કેસીઆરને ભાજપનું હિંદુત્વ હરાવી શકશે નહીં, મોદી બે મંદિરમાં થશે તેલંગાણાના સીએમ છ મંદિરમાં જશે: ઓવૈસી
ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદ લોકસભા બેઠક પરથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તીલગ કુંતામાં શુક્રવારે એક જાહેરસભામાં ભાજપને પડકાર ફેંક્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે ભાજપ તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખરરાવને ક્યારેય હરાવી શકશે નહીં, કારણ કે કેસીઆર કટ્ટર હિંદુ છે. જો પીએમ મોદી બે મંદિરમાં જશે, તો કેસીઆર છ મંદિરમા જશે. ભાજપ કેસીઆરને હરાવવા માટે હિંદુત્વનો ઉપયોગ કરી શકશે નહીં.
ઓવૈસીએ કહ્યુ છે કે તેઓ હિંદુ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ હિંદુત્વની વિરુદ્ધ છે.
મહત્વપૂર્ણ છે કે ગત માસમાં સંઘ પરિવારને નિશાન બનાવતા ઓવૈસીએ કહ્યુ હતુ કે દેશમાં જય શ્રીરામ અને વંદેમાતરના સૂત્રો નહીં લગાવવાને લઈને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવે છે. ઓવૈસીએ કહ્યુ હતુ કે આવી ઘટનાઓ વધશે. તેની પાછળ સંઘ પરિવારનો હાથ છે. વડાપ્રધાન માત્ર કહી રહ્યા છે કે તે આવી ઘટનાઓને રોકી શકતા નથી. ક્યારેક થાણેમાં ટેક્સી ડ્રાઈવરને મારવામાં આવે છે કે તેણે જય શ્રીરામનું સૂત્ર પોકાર્યું નથી. દેશના બંધારણનું સમ્માન કરો, વડાપ્રધાન કહી રહ્યા છે તેનો તો આદર કરો.
તાજેતરમાં ઝારખંડમાં એક મુસ્લિમ યુવકને ભીડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તે વખતે કથિતપણે જબરદસ્તીથી જય શ્રીરામ અને જય હનુમાનના સૂત્રો તેની પાસે લગાડાવામાં આવ્યા હતા. અલવરમાં એપ્રિલ-2017માં 55 વર્ષીય પહલુ ખાનની કથિત ગોરક્ષકો દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી હતી. પહલુ ખાનનો મુદ્દો પણ ગરમાયેલો છે. રાજસ્થાન પોલીસ તરફથી આ મામલામાં પહલુ ખાનના પરિવારને લઈને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ વાતને લઈને પહલુ ખાનનો પરિવાર નારાજ છે, તો ઓવૈસીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેની ટીકા કરી હતી.