ચેરમેન વૈદ્ય જયંત દેવપુજારીએ કહ્યું હતું કે, આયુર્વેદ સંસ્થાઓમાં આ સર્જરી 20 વર્ષ કરતાં વધુ સમયથી થઇ રહી છે. આ જાહેરનામુ માત્ર આ પ્રક્રિયાને કાયદેસરતા આપે છે. ઉપરાંત આ જાહેરનામાનો એક આશય આયુર્વેદના ડૉક્ટરો માટે એક હદ નક્કી કરવાનો પણ હતો, જેથી પ્રેક્ટિશનર્સ નિયમોમાં જણાવ્યા મુજબના ક્ષેત્રમાં જ સર્જરી કરી શકે.

જોકે, સીસીઆઈએમના આ પગલાં સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ વિરોધ નોંધાવ્યો છે. આઈએમએનું કહેવું છે કે સીસીઆઈએમ આયુર્વેદની ચોક્કસ સ્ટ્રીમ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરોને સર્જરીની તાલિમ આપવાની મંજૂરી આપીને બે અલગ અલગ મેડિકલ શાખાઓનું મિશ્રણ કરી રહી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code