અયોધ્યા વિવાદના મામલામાં જયપુરના રાજવંશે ખુદને ભગવાન શ્રીરામના વંશજ ગણાવ્યા છે. તો મેવાડના રાજપરિવારે પણ પોતે ભગવાન શ્રીરામના વંશજ હોવાનું જણાવ્યું છે. મેવાડના રાજપરિવારે પોતાનો વંશ ભગવાન શ્રીરામના પુત્ર લવની શાખા સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું છે. લવે જ લાહોર શહેરને વસાવ્યું હતું. લાહોરને પહેલા લવકોટ નામથી ઓળખવામાં આવતું હતું. લવના વંશ કાળાંતરમાં આહાડ આવ્યા જે હાલ મેવાડમાં છે અને અહીં સિસોદિયા વંશની સ્થાપના કરવામાં આવી.
મેવાડ રાજપરિવારનું કહેવું છે કે શ્રીરામના વંશજ હોવા સંબંધિત દસ્તાવેજ જયપુર રાજપરિવાર દોઢ દશક પહેલા જ કોર્ટને સોંપી ચુક્યો છે. પરતું તેના પર આગળ કંઈ થયું નથી. હવે કોર્ટે આના પર સવાલ ઉઠાવ્યો છે, જ્યારે મામલો શ્રીરામના વંશજ હોવાનો નહીં, પરંતુ અયોધ્યામાં મંદિરનો છે.
ઉદયપુરમાં રહેતા મેવાડ રાજપરિવારના સદસ્ય મહેન્દ્રસિંહ મેવાડે કહ્યુ છે કે તેમનું રાજકુટુંબ શ્રીરામના પુત્ર લવનું વંશજ છે. મેવાડમાં તેમની 76 પેઢીઓ તો ઈતિહાસમાં નોંધાયેલી છે. જ્યારે રાજપરિવારનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. મહેન્દ્રસિંહ મેવાડનું કહેવું છે કે શ્રીરામના વંશજોની વંશાવલી અયોધ્યા કેસનો મુદ્દો નથી. તેમ છતાં તેની શા માટે માગણી થઈ રહી છે. જયપુર રાજપરિવારે તો દોઢ દશક પહેલા જ વંશાવળી અદાલતમાં રજૂ કરી દીધી હતી.
મેવાડના રાજપરિવારના શ્રીરામના વંશજ હોવાનો દાવો આ રાજવંશના લક્ષ્યરાજસિંહ મેવાડે પણ કર્યો છે. તેમણે કહ્યુ છે કે કર્નલ જેમ્સ ટોડે પણ અયોધ્યા સંદર્ભે લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે અયોધ્યા શ્રીરામની રાજધાની હતી. તેમણે એમ પણ લખ્યું હતું કે શ્રીરામના પુત્ર લવે લવકોટ એટલે કે લાહોર વસાવ્યું. કાલાંતરમંતે રાજવંશ ગુજરાત થઈને મેવાડમાં આવ્યો. ચિતોડ બાદ ઉદયપુરને પોતાની રાજધાની બનાવી. શ્રીરામ પણ શિવના ઉપાસક હતા અને મેવાડ રાજપરિવાર પણ ભગવાન શિવ એટલે કે એકલિંગનાથના ઉપાસક છે. અમે માનીએ છીએ કે મેવાડના રાજા ભગવાન એકલિંગનાથ છે.
જયપુરના રાજપરિવારનો શ્રીરામના વંશ હોવાનો દાવો
સુપ્રીમ કોર્ટમાં રામમંદિર મામલા પર ચાલી રહેલી સુનાવણી વચ્ચે જયપુરના રાજપરિવાર તરફથી શ્રીરામના વંશજ હોવાનો દાવો કરવામાં આવ્ય છે. ભૂતપૂર્વ રાજપરિવારના સદસ્ય અને ભાજપના સાંસદ દીયાકુમારીએ કહ્યું છે કે તેઓ ભગવાન રામના વંશજ છે. તેમણે પોથીખાનમાં ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે આના સંદર્ભે દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જયપુર રાજપરિવારની ગાદી ભગવાન રામના પુત્ર કુશના વંશજોની રાજધાની છે.
જયપુરના પૂર્વ રાજમાતા પદ્મિની દેવીએ કહ્યું છે કે 1992માં ભૂતપૂર્વ મહારાજા સ્વ. ભવાનીસિંહે માનચિત્ર સહીત તમામ દસ્તાવોજોની કોર્ટને સોંપણી કરી હતી. ભગવાન રામના પુત્ર કુશના વંશજ હોવાને કારણે ઢૂંઢાડના રાજા કછવાહા કહેવાયા અને રામની 309મી પેઢીના તેઓ હોવાનું માને છે. જયપુરના પૂર્વ રાજપરિવારનો દાવો છે કે રામજન્મભૂમિને લઈને સિટી પેલેસના કપડાદ્વારામાં સુરક્ષિત દસ્તાવેજોના આધારે એ સ્પષ્ટ છે કે અયોધ્યામાં રામમંદિરની ભૂમિ જયપુર રિયાસતના અધિકારમાં રહી છે.
ઈતિહાસકાર પ્રોફેસર આર. નાથના સંશોધન ગ્રંથ સ્ટડીઝ ઈન મિડીવલ ઈન્ડિયન આર્કિટેક્ચરમાં દસ્તાવેજોની સાથે સાબિત કરવામાં આવ્યું છે કે અયોધ્યામાં કોટ રામ જન્મસ્થાન જયપુરના તત્કાલિન મહારાજા સવાઈ જયસિંહ દ્વિતિયના અધિકારમાં રહ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું ભગવાન રામનો કોઈ વંશજ દુનિયામાં અથવા અયોધ્યામાં છે.
દીયા કુમારીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે શું કોઈ શ્રીરામના વંશજ છે અથવા નહીં. અમારો પરિવાર પણ શ્રીરામ સાથે જોડાયેલો છે. અમારા સિવાય પણ ઘણાં બધાં છે, જે શ્રીરામના વંશજ છે. આ દાવાના આધાર સંદર્ભે દીયા કુમારે ક્હ્યું હતું કે તેમની વંશાવલી અને દસ્તાવેજ પોથીખાનામાં હાજર છે. દાવાના આધારે કોર્ટમાં પ્રમાણ ઉપલબ્ધ કરાવવા મામલે દીયા કુમારીએ કહ્યુ છે કે સવાઈ જયસિંહના સમયનો એક નક્શો હતો, તેને 1992માં રજૂ કરવામાં આવ્યો હતો. તેના સિવાય અત્યારે તેમની પાસે કંઈ માંગવામાં આવ્યું નથી અને આપવામાં પણ આવ્યું નથી.
જયપુરના પૂર્વ રાજપરિવારનો દાવો છે કે તેમના ભગવાન શ્રીરામના વંશજ હોવાના પુરતા પુરાવા સિટી પેલેસના પોથીખાનામાં હાજર છે. પોથીખાનામાં હાજર નવ દસ્તાવેજ અને બે નક્શા સાબિત કરે છે કે અયોધ્યાના જયસિંહ પુરા અને રામજન્મસ્થાન જયપુરના મહારાજા સવાઈ જયસિંહ દ્વિતિયને આધિન હતા. 1776ના એક હુક્મમાં જણાવવામાં આવ્યું છે કે જયસિંહપુરાની જમીન કચ્છવાહા વંશના અધિકારક્ષેત્રમાં હતી.
ઈતિહાસકારોને ટાંકીને જયપુર રાજપરિવારનો દાવો છે કે ઔરંગઝેબના મૃત્યુ બાદ સવાઈ જયસિંહ દ્વિતિયે હિંદુ ધાર્મિક વિસ્તારોમાં જમીનો ખરીદી હતી અને 1717થી 1725માં અયોધ્યામાં રામજન્મસ્થાન મંદિર બનાવ્યું હતું. પૂર્વ રાજપરિવારે પોથીખાનામાં રાખવામાં આવેલી એક વંશાવલીની વાત કહી છે. તેમા ભગવા શ્રીરામને કુશવાહા વંશના 63મા વંશજ દર્શાવવામાં આવ્યા છે.
તો ભગવાન શ્રીરામના જે પુત્ર કુશના નામથી કુશવાહા વંશની શરૂઆત થઈ છે. તે વંશાવલીમાં 64મી પેઢી તરીકે દર્શાવવામાં આવી છે. આ વંશાવલીમાં સવાઈ જયસિંહને 289મા અને ભવાનીસિંહે 309મા વંશજ તરીકે દર્શાવવામાં આવ્યા છે. દીયા કુમારીએ કહ્યું છે કે દસ્તાવેજો આપવાથી કાર્યવાહી જલ્દી થાય છે અને મંદિર જલ્દી બને છે તો તેઓ તે આપશે. કાયદાકીય પ્રક્રિયા છે, જો જરૂરત નહીં પડે તો તેઓ આગળ આવીને આમા હસ્તક્ષેપ કરશે નહીં. પરંતુ મંદિર ઝડપથી બનવું જોઈએ.