કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ ભૂકંપના બે આંચકાથી લોકોમાં ફફડાટ
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી હળવા ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે સવારે ભૂકંપના વધારે બે આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો હતો. પ્રથમ આંચકો સવારે 5.11 કલાકે અને બીજો આંકડો સવારે 6.47 કલાકે આવ્યો હતો. જો કે, ભૂકંપના આ બે આંચકાથી કોઈ મોટી જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના રાપર વિસ્તારમાં વહેલી સવારે લગભગ 5.11 કલાકે 1.6ની તીવ્રતાનો હળવો આંચકો આવ્યો હતો. આ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિન્દુ રાપરથી 20 કિમી દૂર નોંધાયું હતું. ત્યાર બાદ સવારના 6.47 કલાકે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી હતી. લગભગ 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આ આંચકાનું કેન્દ્રબિન્દુ ભચાઉથી 23 કિમી દૂર નોંધાયું હતું. કચ્છમાં ગણતરીના કલાકોમાં જ એક પછી એક એમ બે આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયાં છે. જો કે, આ બંને આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.