કચ્છના ખેડૂતની મહેનતના ફળનો સ્વાદ ગુજરાતની જનતા ચાખશે, ગરમ પ્રદેશમાં કર્યું સફરજનનું વાવેતર
અમદાવાદઃ સફરજનનું નામ પડતા જ સૌથી પહેલા કાશ્મીર અને શીમલાનું નામ યાદ આવે છે. પરંતુ હવે આગામી દિવસોમાં કચ્છના સફરજન જોવા મળશે અને ગુજરાતની જનતા કચ્છના સફરજનનો સ્વાદ માણી શકશે. ઠંડા પ્રદેશમાં ઉગતા શીમલાના સફરજનનું કચ્છના એક ખેડૂતે કાળઝાળ ગરમીમાં ઉત્પાદન શરૂ કર્યું છે. 5 વર્ષની તપશ્ચર્યા બાદ કચ્છના ખેડૂતોની મહેનત રંગ લાવી છે. કચ્છની કેસર કરી, ખારેક અને ડ્રેગન ફ્રુટ બાદ આગામી દિવસોમાં કચ્છના મીઠા સફરજન ગુજરાતીઓમાં ઘેલુ લગાવશે.
નખત્રાણા તાલુકાના ખીરસરાના ખેડુત શાંતિલાલ દેવજી માવાણીએ સફરજનની ખેતી કરીને સફળતા મેળવી છે. ખેડૂતે ગરમ પ્રદેશ એવા કચ્છમાં સફરજનનું ઉત્પાદન કરવાના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. તેમજ છેલ્લા પાંચ વર્ષથી કચ્છના વાતાવરણમાં સફરજન ઉછેરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ આ પડકારનો પાર નહોતો. પ્રારંભમાં અનેક પ્રયત્નો છતા સફરજનના ઉત્પાદનમાં સફળતા મળી ન હતી.
ખેડૂતે સફરજનના રોપા હિમાચલ પ્રદેશથી લાવીને વાવેતર કર્યું હતું. તેમજ સફરજનના ઝાડને વધારે તડકો ના લાગે એ માટે ગ્રીન નેટ બાંધીને છાયડો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરફજનના છોડને વહેતા પાણી જોઈએ. તેમજ ડુંગરાળ અને પથરાળ જમીનમાં વધારે માફક આવે છે, પરંતુ કચ્છમાં આવી જમીન ન હોવાથી ખેડૂતે માટીની ઊંચી બેડો બનાવ્યો હતો. જેથી પાણીનો ભરાવો ન થાય. આમ ખેડૂતે અશકયત લાગતી તમામ કામગીરી ભારે મહેનત બાદ પૂર્ણ કરી હતી. જેના મીઠા ફળ આગામી દિવસમાં ગુજરાતની જનતા આરોગશે.